બંદીવાન હોઉં એવું લાગે છે, રાજીનામું આપી દઈશ: યુનુસનો હરિરસ ખાટો

  • May 23, 2025 09:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાડોશી દેશ બાંગ્લાદેશમાં ફરી એકવાર મોટો ફેરફાર જોવા મળી શકે છે. દેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ રાજીનામું આપી શકે છે. તેમણે હાલની સ્થિતિને જોતા રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ, મોહમ્મદ યુનુસનું કહેવું છે કે, દેશમાં હાલની સ્થિતિને ધ્યાને રાખી રાજકીય પાર્ટીઓ સાથે મળીને કામ કરવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.


મોહમ્મદ યુનુસે ગુરૂવારે (22 મે) ઢાકામાં એડવાઇઝરી કાઉન્સિલની બેઠકમાં દેશની સ્થિતિ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિદ્યાર્થી નેતા અને નેશનલ સિટિઝન પાર્ટીના પ્રમુખ નાહિદ ઇસ્લામે કહ્યું કે, 'અમે સવારથી સર યુનુસના રાજીનામાંની ખબર સાંભળી રહ્યા છીએ. તેથી હું આ મામલે ચર્ચા કરવા ગયો હતો. તેમણે મને કહ્યું કે, હું આ વિશે વિચારી રહ્યો છું. હું બંધક જેવું અનુભવી રહ્યો છું. મને લાગે છે કે, હાલની સ્થિતિમાં કામ ન કરી શકાય. જ્યાં સુધી રાજકીય પાર્ટી સામાન્ય સંમતિ સુધી નથી પહોંચતા, હું કામ નહીં કરી શકુ.'

નાહિદ ઇસ્લામે કહ્યું કે, જો યુનુસને સમર્થન નહીં મળે તો તેમનું પદ પર રહેવાનો કોઈ તર્ક નથી. જો રાજકીય પાર્ટી ઈચ્છે છે કે, તે અત્યારે જ રાજીનામું આપી દે તો તે કેમ રોકાશે? નાહિદ ઇસ્લામ સાથે મહેફૂઝ આલમે પણ તેમના સત્તાવાર નિવાસ જમુના પર જઈને મુલાકાત લીધી હતી.


સેના પ્રમુખે ડિસેમ્બર સુધી ચૂંટણીનું આપ્યું છે અલ્ટીમેટમ

હજી એક દિવસ પહેલાં જ બાંગ્લાદેશની સેનાના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને મોહમ્મદ યુનુસને આકરી ચેતવણી આપતા ડિસેમ્બર સુધી ચૂંટણી કરાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બાંગ્લાદેશમાં મ્યાનમાર સરહદ પર માનવીય ગલિયારા બનાવવાની યોજનાને લઈને સેના અને સરકાર આમને-સામને છે. મોહમ્મદ યુનુસની આગેવાનીવાળી સરકારે અમેરિકા સાથે ગુપ્ત રૂપે બાંગ્લાદેશ-મ્યાનમાર સરહદ પર એક માનવીય કોરિડોર બનાવવાને લઈને કરાર કરવામાં આવ્યો હતો, પરંતુ બાંગ્લાદેશ આર્મી ચીફે તેના પર નારાજગી વ્યક્ત કરી હતી.


બાંગ્લાદેશમાં યુનુસનો વિરોધ

બાંગ્લાદેશમાં સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વિદ્યાર્થી સંગઠનોથી લઈને વિપક્ષી પાર્ટીઓ સુધી મોહમ્મદ યુનુસ ચારે બાજુથી ઘેરાયેલા છે. પ્રમુખ વિપક્ષી પાર્ટી આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી કરાવવાની માંગ કરી રહી છે. વિરોધી પાર્ટીએ મહેફૂઝ આસિફ અને અલીલુર્રહમાન જેવા નેતાઓને સરકારથી બહાર કરવાની માંગને લઈને વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application