સિટી બસ-BRTSમાં ફ્રી મુસાફરી પાસ કઈ રીતે મેળવશો?

  • July 19, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત રાજકોટ રાજપથ લિ. દ્વારા શહેરી બસ સર્વિસ તથા બીઆરટીએસ બસ સર્વિસનુ સંચાલન કરીને રાજકોટના લાખો નાગરિકોને જાહેર પરિવહનની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલ છે જે અંતર્ગત સિનીયર સિટીઝન, દિવ્યાંગો થેલેસેમીયાગ્રસ્ત તથા જુવેનાઇલ ડાયાબીટીસગ્રસ્ત નાગરીકો માટે ફ્રી મુસાફરી યોજનાનો અમલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરના આદેશથી શરૂ કરાયો છે.
આ યોજનાનો લાભ મેળવવા ફ્રી મુસાફરી પાસ માટેના અરજીપત્રક રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિવિક સેન્ટર તેમજ વોર્ડ ઓફિસેથી મળી શકશે. જરૂરી આધાર પુરાવા સાથે સંપૂર્ણ વિગતો ભરેલું કેટેગરીવાઇઝ ફોર્મ, સવારે 10.30 થી બપોરે 3.30 (2 થી 2.30 રિસેષ) સુધીમાં (1)સિટી સિવિક સેન્ટર, સેન્ટ્રલ ઝોન; (2)સિટી સિવિક સેન્ટર, ઇસ્ટ ઝોન; (3)સિટી સિવિક સેન્ટર, વેસ્ટ ઝોન; (4)સિટી સિવિક સેન્ટર, અમીનમાર્ગ; (5)સિટી સિવિક સેન્ટર, કૃષ્ણનગર; (6)સિટી સિવિક સેન્ટર, દેવપરા શાક માર્કેટ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસે સ્વીકારવામાં આવશે.

થેલેસેમીયાગ્રસ્ત, જુવેનાઇલ ડાયાબીટીક, તેમજ દિવ્યાંગોની 21 કેટેગરીમાં સમાવિષ્ટ મુસાફરોએ બસમાં ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ(એક ફોટો ફોર્મમાં ચોંટાડવો અને એક ફોટો સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાન કાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ), એડ્રેસ પ્રૂફની નકલ (રેશન કાર્ડ/ગેસ કનેક્શન બીલ/ ઇલેકટ્રીસીટી બીલ) તેમજ દિવ્યાંગો માટે સિવિલ સર્જનનો દાખલો સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે.
60 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ ફ્રી મુસાફરીના પાસ મેળવવા માટે બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ (એક ફોર્મમાં ચોંટાડવો અને એક સાથે જોડવો), ફોટો આઈ.ડી. પ્રૂફની નકલ (પાનકાર્ડ/ઈલેકશન કાર્ડ/આધાર કાર્ડ/ડ્રાઇવિંગ લાઈસન્સ) એડ્રેસ પ્રૂફની નકલ(રેશન કાર્ડ/ ગેસ કનેક્શન બીલ/ઇલેકટ્રીક બીલ) સંપૂર્ણ ભરેલ અરજીપત્રક સાથે રજુ કરવાના રહેશે. આ યોજનાનો વધુને વધુ લાભ લેવા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનએ અપીલ કરી છે.

આ 21 કેટેગરીના દિવ્યાંગોને મફત મુસાફરી પાસ
રાજકોટ રાજપથ લિ. દ્વારા નિયત કરવામાં આવેલ દિવ્યાંગ વ્યક્તિઓની કેટેગરીમાં અંધત્વ, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, સાંભળવાની ક્ષતિ, ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિત, સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ, ઓછી દ્રષ્ટી, ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા, બૌધ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રકતપિત સાજા થયેલા, દીર્ધકાલીન અનેમિયા, એસીડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશકતતા, સેરેબલપાલ્સી , વામનતા, માનસિક બિમાર, બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશકતતા, ચેતાતંત્ર- ન્યુરોની વિકાસ લક્ષી સ્થિતિમાં ક્ષતિ, બહેરા અંધત્વ સહીત અનેક અપંગતા જેવી જુદી જુદી 21 કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવેલ છે.


