કાલાવડના મોટા પાંચ દેવડામાં બે, મોટી બાણુંગાર, જાડિયા એક, લાલપુર અને ં હડિયાણામાં સવા ઈંચ વરસાદ: મોટા ભાગના ગામડાઓમાં અડધો ઈંચ વરસાદ: કેટલીક ટ્રેનો રદ થતાં મુસાફરીમાં હાલાકી
જામનગરમાં અને દેવભૂમિ દ્રારકા જિલ્લ્લામાં હવામાન ખાતાએ ત્રણ દિવસની આગાહી કર્યા બાદ ગઇકાલે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું હતું પરંતુ મેઘરાજાએ જાણે કે રૂસણા લીધા હોય તેવુ લાગ્યું હતું. હાલારનાં ગામડામાં અડધાથી બે ઈંચ વરસાદ પડયો હતો આજથી તા.૧૨ સુધી ફરીથી વરસાદની આગાહી છે. કાલાવડના મોટા પાંચ દેવડામાં બે, મોટી બાણુંગાર, જોડીયા એક, લાલપુર અને ં હડીયાણામાં સવા ઈંચ મોટા ભાગના ગામડાઓમાં અડધો ઈંચ વરસાદ પડયો છે અને હવે ભારે વરસાદની આગાહી મુજબ મેઘો ન વરસતા જગતનો તાત દુ:ખી થઇ ગયો છે. ટ્રેનો રદ થતા મુસાફરીમાં હાલાકી ટ્રેનના પાટા પર પાણી ભરાતા સૌરાષ્ટ્ર્ર મેલ સહિત કેટલીક ટ્રેનો રદ થઇ છે, જામનગરમાં માત્ર ચાર મી.મી. વરસાદ પડયા બાદ તરત જ અમુક વિસ્તારમાં ત્રણ થી ચાર કલાક સુધી વીજળીરાણી ગુલ થઇ ગઇ હતી. સૌરાષ્ટ્ર્રમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે, ગ્રામ્ય વિસ્તારની વાત લઇએ તો ગઇકાલે કાલાવડ પંથકના મોટા પાંચ દેવડામાં ર ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૮૦ મી.મી. થયો છે, ગઇકાલે બપોરે વીજળીના ભારે કડાકા અને ભડાકા વચ્ચે ભારે પવન સાથે મેઘરાજાની પધરામણી થઇ હતી. જોતજોતામાં ર ઈંચ વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અસહ્ય ગરમીથી લોકોએ છૂટકારો મેળવ્યો હતો. પાંચ દેવડાના આજુબાજુના ગામડાઓમાં અડધાથી ર ઈંચ વરસાદ પડયો છે. કાલાવડ તાલુકાનાં અન્ય ગામોમાં ખરેડી ૮ મી.મી., નિકાવા પાંચ, ભલસાણ બેરાજા ૧૦, નવાગામ ૧૫ મી.મી. વરસાદ થયો છે. જોડીયા તાલુકાના હડીયાણામાં ગઇકાલે સવાઈંચ વરસાદ પડયો હતો. જયારે જોડીયા શહેરમાં ૨૩ મી.મી. વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ ૪૪ મી.મી. થયો છે. આજુબાજુના બાલંભામાં ૧૫, ધ્રોલ તાલુકાના લતીપુરમાં ર, જાલીયાદેવાણીમાં ર મી.મી. વરસાદ પડયો છે. જામનગર તાલુકામા વસઇમાં ૩, લાખાબાવળ ૨, મોટી બાણુંગાર ૨૫, ફલ્લા ૯, જામવંથલી ૧૦, મોટી ભલસાણ ૧૦, અલિયાબાડા ૧૨, દરેડમાં ૧૫ મી.મી. વરસાદ પડયો છે. જામનગર શહેરમાં ગઇકાલે રાત્રે વીજળીના ભારે કડાકા ભડાકા થયા હતા અને માત્ર ૪મી.મી. વરસાદ પડયો હતો. લોકો અસહ્ય ગરમીથી કંટાળી ગયા હતા અને અધુરામાં પુરુ હોય તેમ અમુક વિસ્તારમાં રાત્રીનાં ત્રણ વાગ્યાથી લાઇટ ચાલી ગઇ હતી. આમ જામનગર શહેરમાં ગઇકાલે રાત્રે અને વહેલી સવારે જોરદાર ઝાપટા પડયા હતા, આકાશી વીજળીના ભારે કડાકા ભડાકા થયા હતા. કાલાવડ તાલુકાના નિકાવામાં ૫, ખરેડી ૮, મોટા વડાળા ૪, ભલસાણ બેરાજા ૧૦, નવાગામ ૧૫, મી.મી. વરસાદ પડયો હતો. જયારે જામજોધપુર તાલુકાના સમાણા ૬, શેઠવડાળા ૭, જામવાડી ૧૨, વાંસજાળીયા ૯, ઘુનડા ૪, ધ્રાફા ૬, પરડવા ૫, લાલપુર તાલુકાના પીપરટોડા ૧, ભણગોરમાં ર મી.મી. વરસાદ પડયો હતો.