ગત અઠવાડિયામાં સોના અને ચાંદી બંનેના ભાવમાં આવેલા મોટા ઉછાળાના કારણે ચાલુ સપ્તાહમાં સોના અને ભાવ અંગે બજારમાં ઘણી ચર્ચા થઈ રહી છે. સામાન્ય લોકોથી લઈને મોટા રોકાણકારો સુધી, દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે સોનું ખરીદવું કે વેચવું. ભારતમાં સોના અને ચાંદીને હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે. જ્યારે પણ ફુગાવો વધે છે, શેરબજારમાં ઘટાડો થાય છે, અથવા વૈશ્વિક તણાવ વધે છે, ત્યારે લોકો સોના તરફ વળે છે. આ જ કારણ છે કે ગત અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. 24 કેરેટ સોનાના ભાવ રૂપિયા 2 લાખ પ્રતિ દસ ગ્રામ નજીક પહોંચી ગયા હતા. ચાંદીના ભાવ 4 લાખને પ્રતિ કિલોને પાર થયા હતા. તો આ સપ્તાહમાં ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે રાજકોટના બુલિયન માર્કેટ સાથે સંકળાયેલા અગ્રણીઓ તેમજ ટ્રેડર્સ સાથે 'આજકાલ' દ્વારા ચર્ચા કરવામાં આવતા તેમણે કંઈક આવી સલાહ આપી હતી કે પાંચથી દસ વર્ષના રોકાણ કરવા માંગતા લોકો માટે, સોનું અને ચાંદી બંને હંમેશા વિશ્વસનીય રોકાણ જ રહેશે.જો તમે ઝડપી નફો કમાવવાના ઇરાદાથી સોનું ખરીદવા માંગતા હો, તો આ અઠવાડિયે સાવધાનીપૂર્વક ચાલવું નહિતર નુકસાન થઈ શકે.
માસિક બચતના ધોરણે બંને ધાતુઓમાં નિયમિત રોકાણ કરવું : મયુર આડેશરા
ઇન્ડિયન જ્વેલર્સ એસોસિએશનના ગુજરાતના ઉપપ્રમુખ મયુરભાઈ આડેશરાના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદી બંને ધાતુમાં રોકાણ હંમેશા સલામત હતું અને સલામત જ રહેશે. ગ્રાહકોને કે રોકાણકારોને સોના અને ચાંદી એ ક્યારેય પણ નિરાશ કર્યા નથી. શેર બજાર કે જમીન-મકાનના ધંધા જ્યારે કોરોના મહામારી વખતે પડી ભાંગ્યા હતા ત્યારે પણ સોના અને ચાંદી એ રીટર્ન આપ્યું હતું. વર્તમાન વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે જ્યારે ભાવ ઘટે ત્યારે લોકોએ માસિક બચતના ધોરણે થોડું થોડું રોકાણ કરતા રહેવું જોઈએ. કારણ કે સોના અને ચાંદીને સંકટ સમયની સાંકળ માનવામાં આવે છે. આ માટે સોનાને ક્યાંથી લાગે કાટ કહેવત હંમેશા સોનાએ સાર્થક કરી બતાવી છે.
જાગૃતિ સાથે લાંબા ગાળાનું રોકાણ કરવું : અમીષ ચંદારાણા
મારવાડી ચંદારાણા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અમીષભાઈ ચંદારાણાના જણાવ્યા પ્રમાણે સોના અને ચાંદીના ભાવમાં વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ભારે ઉતાર ચઢાવ થઈ રહ્યા છે. હજુ પણ બંને ધાતુઓ વધુ મજબૂત બનશે. સેન્ટ્રલ બેન્ક વ્યાજ દર ઘટાડવાના મૂડમાં હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે હજુ પણ યુદ્ધની સ્થિતિ વચ્ચે આ બંને ધાતુઓના ભાવ હજુ વધશે. જેથી બંનેમાં રોકાણ કરવું સલામત છે. પરંતુ સોનામાં રોકાણ કરવામાં ચાંદી કરતા વધારે સલામતી છે. ચાંદી ચાંદીની માગ વિવિધ ઉદ્યોગોમાં વધારે થતા હજુ તેના ભાવમાં અનિશ્ચિતતા જોવા મળી શકે છે. રોકાણકારોએ એમસીએક્સ ડીલેવરી- ડિમેટમાં સોના ચાંદી મારો કણ કરવું જોઈએ. વર્તમાનમાં ટાટા અને નીપજ જેવા ઓપ્શન પણ ઈટીએફમાં અવેલેબલ છે ત્યારે જાગૃતિ સાથે થોડું થોડું રોકાણ કરતા રહેવું જોઈએ.
એસઆઈપીના ધોરણે ત્રણ-પાંચ વર્ષ રોકાણ કરે તો લાભ : રચિત પાબારી
સૂર્યજ્યોતિ સિક્યુરિટીસના માલિક રચિતભાઈ પાબારીના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક ઉતર ચઢાવના વચ્ચે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે ભાવના કારણે સલામતી પર જોખમ ઉભો રહેતું હોય છે ત્યારે ભાવ સ્થિર થાય પછી રોકાણ કરવું જોઈએ. અને થોડા થોડા સોના અને ચાંદી વેસ્ટ રહેવું જોઈએ. કારણકે હજુ પણ યુદ્ધની સ્થિતિ બની રહી છે ત્યારે હજુ પણ સોના અને ચાંદીના ભાવ ઉપર નીચે થઈ શકે. જેથી જોખમ ટાળવા માટે મોટું રોકાણ ન કરવું જોઈએ.સોના ચાંદી માં થોડુ પ્રોફિટ બુકિંગ કરી ઇક્વિટી માર્કેટ એન્ડ રિયલ એસ્ટેટ માં પણ રોકાણ કરવું જોઈએ. સોના અને ચાંદીમાં થોડા સમયમાં જ 100 ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળેલ છે. જેથી એસઆઈપી મોડમા અને 3 થી 5 વર્ષના સમયગાળા માટે વિચારીને રોકાણ કરવું જોઈએ.
સોનામાં રીટર્ન ચાંદી કરતા ઓછું, પરંતુ સલામતી વધારે રહે : પંકજ લોઢીયા
શ્રીજી જ્વેલર્સના સંચાલક અને બુલીયન માર્કેટ સાથે સંકળાયેલા પંકજભાઈ લોઢીયાના જણાવ્યા પ્રમાણે સાથેવર્તમાન જીઓ પોલિટિકલ ક્રાઈસીસના કારણે સોનાના અને ચાંદી બંનેના ભાવ હજુ વધારો જ જોવા મળશે. જેથી લોકોએ રોકાણની દ્રષ્ટિએ નાનું-નાનું અને સામાન્ય રોકાણ કરતા રહેવું જોઈએ. એક સાથે રોકાણ નહીં કરતા કટકે કટકે રોકાણ કરતા રહેવું જોઈએ. ચાંદી હજુ પણ તોફાની જોવા મળી રહી છે. પરંતુ રિટર્નની દ્રષ્ટિએ સોના કરતાં પણ સારું વળતર આપ્યું છે. જ્યારે સોનામાં રીટન ઓછું છે પરંતુ સલામતી વધારે છે. માટે સોનામાં રોકાણ કરવું વધુ સલામત છે. ભાવમાં ઉછાળો વધારો આવ્યો હતો ત્યારે પણ રોકાણકારોને મોટો ફાયદો થયો હતો. નાના રોકાણકારોએ પણ થોડો થોડો લાભ લેતા રહેવું જોઈએ.