આ વર્ષે મકાઈનાં લોટનાં ઓર્ગેનિક રંગોથી ખીલશે ધૂળેટી

  • March 21, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોળી-ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે.ત્યારે જૂનાગઢની બજારમાં વિવિધ વેરાઇટીની પિચકારીઓ આવી ગઈ છે. બાળકોને આકર્ષતી ખાસ કાર્ટૂન કેરેક્ટરના ફોટોવાળી પિચકારીઓ જોવા મળશે.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પિચકારીના ભાવમાં ૧૦ ટકા વધારો થયો છે.શહેરમાં હોળી પર્વ નિમિત્તે સાદા કલરના બદલે આયુર્વેદિક હર્બલ અને ખાઈ શકાય તેવા મકાઈના લોટથી બનેલ ઓર્ગેનિક કલરની માંગ વધી છે.ઠાકોરજીને ધરવાની મેટલ પિચકારી અને ડોલ ની ખરીદી કરવામાં આવી રહી છે.
રંગોના પર્વ હોળી-ધૂળેટીની દેશભરમાં હર્ષોલ્લ ાસ સાથે ઉજવણી કરવામાં આવે છે.ધૂળેટીમાં લોકો એકબીજા પર રંગ ઉડાવીને ઉજવણી કરતાં હોય છે.પહેલાના સમયમાં કેસૂડાંના રંગથી ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવતો હતો.બાદમાં પાકા કલરનો પણ કેટલાક યુવાનો ઉપયોગ કરતાં હતા.જોકે હવે પાકા કલરનો ક્રેઝ ઘટ્યો છે.અને યુવાનો હર્બલ કલરનો ઉપયોગ કરતાં થયા છે.રંગોના ભાવમાં કોઈ ખાસ્સો વધારો થયો નથી.
​​​​​​​
 પાકા કલરથી ચામડીના રોગ થવાની શક્યતા થી  હવે ધીરે ધીરે લોકો ઇકો ફ્રેન્ડલી હોળી અને તિલક હોળી તરફ વળી રહ્યા છે.હવે લોકોમાં હર્બલ કલરનો ક્રેઝ વધ્યો છે.આ કલર આંખમાં જવાથી બળતરા થતી નથી, જ્યારે ત્વચાને પણ નુકસાન પહોંચાડતા ન હોવાનું  વેપારીઓનું કહેવું છે.સિન્થેટિક, હર્બલ, તપકીરના પાવડરમાંથી બનતા કલરની બજારમાં ખૂબ માંગ રહે છે.સાદા કલરના ૧૫ થી લઈ રૂ.૧૫૦ના કિલો,અને હર્બલ કલરના રૂ.૧૦ થી લઈ રૂ.૫૦ સુધીના ભાવે વેચાણ થઈ રહ્યું છે.હવે સમય બદલાય છે તેમ હોળીના કલરમાં પણ પેટર્ન બદલાય છે જેથી મકાઈના લોટથી  બનેલા ઓર્ગેનિક કલર કે જેને ખાઈ પણ શકાય છે તેવા કલરની પણ ખરીદી કરવામાં આવી રહી છે સામાન્ય રીતે મોમા કલર જવાથી એલર્જી્ કે ઇન્ફેક્શન થવાની પણ શક્યતા છે પરંતુ મકાઈના પાવડર માંથી તૈયાર કરેલા ઓર્ગેનિક કલર ખાઈ જવાથી પણ કોઈ નુકસાની થતી નથી જેથી રૂ.૨૦૦ના કિલો ભાવે વેચાણ થતા ઓર્ગેનિક કલરની ખરીદીની પણ આ વખતે બોલબાલા છે. ગુલાલ તો ઓલ ટાઈમ ફેવરિટ હોય જેથી કલરની અવેજીમાં ગુલાલની પણ પસંદગી થઈ રહી છે.હાલના દિવસોમાં તો મુખ્યત્વે પિચકારીની જ ખરીદી કરવામાં આવેલી છે પરંતુ અંતિમ બે દિવસમાં કલરની ખરીદી વેગ પકડશે. જોકે હવે અમુક વિસ્તારોમાં તિલક હોલી રમી માત્ર શુકન જ સાચવવામાં આવે છે જેથી કલરની માંગમાં ૨૦ ટકાનો ઘટાડો થયો છે.આ વર્ષે જૂનાગઢમાં હોળીના તહેવારો દરમિયાન અંદાજિત ૨૫ ટન કલરનું વેચાણ થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.
​​​​​​​
બાળકોને પ્રિય એવી પિચકારીમાં અવનવી વેરાયટીઓ આવી છે. જૂનાગઢમાં પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ સીઝન સ્ટોર ધરાવતા પિચકારી કલરના વેપારી જીગ્નેશભાઈ અને નયનભાઈ ભાયાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે બાળકો માટે પંપ કે જે વર્ષોથી વેચાય છે તે ઉપરાંત મશીનગન, પ્રેશરગન, ટેન્ક પિચકારીની વધુ માંગ છે બાળકોને પ્રિય એવા કાર્ટૂન કેરેક્ટર વાળી પિચકારીમાં પબ્જી, ડાયનોસોર, ફિશ, એલીફન્ટ, ક્રોકોડાઈલ, બાર્બી ડોલ, સ્પાઇડર મેન પિચકારીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે.જ્યારે બાળકો સ્કૂલબેગની જેમ લટકાવી શકે તેવી અવનવી ડિઝાઇનવાળી પિચકારી સહિતની ૫૦થી વધુ વેરાયટી જોવા મળે છે.રૂ.૭૦ થી લઈ રૂ.૪૫૦ સુધીની પિચકારીઓ બજારમાં મળી રહે છે.લોકો ફુગ્ગાઓમાં પણ  પાણી ભરી એકબીજાને ઉડાડવાનો આનંદ લેતા હોય છે ત્યારે પિચકારી ઉપરાંત અવનવી વેરાયટી અને સાઈઝમાં ફુગ્ગાઓની પણ પુષ્કળ ખરીદી કરવામાં આવી રહી છે.ફુલાવવાને બદલે ઓટોમેટીક પાણી ભરાઈ જાય તેવા નોઝલ ફુગ્ગા, નોઝલ સ્પ્રે સહિતની ચીજોની પુષ્કળ ખરીદી કરવામાં આવી રહી છે.
ગુલાલ ઉડે તેવા નોઝલ સ્પ્રે, પરપોટા સાથે ફુગ્ગો નીકળે તેવી બબલગન, હેપી હોલી લખેલા ટીશર્ટ, ટોપી ,આંખોમાં કલર ન ઉડે તે માટે રંગબેરંગી ચશ્મા, ની પણ ખરીદી કરવામાં આવી રહી છે.ઠાકોરજીને પણ હોળીના રંગે રંગવા મેટલથી બનાવેલી પિચકારી ,ડોલ, હાંડી સહિતની કોમ્બો ચીજોનું પણ વેચાણ થઈ રહ્યું છે.


