પરિણીતાએ પુત્રીને જન્મ આપતા સાસરીયાને પસંદ પડયું ન હતું. બેંગકોકમાં આઇવીએફની સારવાર દરમિયાન નોનવેજ ખાવા દબાણ કર્યું હતું. પુત્રીની હાજરીમાં પતિએ બેફામ મારમાર્યા સહિતના ગંભીર આક્ષેપો સાથે મોરબીની પરિણીતાએ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
હાલ ગોંડલમાં રાધાકૃષ્ણનગર શેરી નં. ૧ માં રહેતાં અભિલાષાબેન હર્ષદભાઈ કડીવાર (ઉ.વ.૩૮) એ તેના પતિ હર્ષદભાઈ કડીવાર, સાસુ ચંપાબેન મનજીભાઈ કડીવાર અને જેઠ જીજ્ઞેશભાઈ કડીવાર (રહે.તમામ ૫૦૨ રૂષીકેશ એપાર્ટમેન્ટ, લીલાપર કેનાલ રોડ, મોરબી) સામે માનસિક શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદીએ જણાવ્યું હતું કે, હાલ તેણી માવતરના ઘરે ગોંડલ રહે છે. તેણીને સંતાનમાં ૧૨ વર્ષની એક દીકરી છે. તેણી એમ.એસ.સી. સુધી ભણેલ છે. તેણીના લગ્ન ગઈ તા.૨૯/૦૫/૨૦૧૦ ના રોજ હર્ષદભાઈ કડીવાર પટેલ સાથે થયેલ છે. લગ્ન બાદ તેણી સસરાના ઘરે સંયુક્ત પરીવારમાં રાજકોટ તથા મોરબી રહેતા હતા. બે વર્ષ સુધી ઘરસંસાર બરાબર ચાલેલ હતો. ત્યારબાદ દિકરી તરલના જન્મ બાદ પતિ હર્ષદભાઈ, સાસુ ચંપાબેન કડીવાર તથા મારા જેઠ જીજ્ઞેશભાઈ કડીવાર અવાર નવાર કહેતા કે, અમારા મોભા મુજબ તું તારા બાપના ઘરેથી કરીયાવર લાવેલ નથી, તેમ કહી મેણા ટોણા મારી માનસીક ત્રાસ આપી માતા પિતા સાથે ફોન ઉપર વાત કરવા દેતા નહી, માતા-પિતા સાથે સંપર્ક રાખવા દેતા નહી.
લગ્ન જીવન દરમિયાન બે વખત ગર્ભ રહેલ હોય ત્યારે ત્રણેય જણાએ ગર્ભપાત કરવાનુ કહેતા પરિણીતાએ વિરોધ કરવા છતા આ ત્રણેયએ બે વખત ગર્ભપાત કરાવવા મજબુર કરી હતી.
બાદ તેણી અને પતિ હર્ષદભાઈ તથા દિકરી એપ્રીલ ૨૦૨૨ માં કેનેડા પતિના ધંધા માટે જતા રહેલ હતા. કેનેડા રહેતા હતા ત્યારે પતિ હર્ષદભાઈને નોનવેજ ખાવાની તથા દારૂ પવાની કુટેવ હોય જેથી તેમને નોનવેજ તથા દારૂ પવાની ના પાડતી તો આ પતિ કહેતા કે, હું તારા બાપના પૈસાનો દારૂ નથી પીતો, તેમ કહી મારકુટ કરતા હતા. આ દરમિયાન સસરાના શ્રાદ્ધ વિધી માટે સપ્ટેમ્બર ૨૦૨૫ માં બધા કેનેડાથી ભારત આવેલ હતા. એકાદ અઠવાડીયા પછી તેણી તેના પતિ તથા દિકરી બેંગકોક ગયેલ હતા. ત્યાં પણ પતિએ ઢોર માર મારેલ હતો. જેથી મામાને મેસેજ કરી મદદ માંગેલ હતી. બાદ બીજે દિવસે અમે ફ્લાઈટમાં અમદાવાદ આવેલ ત્યાં મામા મયુરભાઈ માવજીભાઈ કાવર (રહે. અમદાવાદ) આવી તેણીને તથા દિકરી તરલને તેના ઘરે લઇ ગયેલ હતાં.
પરિણીતા દિકરી સાથે માવતરના ઘરે આવતા રહેલ ત્યારથી દિકરી સાથે માવતરના ઘરે ગોંડલ રહે છે, તેણીના ડોક્યુમેન્ટ તથા સોનાના તમામ દાગીના પતિ પાસે હોય જે આપવા વિનંતિ કરવા છતા આપેલ નથી. તેમજ ઈ મેઈલ આઈ.ડી. તથા વોટસએપ પણ પતિએ લઇ લીધેલ છે. બનાવ અંગેની ફરીયાદ પરથી મહિલા પોલીસે તપાસ હાથ ધરી છે.