મફત મુસાફરી પાસ યોજનાના મુખ્ય 11 નિયમો
1. પાસ કચેરીનાં કામનાં દિવસોમાં ઇસ્યુ કરવામાં આવશે.
2. પાસ ધરાવનારે મુસાફરી દરમ્યાન ઓરીજીનલ પાસ સાથે રાખવાનો રહેશે. પાસની ઝેરોક્ષ કે ડુપ્લીકેટ પાસ માન્ય રહેશે નહીં. અન્યથા નિયમાનુસારનો દંડ વસુલ કરવામાં આવશે.
3. કોઈપણ સંજોગોમાં પાસ ધરાવનાર વ્યક્તિ પોતાનો પાસ અન્ય કોઈ વ્યક્તિને મુસાફરી માટે આપી શકશે નહીં, કે તબદીલ કરી શકશે નહીં. કોઇ વ્યક્તિના પાસનો ઉપયોગ અન્ય કોઇપણ વ્યક્તિ કરી શકશે નહીં, આમ જણાયેથી સ્થળ પર જ પાસ જપ્ત કરી નિયમાનુસારનો દંડ વસુલવામાં આવશે.
4. પાસ ખોવાઈ જાય,ખરાબ થાય, ધોવાય જાય કે ફાટી જાય, તેવા કિસ્સામાં અરજદારે નવેસરથી અરજી પ્રક્રિયા કયર્િ બાદ જ અરજદારને નવો પાસ કાઢી આપવામાં આવશે.
5. મુસાફરી દરમ્યાન સંસ્થાના ફરજ પરનાં અધિકારીશ્રી કે ચેકીંગ સ્ટાફ દ્વારા પાસ ચકાસણી માટે માંગવામાં આવે ત્યારે પાસ બતાવવાનો રહેશે. મુસાફરી સમયે જો દિવ્યાંગ પાસ નહિ હોય તો મુસાફરીનુ પૂરે પૂરું ભાડું દંડ સાથે વસુલવામાં આવશે.
6. રાજકોટ શહેરમાં વસતા દિવ્યાંગો/સીનીયર સીટીઝનો ને જ ફ્રી બસપાસની સગવડ આપવામાં આવશે.
7. દિવ્યાંગ પાસ મેળવવા માટે માન્ય સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનો અંધજનને 100% તથા અપંગ અને બહેરા-મૂંગા દિવ્યાંગોને મીનીમમ 40%નુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
8. મુસાફરી દરમ્યાન અન્ય મુસાફરોને અડચણરૂપ થાય તેવું લગેજ લઈને બસમાં જઈ શકાશે નહીં. લગેજ સાથે હશે તો નિયમ મુજબ લગેજની ટીકીટ લેવાની રહેશે.
9. અનિવાર્ય કે આકસ્મિક સંજોગોને લીધે બસ કેન્સલ થશે અથવા સમયમાં ફેરફાર થયે તે પરત્વે રૂટમાં ફેરબદલ કરવાનો અધિકાર રાજકોટ રાજપથ લિ.નો રહેશે.
10.રાજકોટ રાજપથ લિ. દ્વારા પાસના નિયમમાં વખતોવખત કરવામાં આવતા ફેરફાર પાસ ધારકને બંધનકતર્િ રહેશે.
11. અરજીપત્રક રજુ કયર્નિા 30 દિવસ બાદ અરજદારે તેમનો પાસ ત્રિકોણ બાગ કંટ્રોલ રૂમ ખાતેથી ઓરિજનલ પહોંચ રજુ કરી (સમય સવારે 10 થી સાંજે 6 દરમ્યાન) મેળવી લેવાનો રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News