રાજકોટ જિલ્લામાં ટીબીના નવા 294 કેસ શોધી કાઢતું આરોગ્ય તંત્ર

  • March 24, 2025 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા 103 દિવસથી ગ્રામ્ય વિસ્તારમાં ઘરે-ઘરે ફરી ટીબીના દર્દીઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન 294 નવા કેસ મળી આવ્યા હોવાનું જાહેર કરાયું છે.

જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડોક્ટર આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ દરમિયાન નવા 294 કેસ મળી આવતા ક્ષય નિવારણ કેન્દ્રમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા 1199 થઈ છે.

રાજકોટ જિલ્લાની 281 ગ્રામ પંચાયત ટીબી મુક્ત થઈ છે.જે આરોગ્ય ક્ષેત્રે ઘણી સારી કામગીરી ગણવામાં આવે છે. ઝુંબેશના 103 દિવસમાં કુલ 1.36 લાખ હાઈરીસ્ક દર્દીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. 46,148 ના દર્દીઓના ફેફસાનું અને 15,726 દર્દીઓના ગળફાનું પૃથક્કરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લામાં કુલ 281 ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર કરવામાં આવી છે તેમાં રાજકોટ તાલુકાની 56 ધોરાજીની 14 ગોંડલની 25 જામકંડોરણા ની 32 જસદણની 23 જેતપુર ની 41 કોટડા સાંગાણીની 25 લોધિકા ની 12 પડધરીની 33 ઉપલેટા ની 14 વીંછીયા ની 6 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ જે ગ્રામ પંચાયતો ટીબી મુક્ત થઈ છે તેમાં સ્થાનિક સરપંચોનું યોગદાન પણ ઘણું મહત્વનું હોવાથી આવી ગ્રામ પંચાયતોના સરપંચોનું ખાસ સન્માન કરવાનો એક સમારોહ આગામી દિવસોમાં યોજવામાં આવશે.

ટીબીના મામલે 103 દિવસની ઝુંબેશમાં મળેલી સફળતાથી પ્રેરાઈને હવે આ ઝુંબેશ આગામી તારીખ 30 એપ્રિલ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application