શહેરમાં હાર્ટએટેકનો સિલસિલો યથાવત યુવાન અને પ્રૌઢનું હૃદય ધબકારા ચુક્યું

  • November 22, 2023 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરમાં હાર્ટ એટેકથી મોત થવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી.ત્યારે વધુ બે વ્યકિતના હાર્ટ એટેકથી મોત થયા છે.કેશરી પુલ પાસે સમી સાંજના નાસ્તો લેવા જઇ રહેલો યુવાન બેભાન થઇ ઢળી પડતા 108 ની ટીમે અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.યુવાનનું મોત હૃદયરોગના હુમલાથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જયારે 80 ફૂટ રોડ પર રહેતા પ્રૌઢનું ઉલ્ટી થયા બાદ મોત થયું હતું.


જાણવા મળતી વિગતો મુજબ,શહેરના કેશરી પુલ પાસે બગીચા પાસે ફુટવેર સામે સમી સાંજના એક યુવાન બેભાન થઇ ઢળી પડતા આ અંગે કોઇ રાહદારીએ 108 ને જાણ કરતા 108 ની ટીમે અહીં આવી જોઇ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.આર.સોલંકીએ અહીં પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી.


પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, યુવાનનું નામ ઇશાક મન્સુરી(ઉ.વ 42) છે.યુવાન મૂળ યુપીનો વતની હતો.અને રાજકોટમાં નવાગામમાં રહેતો હતો.તેને પત્ની સાથે ઝઘડો થયા બાદ છેલ્લા ઘણાં સમયથી અહીં રેનબસેરામાં રહેતો અને રખડતું ભટકતું જીવન જીવતો હતો.ગઇકાલે સમી સાંજના તે અહીં રેંકડીએ નાસ્તો લેવા ગયો હતો દરમિયાન રસ્તામાં જ બેભાન થઇ ઢળી પડયો હતો.યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જયારે અન્ય એક બનાવમાં 80 ફૂટ રોડ પર નહેરૂનગર પાસે શ્યામ હોલ નજીક જુનુ ગોપવંદના સોસાયટીમાં રહેતા પ્રવિણભાઇ બેચરભાઇ લીબાંસીયા(ઉ.વ 53) નામના પ્રૌઢને આજરોજ સવારના સમયે ઉલ્ટી થયા બાદ તેમની તબીયત ઓચિંતી બગડી હતી.જેથી તેમને પ્રથમ ખાનગી બાદમાં સરકારી હોસ્પિટલ સારવાર માટે લાવતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.પ્રૌઢ મૂળ સણોસરાના વતની અને બે ભાઇ બે બહેનના પરિવારમાં નાના હતાં.તેમને સંતાનમાં બે પુત્ર છે તેઓ છુટક મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતાં.પ્રૌઢનું મોત પણ હૃદયરોગના હુમલાથી થયાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application