જામનગરમાં રહીરહીને ઠંડીએ ભારે જમાવટ કરી છે, છેલ્લા અઠવાડીયાથી જામનગરનું તાપમાન ૮.૫ થી ૧૨ ડીગ્રી વચ્ચે રહ્યા કરે છે, દેખો ત્યાં ઠાર જેવી હાલત છે, ઠંડીને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે, હજુ આવનારા દિવસોમાં પણ વધુ ઠંડી પડશે તેવી હવામાન ખાતાની આગાહી છે, બુધવારે તો તિવ્ર ઠંડી પડી હતી અને મોસમનું સૌથી નીચુ તાપમાન ૮.૫ ડીગ્રી રહ્યું હતું, પક્ષીઓને પણ ટાઢની અસર થઇ હતી, આજે સવારે પણ ઠંડા પવન વચ્ચે તાપમાન ૧૦ ડીગ્રીએ પહોંચતા લોકો હજુ પણ ગરમ કપડામાં વિંટળાયા છે.
જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી જયારે મહત્તમ તાપમાન ૨૫.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૧૫ થી ૨૦ કિ.મીની ઝડપ રહી હતી, સવારે અને રાત્રિના દરમિયાન ઠંડી તેમજ બપોરે આકરા તાપને લઈને મિશ્ર વાતાવરણ જોવા મળી રહયું હતું. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી, વાહન વ્યવહારને પણ ભારે અસર પડી છે, જનજીવન જાણે કે ઠપ્પ થઇ ગયું હોય તેવું વાતાવરણ જોવા મળ્યું છે, કાતીલ ઠંડીને કારણે જામનગર સહિત ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શરૂ થયા છે.
આજે સવારે ૨૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો, જેને કારણે જનજીવન પર ભારે અસર થઇ હતી, બસ અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી હતી, ગામડામાં ટાઢોડાને કારણે જનજીવન પર ભારે અસર થઇ છે, રોગચાળો પણ ધીરે-ધીરે વધતો જાય છે, આગામી દિવસોમાં પણ ઠંડી હાલારમાં અડીંગો જમાવશે.
જામનગર સહિત સમગ્ર હાલારમાં છેલ્લા અઠવાડીયાથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, ચારેકોર ટાઢ હી ટાઢ જોવા મળે છે, બપોરના ભાગમાં પણ ઠંડી જોવા મળે છે ત્યારે જનજીવન પર ભારે અસર થઇ છે, બહારગામથી જામનગર હટાણુ કરવા આવતા લોકોની સંખ્યા પણ ઘટી ગઇ છે, વ્હેલી સવારના એસ.ટી. અને ખાનગી વાહનોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટી છે. રાજસ્થાન તેમજ જમ્મુ-કાશ્મીર, હીમાચલ પ્રદેશમાં બરફની વર્ષા થઇ રહી છે તેની અસર ગુજરાત ઉપર જોવા મળી છે.
ઠંડીને કારણે ફરીથી ગરમ કપડાની બજારમાં ગરમી આવી હતી અને સ્વેટર, મફલર, શાલ અને જેકેટનું વધુ વેંચાણ થયું હતું, જો કે આ વખતે લગભગ એકાદ મહીનો ઠંડી મોડી શરૂ થઇ છે એટલે કદાચ જાન્યુઆરી આખો મહીનો ઠંડીનું પ્રમાણ વધી જશે તે હકીકત છે. જો કે ગામડાઓમાં ખાસ કરીને રાત્રે વ્હેલી બજારો બંધ થઇ જાય છે, ખેતરોમાં કામ કરતા ખેડુતોને પણ ઠંડીને કારણે ભારે મુશ્કેલી પડી રહી છે.