ગુલાબી, વાદળી, જાંબલી, કેસરી રંગની વધુ માગ

હોળીમાં તમામ  રંગના કલરો વાપરવાને બદલે મુખ્યત્વે ગુલાબી, વાદળી, જાંબલી ,કેસરી,રંગના કલરની વધુ માંગ છે.


કેસુડાના ફૂલના રંગનું ચલણ વિસરાયું

હોળીના પર્વમાં પણ કેસુડાનો ખુબ મહત્વ રહેલો છે. પહેલાંના સમયમાં લોકો માત્ર કેસુડાના ફૂલોને સુકાવી તેમાંથી પ્રાકૃતિક રંગો બનાવીને જ હોળી રમતા હતા. પણ સમય સાથે હોળી માટે કેસુડાના ફૂલોનું વપરાશ ઓછું થતું ગયું.આજની પેઢીને કેસુડાના મહત્વ વિશે તો જાણકારી નથી જ પણ સાથે જ કેસુડાના ઝાડ પણ ભાગ્યે જ જોવા મળે છે.જંગલોને કાપી સતત વિકસતા શહેરો વચ્ચે કેસુડાના ઝાડ રૂંધાઇ ગયા છે અને માત્ર ગામડાઓમાં અથવા જંગલોમાં કેસુડા દેખાઈ આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application