આજે NEET અંડરગ્રેજ્યુએટ 2026 પરીક્ષામાં ભાગ લેવા માટે દેશભરમાં 23 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી છે, જેમાં ગુજરાતના 85,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. દેશભરમાં અંડરગ્રેજ્યુએટ મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. સુરતમાં પરીક્ષા દરમિયાન ધાર્મિક ઓળખ સમાન 'કંઠી' ઉતરાવવાના મામલે એક મોટો વિવાદ સામે આવ્યો છે. પરીક્ષા કેન્દ્ર પર કડક તપાસના નામે હિન્દુ વિદ્યાર્થીઓની કંઠી કઢાવવામાં આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ દરમિયાન એક આક્રોશિત પિતા અને પરીક્ષા તંત્ર વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
'હિન્દુસ્તાનમાં રહીને કંઠી કેમ ઉતારવી પડે?'
ઘટનાની વિગત મુજબ, સુરતના એક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા પહેલા ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જેમાં વિદ્યાર્થીનીઓની કંઠી પણ ઉતરાવી દેવામાં આવી હતી. પોતાની દીકરીની કંઠી કઢાવવામાં આવતા તેના પિતા લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે તંત્ર પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, "તમે હિન્દુ રાષ્ટ્રનો ઝંડો ફરકાવો છો, તો હિન્દુની દીકરી એક્ઝામ આપવા જાય ત્યારે કંઠી કેમ કાઢી નાખવી પડે? શું આમાં કોઈ ઈશ્યુ છે?"
વધુમાં તેમણે અન્ય ધર્મોના ઉદાહરણ આપતા રોષપૂર્વક જણાવ્યું કે, "તમે હિજાબ ઉતરાવી ન શકો, કોઈ વાંધો નહીં. હિજાબ રાખો, બુરખો રાખો કે ટોપી પહેરો, પરંતુ હિન્દુના દીકરા-દીકરી પરીક્ષા આપે તો કંઠી શું કામ કાઢી નાખે? હું કોઈ લાહોર, કરાચી કે રાવલપિંડીમાં નથી ઊભો, હું હિન્દુનો દીકરો છું અને હિન્દુસ્તાનના સુરતમાં ઊભો છું."
પિતાના આક્રોશ વચ્ચે દીકરીની હાલત કફોડી
પરીક્ષા કેન્દ્ર પર ચાલી રહેલા આ હોબાળા વચ્ચે પિતાએ પોતાની દીકરીને કંઠી ફરી પહેરાવવા માટે વર્ગખંડની બહાર બોલાવી હતી. જોકે, પરીક્ષાનો સમય શરૂ થઈ રહ્યો હોવાથી અને માનસિક દબાણને કારણે દીકરીએ કંઠી પહેરવાનો ઈન્કાર કર્યો હતો. પિતાના સતત દબાણ અને કેન્દ્ર પર સર્જાયેલા હંગામાને કારણે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ માસૂમ દીકરી ભાંગી પડી હતી અને રડવા લાગી હતી.
સ્થાનિકોનો મધ્યસ્થી કરવાનો પ્રયાસ
કેન્દ્ર પર હાજર અન્ય લોકોએ મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોએ પિતાને સમજાવતા કહ્યું હતું કે, આ વિવાદમાં તેમની દીકરીની કારકિર્દી અને પરીક્ષા બગડી શકે છે. જોકે, પિતાનો આક્રોશ સિસ્ટમ સામે હતો કે જે ધાર્મિક આસ્થાના પ્રતીકોને પરીક્ષામાં અવરોધ ગણે છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે પરીક્ષામાં ડ્રેસ કોડ અને ધાર્મિક પ્રતીકોના નિયમો અંગે નવી ચર્ચા છેડાઈ છે. એક તરફ પરીક્ષાની પારદર્શિતા માટે કડક નિયમો જરૂરી છે, તો બીજી તરફ વાલીઓનું માનવું છે કે શ્રદ્ધાના પ્રતીકોને આ રીતે અપમાનિત ન કરવા જોઈએ.