દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભે ખૂટતી સુવિધાઓ તથા સાવચેતી માટે તાકીદે પગલાં લેવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆતો

  • May 26, 2021 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોનાની ત્રીજી લહેર તથા બ્લેક ફંગસ સંદર્ભે નક્કર પગલાં અનિવાર્ય: યાસીન ગજ્જન

કોરોના વાયરસ મહામારીએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વિકટ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. નાની ઉંમર સહિતના અનેક લોકો આ જીવલેણ રોગનો ભોગ બની ચૂક્યા છે. ત્યારે આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સંદર્ભે સાવચેતી રાખવા તથા મ્યુકરમાઈકોસિસના રોગચાળાને નાથવા સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રી સહિતના સત્તાવાળાઓને વિવિધ મુદ્દે વિસ્તૃત પત્ર પાઠવી તાકીદે નક્કર પગલાં લેવા માટેની માંગ કરી છે.

કોરોના વાયરસ બીમારીની હાલ ચાલી રહેલી અને અંતિમ ચરણમાં મનાતી તથા અત્યંત ઘાતક સાબિત થયેલી આ બીજી લહેરના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ગંભીર મુદ્દે અહીંના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યાસીનભાઈ ગજ્જણ દ્વારા આગામી સમયમાં અનિવાર્ય એવી સાવચેતી કેળવવા તેમજ વધુ ઘાતક સાબિત થવાની સંભાવના સાથેની કોરોનાની ત્રીજી શહેર આવવાની શક્યતા હોવાથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ અંગે તાકીદે આરોગ્યલક્ષી સગવડો ઊભી કરવા માંગ કરવામાં આવી છે.

કોરોનાની બીજી લહેરમાં જો જિલ્લા આરોગ્ય તંત્ર પાસે જરૂરી દવાઓ તથા આરોગ્યલક્ષી સગવડ પુરતા પ્રમાણમાં હોત તો અનેક દર્દીઓ બચી શકત. આથી આગામી સમયમાં ખંભાળિયા તાલુકા સહિત જિલ્લાના અન્ય તાલુકાઓમાં વેન્ટિલેટર તથા આઈ.સી.યુ. વોર્ડ બનાવવા તેમજ ઓક્સિજન બેડ વધારવા અનિવાર્ય છે. જિલ્લાના કલ્યાણપુર તથા ઓખા વિસ્તારમાં આરોગ્ય સુવિધાઓ મહદ અંશે ઓછી છે, ત્યારે અહીં આ સુવિધા વધારવા સાથે કોવિડ હોસ્પિટલ ઉભી કરવાની પણ માંગ કરવામાં આવી છે.

ખંભાળિયા અને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં તાત્કાલિક સીટીસ્કેન મશીનની સગવડ ઉભી કરવા, દ્વારકાની હોસ્પિટલમાં આર.ટી.પી.સી.આર. લેબ શરૂ કરવા તેમજ જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલમાં તજજ્ઞ ડોક્ટરો સહિતના પૂરતા સ્ટાફની તાકીદે ભરતી કરી જરૂરી દવાઓનો જથ્થો પર્યાપ્ત માત્રામાં પૂરો પાડવા પણ મુખ્યમંત્રી સમક્ષ માંગ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ વેક્સિનેશન કામગીરી ખૂબ જ ધીમી છે. ત્યારે જિલ્લામાં રસીકરણ કાર્યક્રમ વધુ તેજ બનાવવા ઉપરાંત 18 થી 45 વર્ષના લોકોને પણ તાકીદે કોરોના વેક્સિન આપવાની શરૂ કરવામાં આવે તે માટેની પણ માંગ કરવામાં આવી છે.

કોરોનાની ત્રીજી શહેર ઘાતક અને બાળકો માટે જોખમી બની રહેવાની વ્યક્ત કરાતી સંભાવનાઓ વચ્ચે આ માટે એડવાન્સ પ્લાનિંગ કરી, પૂરતી સગવડ સાથે બાળકો માટે કોવિડ વોર્ડ અત્યારથી જ નિર્માણ કરવાનું અનિવાર્ય ગણાવવામાં આવી રહ્યું છે.

આટલું જ નહીં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જીવલેણ મનાતો મ્યુકરમાઈકોસિસ રોગચાળો પણ પ્રસરી રહ્યો, ત્યારે આ સામે લડત આપવા જિલ્લામાં અલગ વોર્ડ તાત્કાલિક ઊભો કરવામાં આવે તે માટેની માંગ પણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાઈ છે. આ પત્રની નકલ ગાંધીનગર ખાતે આરોગ્ય સત્તાવાળાઓ, જિલ્લા કલેકટર, આરોગ્ય અધિકારી વિગેરેને પણ મોકલવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS