BREAKING NEWS

હોર્મુઝ સંકટ: UAE ના ઓઈલ ચીફનું મોટું નિવેદન; 'બિનશરતી રસ્તો ખોલો, શરતો સાથેની આઝાદી મંજૂર નથી', 230 થી વધુ તેલના જહાજો ફસાયા

  • April 09, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ગણાતા હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાનનો અંકુશ હજુ પણ યથાવત છે. આ દરમિયાન UAE ની સરકારી તેલ કંપની 'અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની' (ADNOC) ના વડા સુલતાન અલ હૈદરે વૈશ્વિક તેલ પુરવઠા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માંગ કરી છે કે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગને કોઈપણ રોક-ટોક વગર તાત્કાલિક ખોલવો જોઈએ.


શરતો સાથેનો રસ્તો સ્વીકાર્ય નથી
સુલતાન અલ જાબેરના જણાવ્યા અનુસાર જો જહાજોને શરતો સાથે પસાર થવા દેવામાં આવે તો તેને વાસ્તવિક આઝાદી કહી શકાય નહીં. ઈરાનનું કહેવું છે કે જહાજો તેની દેખરેખ હેઠળ જ પસાર થઈ શકે છે. ઈરાને સંભવિત દરિયાઈ જોખમોથી બચવા માટે બે 'સેફ રૂટ' (સુરક્ષિત રસ્તા) નક્કી કર્યા છે, પરંતુ વૈશ્વિક સ્તરે આ વ્યવસ્થાનો વિરોધ થઈ રહ્યો છે. ADNOC ના વડાએ તેને ઉર્જા સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો છે.


230 થી વધુ જહાજો અટવાયા

પરિસ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે હાલમાં અંદાજે 230 થી વધુ તેલ ભરેલા જહાજો હોર્મુઝ પાસે લાંગરેલા છે અને આગળ વધવાની રાહ જોઈ રહ્યા છે. આ જહાજો અટવાઈ જવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની ભારે અછત સર્જાઈ શકે છે, જેના કારણે આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તોતિંગ વધારો થવાની શક્યતા છે.


ઉત્પાદન અને સુરક્ષા પર અસર
ADNOC એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા તૈયાર છે, પરંતુ કર્મચારીઓ અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સર્વોપરી છે. યુદ્ધને કારણે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનથી પણ ઉત્પાદન પર માઠી અસર પડી છે. કંપનીએ જણાવ્યું છે કે હાલની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થયા પછી જ તેલ ઉત્પાદન વધારવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવશે.


​​​​​​​ફેબ્રુઆરીના અંતમાં શરૂ થયેલા આ પ્રાદેશિક સંઘર્ષે વિશ્વના તેલ પુરવઠાને લગભગ ઠપ્પ કરી દીધો છે. જ્યાં સુધી હોર્મુઝનો આ માર્ગ બિનશરતી રીતે ખોલવામાં નહીં આવે, ત્યાં સુધી વૈશ્વિક અર્થતંત્ર પર મોંઘા તેલની તલવાર લટકતી રહેશે. ભારત જેવા દેશો, જે પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ માર્ગેથી મંગાવે છે, તેમના માટે આ સ્થિતિ વધુ ચિંતાજનક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application