જાહેર ખરીદી માટેના સરકારી ડિજિટલ પ્લેટફોર્મ 'ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ' (GeM) એ નાણાકીય વર્ષ 2025-26માં ₹5.03 લાખ કરોડનું ગ્રોસ મર્ચેન્ડાઇઝ વેલ્યુ (GMV) હાંસલ કર્યું છે. જોકે આ આંકડો ગયા વર્ષના ₹5.43 લાખ કરોડ કરતા 7.4% ઓછો છે, પરંતુ 5 લાખ કરોડની મર્યાદા પાર કરવી એ ભારતીય અર્થતંત્ર અને પારદર્શિતા માટે મોટી સિદ્ધિ ગણાય છે.
ખરીદીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ
GeM ના CEO મિહિર કુમારના જણાવ્યા અનુસાર, આ વર્ષે કુલ ટ્રાન્ઝેક્શનમાં થયેલા નજીવા ઘટાડા પાછળ કોલસા મંત્રાલયનું ઓછું યોગદાન જવાબદાર છે. કોલસા મંત્રાલયનો હિસ્સો ગયા વર્ષના 34% થી ઘટીને આ વર્ષે 20% (₹1,02,219 કરોડ) રહ્યો છે. તેમ છતાં કોલ ઇન્ડિયા લિમિટેડે આ પ્લેટફોર્મ પરથી ₹82,285 કરોડની ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી કરીને મુખ્ય ખરીદદાર તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે.
નવી સુવિધાઓ અને ટેકનોલોજીકલ અપગ્રેડેશન
પ્લેટફોર્મને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અનેક નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે:
ગ્લોબલ ટેન્ડર ઇન્ક્વાયરી (GTE): આ ફંક્શનલિટી દ્વારા હવે ભારતની ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પાર્ટનર કંપનીઓ, જેમ કે UAE અને UK ની કંપનીઓ પણ ભારત સરકારના ગ્લોબલ ટેન્ડરોમાં ભાગ લઈ શકશે.
મલ્ટી-કરન્સી બિડિંગ: આંતરરાષ્ટ્રીય વિક્રેતાઓની ભાગીદારી વધારવા માટે હવે અલગ-અલગ દેશોના ચલણમાં બિડિંગ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.
રેટ કોન્ટ્રાક્ટ: ખરીદીની પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે રેટ કોન્ટ્રાક્ટ જેવી નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે.
મુખ્ય ખરીદદારો અને મંત્રાલયો
નાણાકીય વર્ષ 2025-26 માં જે મંત્રાલયોએ સૌથી વધુ ખરીદી કરી છે તેમાં કોલસા, સંરક્ષણ (Defense), પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, વીજળી, નાણાં અને પોલાદ (Steel) મંત્રાલયનો સમાવેશ થાય છે. મુખ્ય સરકારી કંપનીઓ (CPSEs) માં Coal India, NTPC, NLC India, IOC Ltd, SAIL અને ONGC અગ્રેસર રહી છે.
પારદર્શિતા અને ભ્રષ્ટાચારમાં ઘટાડો
GeM પોર્ટલના કારણે સરકારી ખરીદીમાં વચેટીયાઓની ભૂમિકા ખતમ થઈ છે, જેનાથી ભ્રષ્ટાચારમાં મોટો ઘટાડો થયો છે. આ રેકોર્ડ કારોબારનો મોટો ફાયદો MSMEs (લઘુ ઉદ્યોગો) અને મહિલા ઉદ્યોગસાહસિકોને મળ્યો છે, કારણ કે તેમને સીધા જ સરકારી ઓર્ડર મેળવવાની તક મળી છે. અત્યાર સુધીમાં GeM એ કુલ ₹18.4 લાખ કરોડનું સંચિત GMV હાંસલ કરીને પોતાની મજબૂત પકડ સાબિત કરી છે.