ભારતમાં હૃદય રોગ હવે રાષ્ટ્રીય આરોગ્ય કટોકટી બની રહ્યો છે. રાષ્ટ્રીય આંકડાકીય સંગઠન (એનએસઓ)ના તાજેતરના 2025ના સર્વે, હાઉસહોલ્ડ સોશિયલ કંજમ્પશનઃ હેલ્થમાં ચિંતાજનક આંકડા જાહેર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, છેલ્લા સાત વર્ષમાં દેશમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા લગભગ ત્રણ ગણી વધી ગઈ છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે, 15થી 29 વર્ષની વયના યુવાનો પણ હૃદય રોગનો શિકાર બની રહ્યા છે.
ભારતમાં હૃદય રોગના કેસોમાં ઝડપી વધારો એ ખૂબ જ ચિંતાનો વિષય છે. રાષ્ટ્રીય આંકડાકીય સંગઠન (એનએસઓ)ના ડેટા અનુસાર, હૃદય રોગ કુલ રોગના ભારણના 25.6 ટકા હિસ્સો ધરાવે છે, જે અન્ય તમામ રોગોમાં સૌથી વધુ છે. 2017-18માં પ્રતિ 1,00,000 વસ્તી દીઠ હૃદય રોગના 1,333 કેસ હતા, જ્યારે 2025માં આ સંખ્યા વધીને 3,891 થવાનો અંદાજ છે.
સર્વે મુજબ, બે અઠવાડિયામાં આશરે ૧૩.૧ ટકા ભારતીયોએ બીમારીની જાણ કરી હતી. આ સમયગાળા દરમિયાન પ્રતિ ૧,૦૦,૦૦૦ વસ્તી દીઠ બીમારીના કુલ ૧૫,૨૧૭ કેસ નોંધાયા હતા. આ ઉચ્ચ સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે ઘણા લોકો એક સાથે એક કરતાં વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા હતા. લિંગની સરખામણીમાં, સ્ત્રીઓમાં બીમારીની ઘટનાઓ પ્રતિ ૧,૦૦,૦૦૦એ ૧૭,૦૦૬ (૧૭%) હતી, જે પુરુષો માટે નોંધાયેલા ૧૩,૫૦૪ (૧૩.૫%) કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
દર ૧,૦૦,૦૦૦ વસ્તી દીઠ હૃદય રોગના ૩,૮૯૧, દર ૧,૦૦,૦૦૦ વસ્તી દીઠ હાયપરટેન્શનના દર્દીઓ ૩,૩૫૮, દર ૧,૦૦,૦૦૦ વસ્તી દીઠ હૃદય રોગના અન્ય દર્દીઓ ૫૩૩, દર ૧,૦૦,૦૦૦ વસ્તી દીઠ મેટાબોલિક સમસ્યાઓ (ડાયાબિટીસ, વગેરે)ના દર્દીઓ ૩,૬૮૧, દર ૧,૦૦,૦૦૦ વસ્તી દીઠ શ્વસન રોગોના દર્દીઓ ૧,૫૩૬ અને દર ૧,૦૦,૦૦૦ વસ્તી દીઠ હાડકા અને સાંધાના દુખાવાના દર્દીઓ ૧,૨૨૬ હોવાનું જાણવા મળ્યુ છે.
વય મુજબ હૃદય રોગની અસર
૦ થી ૪ વર્ષઃ ૦.૩ ટકા
૫ થી ૧૪ વર્ષઃ ૦.૨ ટકા
૧૫ થી ૨૯ વર્ષઃ ૨.૧ ટકા
૩૦ થી ૪૪ વર્ષઃ ૧૫.૩ ટકા
૪૫ થી ૫૯ વર્ષઃ ૩૦.૧ ટકા
૬૦ વર્ષથી વધુઃ ૩૭.૮ ટકા