લાલપુરમાં ભલારાદાદા રોડ પર બોરવેલનો ટ્રક પલટી ખાઈ જતાં ભારે ટ્રાફિક જામ

  • March 11, 2025 10:31 AM 

સદભાગ્યે કોઈ જાનહાની નહીં: ઉપરથી હેવી વિજ લાઈન પસાર થતી હોવાથી વીજ પુરવઠો બંધ કરાવીને ક્રેઇનની મદદથી ટ્રકને સલામત રીતે ફરી ઊભો કરાયો


જામનગર જિલ્લાના લાલપુરમાં ભાલારા દાદા રોડ પર ગઈકાલે બપોરે બોરવેલ સાથે નો હેવી ટ્રક અકસ્માતે પલટી મારી ગયો હતો, અને ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા.


હેવી ટ્રક લાલપુર પંચાયત હસ્તકના ગાર્ડનમાં પલટી માર્યો હોવાના કારણે ગાર્ડન ના ઝાડવા વગેરેમાં થોડી નુકસાની થઈ હતી. પરંતુ સદભાગ્યે આ બનાવમાં ટ્રકના ડ્રાઇવર અથવા બોરવેલ ના ઓપરેટર વગેરેને કોઈને ઇજા થઈ ન હતી, અને સલામત રીતે ટ્રકમાંથી બહાર નીકળી ગયા હતા. આ બનાવ બાદ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હોવાના કારણે લાલપુરની પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળવા માટેની કવાયત કરી હતી.


આ ઉપરાંત લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયા વગેરે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, અને ટ્રકને ફરી ઉભો કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ તે સ્થળે ઉપરથી હેવી વિજ લાઇન પસાર થતી હોવાના કારણે વિજ તંત્રની પણ મદદ લેવી પડી હતી. જેથી લાલપુરના વીજ કચેરીના જુનિયર ઇજનેર સાજીદ પઠાણ સહિતની ટુકડી બનાવના સ્થળે દોડી આવી હતી, અને અંદાજે ત્રણેક કલાક સુધી વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો.


ત્યારબાદ હેવી ક્રેઇનની મદદથી સલામત રીતે ટ્રકને ઉભો કરી લેવાયો હતો. તેથી ઉપરોક્ત સ્થળે ટ્રાફિક જામની સમસ્યા થઈ હતી, તે ટ્રાફિક આખરે મુક્ત થયો હતો. જેના માટે પોલીસે ભારે જહેમત લેવી પડી હતી. ત્યારબાદ મોડેથી વીજ પુરવઠો પણ રાબેતા મુજબ બન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application