ખંભાળિયા સહિત જિલ્લામાં "તૌકતે" વાવાઝોડા પૂર્વે વંટોળિયો ફૂંકાયો: લોકોમાં ભય, વીજપુરવઠો ખોરવાયો

  • May 17, 2021 10:38 AM 

સામાન્ય નુકશાનીના અહેવાલો વચ્ચે સરકારી તંત્ર દ્વારા નોંધપાત્ર કવાયત: દરિયાકાંઠે ભયજનક 8 નંબરના સિગ્નલ લગાયા

ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં "તૌકતે" વાવાઝોડાની આગાહી સાથે ગઈકાલે રવિવારે વંટોળિયો પવન ફૂંકાયો હતો. ગતરાત્રે સવા નવેક વાગ્યે ખંભાળિયા પંથકમાં પવનનું જોર વધ્યું હતું. જે અંદાજે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચ્યું હતું.

રાત્રિના સમયે ફૂંકાયેલા મીની વાવાઝોડાને પગલે લાંબો સમય વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. ધૂળની ડમરી સાથેના વંટોળિયા જેવા પવનથી લોકો ભયભીત બની ગયા હતા. કેટલાક કાચા મકાનોના છાપરા ઉડવાના બનાવો પણ બન્યા હતા. આ મીની વાવાઝોડાના પગલે પોલીસ તંત્ર તથા સરકારી તંત્ર એલર્ટ બની ગયું હતું. જોકે રાત્રીના આશરે સાડા દસેક વાગ્યે પવનનું જોર ધીમું પડતા લોકોએ રાહતનો દમ ખેંચ્યો હતો.

આ મીની વાવાઝોડા પૂર્વે ખંભાળિયા પંથકના કેટલાક વિસ્તારોમાં અમીછાંટણા પણ વરસ્યા હતા. આ પરિસ્થિતિમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વાવાઝોડુ તથા વરસાદની ઘાત હાલ પૂરતી ટાળી જતાં લોકોએ રાહતનો દમ ખેંચ્યો છે.

ગઈકાલે ફૂંકાયેલા મીની વાવાઝોડાના પગલે નાની મોટી નુકશાની સાથે ધૂળની ડમરી તથા કચરા ભર્યો માહોલ સર્જાયો હતો. ઘરોમાં તથા દુકાનોમાં ધૂળનું સામ્રાજ્ય છવાઇ જતાં ખાસ કરીને ગૃહિણીઓ તથા વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખંભાળિયાના હાપીવાડી- હર્ષદપુર વિસ્તારમાં ડિસેમ્બર માસમાં જ બનાવવામાં આવેલ એક જાહેર શેડ ગઈકાલના ભારે પવનના કારણે ઉડી થઈ ગયો હતો.

ખંભાળિયાના નવા બનાવાયેલા મ્યુ. ગાર્ડનમાં પણ તબાહી

ખંભાળિયા શહેરની મધ્યમાં આવેલા મ્યુ. ગાર્ડન કે જેમા તાજેતરમાં આશરે રૂપિયા અડધા કરોડથી વધુના ખર્ચે રિનોવેટ કરી સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યો હતો. અહીં ગઈકાલે ફૂંકાયેલા મીની વાવાઝોડાના કારણે આશરે અડધી સુધી જૂનું એક વૃક્ષ તૂટી પડતા શેડને નુકશાની થવા પામી હતી. આ ઉપરાંત અહીં અન્ય વૃક્ષોની ડાળીઓ ઉઠી અને માર્ગ પર પડી ગઈ હતી.

આટલું જ નહીં, ખંભાળિયા સહિત જિલ્લામાં ઠેર- ઠેર અનેક વૃક્ષો તૂટી પડવાના, છાપરા કે શેડ ઉડી જવાના બનાવો બન્યા હતા. આ પરિસ્થિતિમાં ખાસ કરીને ઝુંપડપટ્ટી વિસ્તારોના લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પવનનું જોર આજે સવારે પણ રહ્યું હતું. વાતાવરણમાં નોંધપાત્ર પલટા તેમજ ધૂળની ડમરી સાથે વંટોળિયા પવને લોકોને હાલાકી તથા ચિંતામાં મુકી દીધા છે.

