ધ્રોલના ઇટાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ નિપજયુ હતું, રસોઇમાં પત્નીએ ભજીયા નહીં બનાવતા આ બાબતે બોલાચાલી થતા મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધુ હતું.
ધ્રોલ તાલુકાના ઇટાળા ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના વતની સાગર ઇડલાભાઈ ભીંડે નામના ૨૩ વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાની વાડીમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકની પત્ની સવિતાબેન સાગરભાઇએ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે અને હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને શ્રમિક યુવાનના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકને પોતાની પત્ની સાથે રસોઈ બનાવવા બાબતે બોલાચારી થઈ હતી. પત્નીને ભજીયા બનાવવાનું કહેતાં પત્નીએ ભજીયા નહીં બનાવ્યા હોવાથી માઠું લાગી આવ્યું હતું, અને આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે