આ લોહી ક્યાં સુધી રેડાશે..?: હાલારમાં કૂતરાઓના આતંકનો અંત ક્યારે?

  • December 14, 2023 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તસવીરમાં જોઈ શકાય છે કે, માત્ર ચાર વર્ષના બાળકને મોઢા-આંખના ભાગે કૂતરાએ કેટલી હદે હિંસક હુમલો કરીને ફાડી ખાધો છે?! કલ્યાણપુરના વીરપર ગામમાં દુ:ખદ ઘટના બની છે. જો કે, જામનગર શહેર સહિત હાલારભરમાં હવે ડૉગ બાઈટના કિસ્સા જાણે રોજ-બરોજના બની ગયાં છે, શહેરની શેરીઓમાં કૂતરાઓનો એવો આતંક છે કે નાના બાળકો ઘરની બહાર નીકળી શકતાં નથી, અવાર-નવાર કૂતરા પાછળ દોડવાના કારણે અકસ્માત સર્જાતા રહે છે,  અનેક ફરિયાદો કર્યા બાદ મહાનગર પાલિકા તરફથી શહેરમાં ખસ્સીકરણ શરુ કરાયું છે, પરંતુ હાલમાં કૂતરાઓની જે અમર્યાદિત સંખ્યા છે તેનું શું? સત્તાધિશો પાસે કોઈ જવાબ નથી!! આવી જ સ્થિતિ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોની છે... નાના-નાના ગામડાઓમાં કે જ્યાં માનવ વસતિ શહેર કરતાં પ્રમાણમાં ઓછી હોય છે, એવા વિસ્તારો તો વધુ ભયજનક બની રહ્યાં છે. કારણ કે, ત્યાં એક અથવા તેથી વધુ કૂતરા ઍટેકે કરે તો બચાવવાવાળા પણ હોતાં નથી, કદાચ ભોગ બનેલા આ બાળક સાથે પણ આવું થયું હોઈ શકે. સવાલ એ ઉઠે છે કે, શહેર અને ગામડાંની પ્રજા કૂતરાઓના ત્રાસથી તોબા પોકારી રહી છે, અખબારોમાં રોજ ઉઠીને ડૉગ બાઈટના કિસ્સા નોંધાઈ રહ્યાં છે અથવા કૂતરા પાછળ દોડવાના કારણે અકસ્માતોમાં માનવ જિંદગીનો ભોગ લેવાઈ રહ્યો છે, પરંતુ જેના પર પ્રજાની જાનમાલની સુરક્ષાની સૌથી મોટી જવાબદારી છે એવા સત્તાધિશો આ સમસ્યા સંબંધે વધુ ગંભીર હોય એવું દેખાતું નથી, કારણ કે કૂતરાઓના ઍકશનનું કોઈ રિઍકશન આ તંત્ર પાસે નથી કે પ્રજાના પ્રતિનિધિઓ પણ મૂંગા મોઢે તમાશો જોઈ રહ્યાં છે. આ ભારે કમનસીબી છે!!
જ્યારે પણ આ ત્રાસ અંગે અખબારોમાં દેકારો થયાં બાદ તંત્ર પગલાં લેવા મજબૂર થાય છે ત્યારે ખસ્સીકરણ પાછળ લાખો રુપિયા ખર્ચવાનો દાવો કરાય છે, પરંતુ આ કાર્યવાહીની સામે કૂતરાઓની અમર્યાદિત સંખ્યા જોતાં શું ખસ્સીકરણ માત્ર કાગળ પર જ થાય છે કે કેમ? એ પણ મોટો સવાલ ઉઠે છે!
ખસ્સીકરણથી કૂતરાઓની સંખ્યામાં ઘટાડો થશે... એ એક રીતે ભાવિ આયોજન કહી શકાય, ત્યારે સવાલ ઉઠે છે કે વર્તમાનનું શું? કારણ કે, અત્યારે જામનગર શહેરની એક-એક ગલી-વિસ્તારમાં કૂતરાઓના ઝૂંડના ઝૂંડ જોવા મળે છે અને રાત્રિના સમયે વાહન ચાલકોને નીકળવું મોટો પડકાર બની રહે છે.
અગાઉ ‘આજકાલ’ દ્વારા એવી ટકોર કરાઈ હતી કે, સુરત મહાનગર પાલિકા દ્વારા લોકોના હિતમાં હિંમતભેર પગલાં લેવાની શરુઆત કરવામાં આવી અને શહેરમાંથી કૂતરાઓને પકડીને જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી શરુ થઈ. આ એક ખૂબ સારી બાબત છે, લોકહિત માટે છે તો પછી જામનગર મહાનગર પાલિકા તેનું અનુકરણ શું કામ કરતી નથી?!
કોઈપણ જવાબદારને ફોન કરીએ એટલે સર્વોચ્ચ અદાલતના ચૂકાદાને લઈને પીપુડી વગાડે છે ત્યારે આવા સત્તાધિશોને એવું સ્હેજે પૂછવાનું મન થાય છે કે, આ કૂતરા સિવાયની અનેક બાબતોમાં પણ સુપ્રિમ કોર્ટે ચૂકાદા આપ્યા છે તો શું તેનો અમલ થાય છે? દા.ત. રાત્રિના ૧૦ વાગ્યા પછી મોટા અવાજે સ્પિકર ન વગાડવા, ફટાકડા ન ફોડવા... આ તમામ બાબતોને લઈને પણ સુપ્રિમ કોર્ટે ચૂકાદા આપ્યા જ છે ને?! તો શું તેનો અમલ થાય છે?
દિવાળીની રાત્રે લગભગ આખી રાત ફટાકડા ફૂટે છે અને લગ્નગાળો હોય ત્યારે પણ અસંખ્ય વખત રાત્રિના ૧૦ વાગ્યા બાદ આતશબાજીઓ થતી રહે છે, તો એ જ રીતે રાત્રિના ૧૦ વાગ્યા પછી સંગીતના કાર્યક્રમો પણ અપાતાં રહે છે. તો શું આ સર્વોચ્ચ અદાલતના ચૂકાદાની અવગણના નથી? આ બાબતે સત્તાધિશો કેમ કંઈ બોલતાંં નથી?!, અરે... ફટાકડા ફોડવા કે સમય મર્યાદા પછી મોટા અવાજે સ્પિકર વગાડવાથી કોઈનો જીવ જતો નથી, જ્યારે કૂતરાઓનો ત્રાસ તો હવે લોકો માટે જીવલેણ બની રહ્યો છે, આમ છતાં પ્રજાના પ્રતિનિધિઓ અને સત્તાધારીઓનું મૌન એ લોકો પ્રત્યેનો એમનો દ્રોહ ખૂલ્લો પાડે છે.
લૂલો બચાવ કરવાનું બંધ કરો... અને તમારા તાકાત હોય તો સર્વોચ્ચ અદાલતના તમામે તમામ ચૂકાદાઓનું પાલન કરાવો, ખાસ કરીને લોકોની જાનમાલને નુકસાન પહોંચાડતી કોઈપણ બાબત જ્યારે સામે આવે ત્યારે તેની સામે પરિણામલક્ષી કામગીરી થવી જોઈએ.
હવે જામનગર શહેર-જિલ્લામાં કૂતરા પ્રજા માટે નાસૂર બની ગયાં છે, પ્રજાના પ્રતિનિધિઓ આ મુદ્દે મોઢું ખોલે અને કમસેકમ શહેરી વિસ્તારમાંથી કૂતરાઓને પકડીને જંગલ વિસ્તારમાં છોડવાની કામગીરી ખૂબ ઝડપથી કરાવે તે જરુરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application