ખંભાળિયામાં મીની વાવાઝોડાના પગલે સેવાભાવી કાર્યકરો મેદાનમાં

ખંભાળિયામાં ગતરાત્રીના ફુંકાયેલા મીની વાવાઝોડાના કારણે શહેર તથા આસપાસના વિસ્તારો લોકોને હાલાકી ન થાય તે માટે અહીંના જય હો ગ્રુપ તથા રોબિન હૂડ આર્મી સહિતના કાર્યકરો પોતાની સેવા આપવા સજજ બની ગયા છે આ અંતર્ગત અહીંની જૂની લોહાણા મહાજનવાડી ખાતે આશ્રયસ્થાન ઉભા કરવા, અત્રે પોરબંદર રોડ પર આવેલી વરિયા પ્રજાપતિ જ્ઞાતિ ન વાડી ખાતે પણ રહેવા-જમવાની સુવિધા, વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે આજે સવારથી ફુડ પેકેટ તૈયાર કરવા, તેમજ ખંભાળિયાના સુન્ની મુસ્લિમ જમાત દ્વારા જુદા-જુદા સ્થળે આવેલા તેઓના જમાત ખાના ખાતે પણ વાવાઝોડા સંદર્ભે વિવિધ પ્રકારની સેવા સુવિધાઓ ઉભી કરવા માં આવી છે.

આ માટે અહીં આ સેવાભાવી યુવા કાર્યકરો ઇન્દ્રજીતસિંહ પરમાર, હાર્દિક મોટાણી, મહેશ રાડિયા, પ્રફુલભાઈ દાસાણી, હુસેનભાઇ ભોકલ, રહીમભાઈ ચાકી, ઇમ્તિયાઝખાન લોદીન વિગેરે દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી રહી છે. હાપીવાડી વિસ્તારના ઝુંપડપટ્ટીના લોકોને સ્થાનિક શાળામાં શિફ્ટ કરવા માટે સ્થાનિક અગ્રણી સંજયભાઈ નકુમ વિગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

જિલ્‍લામાં વાવાઝોડાને સંદર્ભે વઘુ નવ 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવામાં

‘‘તૌકતે’’ વાવાઝોડાથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકિનારાના વિસ્‍તારોમાં અસર થવાની સંભાવના છે. જેને ધ્યાને લઈ, આ વિસ્‍તારમાં 108ની ટીમો તૈનાત કરવામાં આવેલ છે. તે પૈકી દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં વધુ નવ એમ્‍બ્‍યુલન્‍સ વાવાઝોડાની અસરને ધ્‍યાને લઇ હંગામી ધોરણે જિલ્‍લા કલેકટર દ્વારા મુકવામાં આવી છે. હાલ કાર્યરત 11 એમ્‍બ્‍યુલન્‍સ સાથે વઘુ 9  એમ્‍બ્‍યુલન્‍સ મળી, કુલ વીસ 108 એમ્બ્યુલન્સ જિલ્‍લામાં કાર્યરત થશે. ખાસ કરીને દરીયાઇ વિસ્તારોમાં સંભવિત રીતે ઉપસ્થિત થનાર વિકટ પરિસ્‍થિતિમાં ઝડપથી પહોંચી વળવા મદદરૂપ થશે.

ઓખા બંદરે ભય સૂચક 8 નંબરનું સિગ્નલ લગાવાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવિત રીતે આજે મોડી સાંજથી આવતીકાલે મંગળવાર સવાર સુધી ત્રાટકનાર વાવાઝોડાની શક્યતા વચ્ચે ઓખા બંદર ખાતે ભય સૂચક 8 નંબરનું સિગ્નલ આજે સવારે લગાવી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા દરિયાઇ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા તથા લોકોને સલામત સ્થળે પહોંચાડવાની જહેમત હાથ ધરવામાં આવી રહી છે.

એન.ડી.આર.એફ.ની બે ટીમ દરિયાઈ વિસ્તારોમાં તૈનાત: 2400 થી વધુ પોલીસ, હોમગર્ડ્સના જવાનો ખાસ ફરજ પર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સંભવતઃ આજે  સોમવારે રાત્રિ અથવા મંગળવારે સવારે સુધીના સમયગાળામાં "તૌકતે" વાવાઝોડાની ત્રાટકવાની જારી કરવામાં આવેલી આગાહીને ધ્યાને લઈ, ખાસ કરીને અહીંનું પોલીસ તંત્ર વધુ સક્રિય બની ગયું છે. જિલ્લા જુદા-જુદા ચાર તાલુકાઓમાં 950 જેટલાં પોલીસ કર્મચારીઓ તથા 1500 જેટલા હોમગાર્ડ સહિતના જવાનોને જુદા- જુદા વિસ્તારોમાં તેઓની ફરજ સોંપી દેવામાં આવી છે. આ માટે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સતત દેખરેખ હેઠળ ખાસ કરીને જિલ્લાના કોસ્ટલ વિસ્તારોમાં સધન પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ માટે જિલ્લાના જુદાજુદા ત્રણ ડી.વાય.એસ.પી.ને કોસ્ટલ વિભાગમાં ફરજ સોંપવામાં આવી છે. જેમાં મોટો દરિયાઈ વિસ્તાર ધરાવતા દ્વારકા પંથકમાં સમીર સારડા તથા હીરેન્દ્ર ચૌધરીને કલ્યાણપુર અને મીઠાપુર પંથકમાં ફરજ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે અન્ય વિસ્તારોની જવાબદારી સ્થાનિક સી.પી.આઈ. તથા પી.આઈ.ને સોંપવામાં આવી છે.

