મીઠાપુરમાં પત્નિ સાથે બોલાચાલી બાદ છરીના ઘા ઝીકી, પત્નિની હત્યા નીપજાવતો પતિ

  • July 15, 2021 11:21 AM 

પત્નીની હત્યા કરનારા આરોપી પતિની અટકાયત

    ઓખામંડળના મીઠાપુર ખાતે રહેતી એક પરણીત યુવતી સાથે તેણીના પતિએ કોઈ કારણોસર ઝઘડો કરી, પતિ દ્વારા છરીના બેફામ ઘા મારી અને પત્નિની નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
    આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા તાલુકાના મીઠાપુરમાં આવેલી બાલમુકુંદ પાંજરાપોળ પાસે રહેતા નીતાબેન પ્રવીણભાઈ કંકોડિયા નામના 34 વર્ષના દેવીપુજક મહિલા ગતરાત્રે પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે ઘરમાં આવેલા પતિ પ્રવીણ જેસંગભાઈ કંકોડીયા સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચેની આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં મહિલાના પતિ પ્રવીણભાઈએ પિત્તો ગુમાવ્યો હતો અને તેણે પોતાની પાસે રહેલી છરીના બેફામ ઘા પોતાના પત્ની નીતાબેનને ઝીંકી દીધા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડેલાં નીતાબેનને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
   આ સમગ્ર બનાવ અંગે મૃતક મહિલાના મામા નાનાભાઈ નાથાભાઈ કંકોડીયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે પ્રવીણ જેસંગભાઈ કંકોડીયા સામે મનુષ્ય વધની કલમ 302 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ સ્થાનિક પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા હાથ ધરવામાં આવી છે. આ બનાવ બનતા ડી.વાય.એસ.પી નીલમબેન ગોસ્વામી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મૃતકનું પોસ્ટમોર્ટમ સહિતની વિવિધ દિશાઓમાં જરૂરી કાર્યવાહી કરી હતી. પતિ દ્વારા પત્નીની નિર્મમ હત્યાના બનાવે આ વિસ્તારમાં ચકચાર જગાવી છે.
દરમ્યાનમાં નીતાબેનની હત્યા સંદર્ભે ડીવાયએસપી ગોસ્વામી તથા પી.આઈ. જે.કે. ડાંગર દ્વારા પોતાની પત્નિની હત્યા કરનાર પતિની અટકાયત કરી, કોરોના ટેસ્ટ બાદ ધરપકડ સહિતની ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે.
    ઉપરોક્ત દંપતી વચ્ચે થયેલા ઘર-કંકાસના કારણે હત્યાનો આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ દંપતીને ત્રણ સંતાનો હોવાનું તથા પતિ પ્રવીણ જેસંગભાઈ ભંગારની લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું પણ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS