હેય હેન્ડસમ હવે કેટલી વાર?

  • June 15, 2022 01:11 AM 

તારી રાહ જોતી હોઉં ત્યારે તું મને બહુ અકળાવે છે. જીવ નીકળી જાય એ હદે હેરાન થતી હોઉં ત્યારે તને આવતો જોઉં અને સાદ દઉં એ પહેલા તો તું ફરી સંતાઈ જાય છે. કોઈને કહી પણ ન શકું અને રહી પણ ન શકું. આ વખતે સાટું વાળીશ. હું તને મારા પ્રેમમાં એવો ભીંજવી દઈશ કે મારાથી અળગો જ નહિ થઈ શકે. તને મળીને કાયમ મારા રૂપરંગ બદલી જાય છે પણ આ વખતે એવું તારી સાથે થશે.


પત્યું. આ આજકાલની સ્ત્રીઓ હવે વધારે પડતી છૂટ લેતી થઈ ગઈ છે. મોડર્ન લાગવા માટે ગમે તે બોલવાનું, ગમે તે લખવાનું? આટલી બધી ઉઘાડી વાતો કરવી એ સારા ઘરની છોકરીના સંસ્કાર નથી. આ તો દેખાય છે નાની બાકી કંઈ નાની છે હવે? કરો જેમ કરવું હોય તેમ. પછી કોઈ કંઈ બોલે તો સાંભળજો અને સમાજને જવાબ આપતા રહેજો.


એક મિનિટ. આવી કોઈ શિખામણ આપતાં પહેલા પહેલો ફકરો ફરીથી વાંચી જાઓ. વાતાવરણ જ એવું છે કે મગજ સરખું કામ ન કરે. બધા જેની રાહ જુએ છે એની જ રાહ હું જોઉં છું. એની સાથે જ વાત કરું છું. અને એને જ બોલાવું છું. આવ રે વરસાદ, વહાલીડો વરસાદ. એક નાની ઝલક દેખાડીને એણે આવી પહોંચ્યાંનું એંધાણ આપી દીધું છે , હવે રંગેચંગે સવારી નીકળવાની બાકી છે એટલું જ. આમ તો વરસાદના બહાને આકાશ, ધરતી પર પોતાનું વહાલ વરસાવે છે. પણ એ વહાલ દરેકને પોતીકું લાગે છે. ક્યાંક સૂકાભઠ્ઠ જીવનમાં ભીનાશનું, ક્યાંક દુનિયાદારીના અભાવો વચ્ચે થોકમાં મળેલું, કાળાધોળાની કવાયત વચ્ચે આંખ ભરી દે એવું રંગીન, પારાવાર બંધનોમાં આસમાની મોકળાશ જેવું. એવો તો હોય છે વરસાદ. પહેલા વિરહાગ્નિમાં દઝાડે. અને પછી કોઈની શરમ રાખ્યા વગર, કોઈ આડંબર વગર મન પડે એટલો વરસી પડે.


વરસાદ તો અલગારી છે. એને ક્યાં, ક્યારે અને કેટલું વરસવાના કોઈ નિયમ લાગુ નથી પડતા. પણ સ્ત્રીઓએ ઘણાં નિયમો સાથે રહેવાનું હોય છે. તેણે શું ન કરવું જોઈએની નિયમાવલી એટલી લાંબી છે કે શું કરવું એ માટેની એક પોકેટ નોટ બનાવવી સહેલી પડે. એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે સ્ત્રીના માનવાધિકારને પરંપરા, સાવચેતી અને સભ્યતાના નામનું તાળું લગાવી દેવામાં આવે છે. ઘરના, જ્ઞાતિના, સમાજના એના પર થોપાયેલા નિયમોને એ આંખ મીંચીને અનુસરે એટલે ડાહી, સંસ્કારી, સમજુ અને એકાદ જગ્યા પર એકાદ વખત પણ ચૂક થઈ ગઈ તો એનું સ્થાન ડામાડોળ.
સમય બદલાઈને નવો થયો છે એ આ વ્યથાકથાની મોટી કઠણાઈ છે. પહેલા સ્ત્રીએ ઘરમાં રહીને સભ્ય બની રહેવાનું હતું. પણ હવે તો એ ભણવા જાય છે અને કામે પણ જાય છે. માટે એના પર સભ્ય બની રહેવાનું દબાણ ત્રણ ગણું વધી ગયું છે.


પોતાને જે નિયમો માફક નથી આવતા અને યોગ્ય નથી લાગતા તેમનાથી મુક્ત થવા સ્ત્રીઓએ અસંસ્કારી કે સ્વચ્છંદી બનવાની જરૂર નથી. પોતે પરંપરાનું આંધળું અનુકરણ નથી કરતી એ સાબિત કરવા માટે તેને કોઈ અસભ્ય હરકત કરવાની જરૂર પણ નથી. પરંતુ જે રૂઢિમાં તેને બદલાવની જરૂર લાગે છે તે માટે તેણે ફક્ત પોતાના લોકોને વિશ્વાસમાં લેવાના છે. અને સ્વજનોએ પણ તેની વાત સમજવાની છે અને સહકાર આપવાનો છે. જેટલો ઉત્પાત વન નેશન વન ટેક્સ કે વન નેશન વન લો માટે કોઈને કોઈ રીતે કરતા હો એટલો વન ફેમિલી વન રુલ માટે ન કરી શકો, ત્યાં સુધી પરિવારની મયર્દિા, પરંપરા જળવાઈ રહે એ સભ્યતાના ધોરણો સ્ત્રી અને પુરુષ માટે સમાન રાખવાના. જેટલી છૂટ ઘરના પુરુષને એટલી જ ઘરની સ્ત્રીઓને અથવા તો જેટલી મયર્દિા સ્ત્રીઓએ જાળવવાની એટલી જ પુરુષોએ પણ જાળવવાની. કોઈનું વ્યક્તિત્વ રૂંધાતુ ન હોય તો પરંપરાગત, નિયમો સાથે, શિસ્તમાં રહેવામાં કંઈ ખોટું નથી. પણ જો મૂંઝારો દેખાય તો ત્યાં જ અટકી જવું.
કોની સાથે કઈ વાત કરી શકાય એ સ્ત્રીઓને લગભગ શીખવવું નથી પડતું. અને જેને ખબર નહિ પડતી હોય એને પણ બે-ચાર અનુભવમાં ખબર પડી જશે. જાત અનુભવથી શીખેલું રોજેરોજના લાંબા લેક્ચર કરતા સમજવામાં સરળ રહેશે. બીજી બધી જગ્યાએ પણ એને ઘડાવા દેવાની જરૂર છે. પહેલાના સમયમાં લગ્ન નાતમાં થતાં, કોઈ પરિચિત વચ્ચે હોતા અને બે આંખોનું માન રહેતું. હવેના સમયમાં લગ્ન એક મોટા જુગારના ખેલ જેવા બની ગયા છે. સારા નરસાનો ભેદ સ્ત્રીઓને જાતે જ નહિ શીખવા દો તો કેમ ટકી શકશે? ભણવા માટે, કામ માટે એને અજાણી જગ્યાઓ પર જવું પડે તો સ્વામાનભેર જીવવા માટે પરિવારના સહકાર અને અનુભવ જેવું કોઈ મોટું પ્રેરકબળ નથી. આ જાલિમ દુનિયા પહેલા કરતા સારી બની જ છે અને ઘણી જગ્યા પર સ્ત્રી-પુરુષનો ભેદ રાખવામાં નથી આવતો જે ખરેખર સરાહનીય છે. પણ આવો વિવેક પારિવારિક ધોરણે બનાવેલા નિયમો, મયર્દિાઓમાં પણ રાખવામાં આવે તો વાત કંઈક જામે. અને આ અમલ કરવામાં પાછો સ્ત્રીઓને જ વધારે વાંધો પડશે એ પણ એટલું જ સાચું છે. સભ્યતાના અને સંસ્કારિતાના માપદંડ, સામે કેટલી વહાલી સ્ત્રી છે કે કેટલો વહાલો પુરુષ છે એ પ્રમાણે બદલાતા રહેશે.

ખરેખર તો વરસાદને હેન્ડસમનું સંબોધન આપ્નારી તમારી વહાલી પર આભ જેટલું હેત વરસાવવું જોઈએ. કુદરતની સાથે સંવાદ કરી શકતી વ્યક્તિ તમારી આસપાસ સાક્ષાત છે એ માટે તમારી જાતને ભાગ્યશાળી માનવી. એ કંટાળાજનક નથી, જીવનથી ભરપૂર છે. હિંમતવાળી છે જે પોતાની લાગણીનો જાહેરમાં સ્વીકાર કરી શકે છે. જે જીવનને એના મૂળભૂત રૂપમાં ચાહીને માણે છે તેની ઊર્જા કેટલી હકારાત્મક હોવાની! અનરાધાર વરસાદ સામે ચાલીને ઝીલી શકે તેનું અસ્તિત્વ કેવું મજબૂત હોવાનું! એ વરસાદમાં નહાવા જવા માંગતી હોય ત્યારે રોકટોક ન કરશો. કપડાં, જૂતાં, મોબાઈલ જેવી ભૌતિકતા તરફ ખેંચવાના બદલે એ પોતાના મનની ઇચ્છા પૂરી કરવા પર  ધ્યાન કેન્દ્રિત કરે છે. આટલી સમર્પિત સ્ત્રી કોઈપણ સ્વરૂપે જીવનમાં હોય એ એક ઉપલબ્ધિ જ તો છે. પોતાના પ્રિય કે કોઈ મિત્ર સાથે એને પલળવા જવું હોય તો વધારે પૂછપરછ ન કરશો. જેના પર વિશ્વાસ ન હોય એવી વ્યક્તિ સામે સ્ત્રી વરસાદમાં પણ ન ભીંજાય. ક્યારેક એવું પણ બનશે કે વરસાદ અધૂકડો બેસીને ચાલ્યો જાય અને પાછળ કાદવ કીચડ અને ફૂદાં છોડતો જાય. પણ જેમ બધા માણસો સારા ન હોય એમ બધા ખરાબ પણ ન હોય. વરસાદ પછીનાં વરાપમાં બધું સરખું થઈ જશે. વરસતાં વરસાદમાં તે કોઈનો હાથ વિશ્વાસથી પકડી શકે એ મિત્ર, એ પ્રિય પણ તેના જેવા જીવંત જ હશે. કોઈ આડંબર વગર ખુલ્લા આકાશ નીચે કોઈની સાથે પ્રેમથી ભીંજાવા મળે એ કાયમનો નિખાલસ સંબંધ બની રહે છે. કોઈપણ વિજાતીય મિત્ર સાથેના એના સંબંધને નામ આપતા પહેલા તે પોતે શું વિચારે છે એ જરૂર જાણજો. વાવેલા બીજ ઊગી નીકળે એ સમય છે અત્યારે. તમે પણ એકાદ લાગણી પ્રેમથી વાવી જુઓ, પ્રેમ જરૂર ખીલી જશે.
નેનો ફોલ્ડ:
મમ્મી, હું વરસાદમાં નહાવા જઉં છું.
રેઈનકોટ પહેરતી જજે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application