અમદાવાદના રસ્તાઓ પર અકસ્માતોની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બની રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ મુજબ 2025 દરમિયાન હિટ-એન્ડ-રનના કેસોમાં ભારે વધારો નોંધાયો છે, જે માર્ગ સલામતી માટે મોટો પડકાર બની રહ્યો છે. ડ્રાઇવરોની બેદરકારી, ઝડપી ડ્રાઇવિંગ અને અમલવારીની ખામીઓના કારણે અકસ્માતની સમસ્યા વધી રહી છે. હિટ-એન્ડ-રનના કેસોમાં 49 ટકાનો વધારો નોંધાયો છે.
આંકડાઓ મુજબ 2025માં કુલ 432 ઘાતક અકસ્માત નોંધાયા છે, જેમાં 441 લોકોનાં મોત થયા છે. 2024માં આ સંખ્યા 401 હતી. ખાસ કરીને હિટ-એન્ડ-રનના કેસોમાં 49 ટકાનો વધારો નોંધાયો છે. 2024માં 59 ઘાતક હિટ-એન્ડ-રન કેસ હતા, જ્યારે 2025માં આ આંકડો વધીને 85 થયો છે. હિટ-એન્ડ-રનના કારણે ગંભીર ઇજાઓના કેસોમાં પણ 27 ટકાનો વધારો નોંધાયો છે. 2025માં 75 લોકોને ગંભીર ઇજા પહોંચી છે, જ્યારે 2024માં આ સંખ્યા 59 હતી.
શહેરમાં કુલ મળીને 2025માં 1,427 અકસ્માત નોંધાયા છે, જેમાં ઘાતક, ગંભીર અને સામાન્ય ઇજાના કેસો સામેલ છે. ગંભીર ઇજાઓના કેસોમાં 15 ટકાનો વધારો થયો છે અને ગંભીર રીતે ઇજાગ્રસ્તોની સંખ્યા 790થી વધીને 944 થઈ છે.
હિટ-એન્ડ-રનના સૌથી વધુ કેસ આઇ-ડિવિઝન વિસ્તારમાં નોંધાયા છે, જેમાં અમરાઈવાડી, નિકોલ, ઓઢવ, રામોલ અને ખોખરા વિસ્તાર સામેલ છે. આ ડિવિઝનમાં કુલ 31 કેસ નોંધાયા, જેમાં 16 લોકોનાં મોત થયા છે. ત્યારબાદ કે-ડિવિઝન (દાનિલીમડા, કાગડાપીઠ અને નરોડા)માં 25 કેસ નોંધાયા છે. એ-ડિવિઝન, એમ-ડિવિઝન અને ઈ-ડિવિઝન પણ યાદીમાં સામેલ છે.
2025માં ડિસેમ્બર મહિનો સૌથી ઘાતક સાબિત થયો છે. આ મહિને 147 અકસ્માત નોંધાયા, જેમાં 46 લોકોનાં મોત થયા. સપ્ટેમ્બર મહિનામાં 136 અકસ્માતોમાં 33 મોત થયા હતા, જ્યારે એપ્રિલ મહિનો સૌથી ઓછા અકસ્માતો ધરાવતો રહ્યો.
એસજી હાઈવે પર થલતેજથી વૈષ્ણોદેવી સુધીનો માર્ગ સૌથી જોખમી સાબિત થયો છે. અહીં 2025માં 95 અકસ્માત નોંધાયા અને 42 લોકોનાં મોત થયા. અધિકારીઓ મુજબ ફ્લાયઓવર અને સતત ખુલ્લા માર્ગના કારણે વાહનોની ઝડપ વધી જાય છે, જે અકસ્માતોને આમંત્રણ આપે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ યુવાન અને અપ્રશિક્ષિત ડ્રાઇવરો, વધતી વાહન સંખ્યા, ભીડનો ડર અને કાયદાકીય કાર્યવાહીથી બચવાની માનસિકતા હિટ-એન્ડ-રનના મુખ્ય કારણો છે. ટ્રાફિક પોલીસ મુજબ હિટ-એન્ડ-રનના માત્ર આશરે 5 ટકા કેસોમાં જ આરોપીઓ ઝડપાય છે, જે કડક અમલવારી અને જાગૃતિની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે.
વર્ષ 2025 દરમિયાન અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ નાગરિકોએ કુલ રૂ. 262 કરોડથી વધુનો દંડ ચૂકવ્યો હોવાનું તાજા આંકડાઓમાં બહાર આવ્યું છે. ટ્રાફિક વિભાગના અધિકારીક આંકડાઓ મુજબ, અંદાજે 40.2 લાખ જેટલા ટ્રાફિક ગુનાઓ નોંધાયા, જે 2024ની સરખામણીએ લગભગ 90 ટકાનો વધારો દર્શાવે છે. આ આંકડાઓ શહેરમાં વધતી વાહન સંખ્યા અને ટ્રાફિક શિસ્તમાં ઘટાડા તરફ ઈશારો કરે છે.
અમદાવાદીઓએ ટ્રાફિક દંડ પેટે રૂપિયા 262 કરોડ ચૂકવ્યા
૨૦૨૫ માં કુલ ૪૦.૨ લાખ અમદાવાદીઓએ ટ્રાફિક ગુનાઓ માટે ૨૬૨.૬ કરોડ રૂપિયાનો દંડ ભર્યો. ટ્રાફિક દંડમાંથી સૌથી વધુ આવક હેલ્મેટ વગર વાહન ચલાવવાના ગુનાથી થઈ છે. વર્ષ 2025માં હેલ્મેટ વગર વાહન ચલાવવાના 26.89 લાખ કેસ નોંધાયા અને તેમાંથી રૂ. 134.4 કરોડનો દંડ વસૂલાયો. રૉંગ સાઈડ ડ્રાઈવિંગના 1.77 લાખ કેસમાં રૂ. 36.3 કરોડ અને રૉંગ સાઈડ પાર્કિંગના 5.36 લાખ કેસમાં રૂ. 34.7 કરોડનો દંડ વસૂલાયો. સ્પીડિંગના કેસોમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો, જેમાં રૂ. 18.3 કરોડનો દંડ ભરાયો. અન્ય ગુનાઓમાં ફેન્સી નંબર પ્લેટ, મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ડ્રાઈવિંગ કરવી, સીટબેલ્ટ ન પહેરવી અને ટ્રિપલ રાઈડિંગનો સમાવેશ થાય છે. ફેન્સી નંબર પ્લેટના કેસોમાં 157 ટકાનો વધારો નોંધાયો છે. મોબાઈલ ફોન વાપરતા ડ્રાઈવરો પાસેથી રૂ. 1.08 કરોડનો દંડ વસૂલાયો, જ્યારે ટ્રિપલ રાઈડિંગના 30,675 કેસમાં રૂ. 3.67 કરોડનો દંડ લેવામાં આવ્યો.