વિશાળ દરિયાકિનારો ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે બે એન.ડી.આર.એફ. તથા એક એસ.ડી.આર.એફ. ની ટીમ ફાળવવામાં આવી છે. બોટ સહિતના વિવિધ સાધનોથી સુસજ્જ એન.ડી.આર.એફ. કંપનીના જવાનોને દ્વારકા અને ઓખા મૂકવામાં આવ્યા છે. જ્યારે એસ.ડી.આર.એફ.ની એક કંપનીના જવાનોને ખંભાળિયા અને દ્વારકા એમ બે વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે.

વાવાઝોડાના કારણે સૌથી વધુ ખાનાખરાબી સર્જાવાની દહેશત છે, તેવા ખંભાળિયા અને દ્વારકા તાલુકાના દરિયા કાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા લોકોના શિફ્ટિંગ અંગેની કામગીરી કરવામાં આવી છે. જેમાં કાચા મકાનો ધરાવતા રહીશોને સલામત સ્થળે પહોંચાડવાની કાર્યવાહી રવિવારે બપોરથી હાથ ધરવામાં આવી છે. જે સંભવતઃ આજે સવાર સુધીમાં આશરે સાતેક હજાર જેટલા લોકોને સ્થળાંતર કરવાની આ કામગીરી સંપન્ન થઇ ગઈ હતી. આ માટે સ્થાનિકોને માઇક મારફતે એનાઉન્સમેન્ટ કરી, સાવચેત કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા વાવાઝોડાની કાર્યવાહી સામે સાથે હાલ કોરોના અંગે કન્ટેન્મેન્ટ ઝોન તથા હોસ્પિટલ સહિતની કામગીરી પણ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે.

ખંભાળિયા શહેરમાં વાવાઝોડા સંદર્ભે નગરપાલિકા તંત્ર એલર્ટ

વાવાઝોડાના પગલે ખંભાળિયા શહેરમાં પાણીના ભરાવા તથા નુકસાની સંદર્ભે નગરપાલિકા તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. જેમાં શહેરમાં હોર્ડિંગ દૂર કરાવવા, રસ્તાઓ, ગટરની સાફ સફાઈ, શહેરમાં શેલ્ટર હોમ તૈયાર કરવા વિગેરે કામગીરી પાલિકાના ચીફ ઓફિસર એ.એચ. સિન્હા તથા પ્રમુખ ભાવનાબેન પરમારની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી છે. જો કે શહેરના કેટલાક વિસ્તારમાં કચરાના ઢગલા ઉડીને કરો ઘરોમાં પહોંચી જતા નગરપાલિકાની નિષ્ક્રિયતાએ રોષની લાગણી પ્રસરી છે.

વીજ વિક્ષેપથી લોકો ત્રસ્ત

ગઈકાલે ફૂંકાયેલા ભારે પવનના કારણે શહેરમાં લાંબો સમય વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો. જે રાત્રિના સમયે ત્રુટક-ત્રુટક પૂર્વવત થયો હતો. જો કે કેટલાક પોસ વિસ્તારોમાં આખી રાત વીજ પુરવઠો બંધ રહેતા વહેલી સવારે શરૂ થયેલા આ વીજ પુરવઠાએ લોકોમાં કચવાટ સાથે તંત્રની કામગીરી સામે રોષની લાગણી પ્રસરી છે. આજે સવારે પણ લાંબો સમય શહેરમાં વીજ પુરવઠો બંધ રહ્યો હતો. જેથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

પવન તથા નુકશાની અંગે કંટ્રોલરૂમમાં કોઈ જ નોંધ નહીં...!!

ગઈકાલે રવિવારે રાત્રે ફૂંકાયેલા મીની વાવાઝોડા અંગે અહીંના જિલ્લા કન્ટ્રોલ રૂમમાં પૂછપરછ કરતાં પવનની ઝડપ તેમજ ઝાડ પડી જવા કે નાની મોટી નુકશાની થવા અંગેની કોઈ જ નોંધ ન હોવાની બાબતે અરે આશ્વર્ય જગાવ્યું છે. કોરોના મહામારી વચ્ચે કુદરતના આ વધુ એક પ્રકોપથી લોકોમાં ચિંતા સાથે ભયનું વાતાવરણ પ્રસરી ગયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)