દરેડ લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં 28 આસામીઓને જામીન પર છોડતી હાઇકોર્ટ

  • March 17, 2021 10:51 AM 

અતિ ચકચારી કેસમાં હાઇકોર્ટમાં ધારાશાસ્ત્રી વિ.એચ. કનારાની દલીલો ગ્રાહ્ય રાખી અપાયેલો ચૂકાદો

જામનગર તા. 16: જામનગર નજીકના દરેડના અતિચકચારી લેન્ડ ગ્રેબિંગ કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધરી 51 આસામીઓની ધરપકડ કરી છે અને આ અંગે કુલ 132 આસામીઓ સામે ગુન્હો નોંધ્યો છે. બીજી બાજુ પોલીસ આસામીઓની ધરપકડ કરે તેવી દહેશત વ્યકત કરી હાઇકોર્ટમાં મનાઇ હુકમની માંગણી કરી રહ્યા છે. તેમાં છેલ્લા ત્રણ થી ચાર કિસ્સામાં હાઇકોર્ટ દ્વારા આસામીઓને પોલીસ ધરપકડ કરે નહીં તેવા સ્ટેના હુકમ ફરમાવવામાં આવ્યા છે. જયારે બીજી બાજુ આજે પોલીસે ધરપકડ કરી જેલહવાલે કરાયેલા 28 જેટલા આસામીઓએ હાઇકોર્ટમાં તેમના ધારાશાસ્ત્રી મારફત જામીન પર છુટવાની અરજી કરતાં હાઇકોર્ટે આસામીઓના વકીલની દલિલો અને રજૂઆતોને ગ્રાહ્ય રાખી તમામ આસામીઓને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. 

જામનગર નજીકના દરેડ ગામમાં તેમજ ગામતળની જમીન પર અનેક આસામીઓએ ગેરકાયદે દબાણ કર્યા હોવાની ચોંકાવનારી હકિકતો પ્રકાશમાં આવતાં જિલ્લા કલેકટર દ્વારા આ સમગ્ર પ્રકરણની ઘનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી. વહીવટી તંત્રની તપાસમાં દરેડ ગામના સર્વે નં. 131 અને 132 વાળી જગ્યામાં વર્ષોથી ગેરકાયદે દબાણ કરવામાં આવ્યા હોવાની હકિકતો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા આ અંગે કુલ 132 આસામીઓ સામે લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુન્હો નોંધ્યો હતો. ત્યારબાદ પોલીસે કુલ 51 આસામીઓની ધરપકડ કરી જુદી-જુદી જેલમાં ખસેડી દેવામાં આવ્યા હતાં. 

દરમિયાન મોરબીના લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપીઓને હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવેલી જામીન અરજીના સંદર્ભમાં જામનગરના દરેડ લેન્ડ ગ્રેબિંગ કેસમાં સંડોવાયેલા આસામીઓ દ્વારા હાઇકોર્ટમાં તેમના ધારાશાસ્ત્રી મારફત પોલીસ ધરપકડ કરે નહીં તે મુદ્દે સ્ટે આપવાની માંગણી કરી હતી. અને હાઇકોર્ટ દ્વારા અલગ-અલગ ત્રણ કેસોમાં આસામીઓને પોલીસ ધરપકડ કરે નહીં તે માટે સ્ટે ફરમાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ કેસમાં પોલીસે ધરપકડ કરેલા અને અલગ-અલગ જેલોમાં રહેલા 28 આસામીઓ દ્વારા હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. 

દરેડ લેન્ડ ગ્રેબિંગ કેસમાં જેલમાં રહેલા વિરમ કારા રાઠોડ, જુમા હુશેન મેકાણી, વસીમ ઓસમાણ ખફી, ગફાર હાજી નુરમામદ ખફી, ઉમર નુરમામદ હાજી પતાણી, જુમ્મા કાસમ પૂંજા ખફી, કરશન ભીખા ચેતરીયા, વલીમામદ સુલતાન હાસમ બુઠાણી, બાબુ મુરૂ સોરઠીયા, હુશેન ઓસમાણ હાજી ખફી, મામદ હુશેન ઉર્ફે મમલો સહિત 28 આસામીઓના ધારાશાસ્ત્રી વિ.એચ. કનારા દ્વારા કરવામાં આવેલી દલીલો, રજુઆતો અને હાઇકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓને ધ્યાને લઇ દરેડના કેસમાં જેલમાં રહેલાં 28 આસામીઓને રેગ્યુલર જામીન મંજુર કરવા અંગે હાઇકોર્ટના ન્યાયધીશ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ધારાશાસ્ત્રી વિ.એચ. કનારાની તમામ બાબતોને ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે 28 આસામીઓના રેગ્યુલર જામીન અરજી મંજુર કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS