ચીનના HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી! બેંગલુરુમાં 8 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ

  • January 06, 2025 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં HMPV નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે . હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે. બેંગલુરુમાં 8 મહિનાની બાળકી HMPV વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીની HMPV વાયરસની તપાસ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ કહે છે કે અમે અમારી લેબમાં તપાસ કરી નથી. એક ખાનગી હોસ્પિટલમાં તેનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ રિપોર્ટ પર કોઈ શંકા કરવાનું  કોઈ કારણ નથી. HMPV સામાન્ય રીતે બાળકોમાં પણ સંક્રમિત થઈ રહ્યો છે. બધા ફ્લૂ સેમ્પલમાં 0.7 ટકા HMPV હોય છે. આ વાઈરસનું સ્ટ્રેન ક્યાં છે એ હજુ પણ ખબર નથી


આ વાયરસના લક્ષણો શું છે?.
આ વાયરસને માનવ મેટાપ્યુમોવાયરસ અથવા HMPV વાયરસ કહેવામાં આવે છે, જેના લક્ષણો સામાન્ય શરદી જેવા જ હોય ​​છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા ગળામાં બળવું,  નાકમાંથી સતત પ્રવાહી નિકળવું અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર સાબિત થઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.


એવું કહેવામાં આવી રહ્યું છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. હવે દિલ્હીના મેડિકલ ઓફિસરોએ વાયરસ સંબંધિત પડકારોનો સામનો કરવા માટે એડવાઈઝરી જારી કરી છે.


એક નિવેદન અનુસાર, આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક, ડૉ. વંદના બગ્ગાએ રવિવારે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં દિલ્હીમાં શ્વસન સંબંધી રોગોનો સામનો કરવાની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભલામણો હેઠળ, હોસ્પિટલોને IHIP પોર્ટલ દ્વારા ઈન્ફલ્યુએન્ઝા જેવા રોગોના કેસોની તાત્કાલિક જાણ કરવા સૂચના આપવામાં આવી છે


શંકાસ્પદ કેસ માટે કડક આઇસોલેશન પ્રોટોકોલ અને સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે. સચોટ દેખરેખ સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલોને SARI કેસ અને લેબ દ્વારા પુષ્ટિ થયેલ ઈન્ફલ્યુએન્ઝા કેસોના યોગ્ય દસ્તાવેજો જાળવવા સૂચના આપવામાં આવી છે. તેમને ઓક્સિજનની સાથે હળવા લક્ષણોવાળા કેસોની સારવાર માટે પેરાસિટામોલ, એન્ટિહિસ્ટેમાઈન્સ, બ્રોન્કોડિલેટર અને કફ સિરપની ઉપલબ્ધતા જાળવવા સૂચના આપવામાં આવી છે.


આ રીતે HMPV વાઈરસ ફેલાય છે

  • HMPV વાઈરસ સામાન્ય રીતે ખાંસી અને છીંક દ્વારા ફેલાય છે.
  • આ ઉપરાંત, આ વાઈરસથી સંક્રમિત વ્યક્તિને સ્પર્શ કરવાથી અથવા હાથ મિલાવાથી પણ તે ઝડપથી ફેલાય છે.
  • ચેપ લાગ્યાના 5 દિવસની અંદર તેના લક્ષણો દેખાવા લાગે છે. નિષ્ણાતો કહે છે કે આ વાઈરસ હંમેશા હાજર હોય છે, પરંતુ તે ઠંડા હવામાનમાં વધુ સક્રિય બને છે. લોકોમાં તે ઝડપી ફેલાય છે.
  • ઘરની બહાર નીકળતા પહેલા માસ્ક પહેરો, કારણ કે તે ઉધરસ અને શરદી દ્વારા એક વ્યક્તિથી બીજામાં ફેલાય છે.
  • સંક્રમિત વ્યક્તિ સાથે હાથ મિલાવશો નહીં અને ઘરે આવ્યા પછી હાથને સારી રીતે સાફ કરો.
  • ડૉક્ટરની સલાહ લીધા વિના કોઈપણ દવા ન લો.
  • ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો, કારણ કે અહીં ચેપ ઝડપથી ફેલાય છે.


શું HMPV એ COVID-19 જેવો જ છે?
HMPV ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. વાઇરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે પરંતુ કેટલીકવાર નીચલા શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંતઋતુના પ્રારંભમાં HMPV ચેપ વધુ સામાન્ય છે. જ્યારે HMPV અને SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાઈરસ) અલગ-અલગ વાઇરલ સાથે સંબંધીત છે, તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાઇરસ મુખ્યત્વે માનવ શ્વસનતંત્રને નિશાન બનાવે છે, જે હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. એચએમપીવી, કોવિડ-19ની જેમ, શ્વાસોચ્છવાસના ડ્રોપલેટ્સ (બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતાં ટીપાં)ના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાઇરસના ચેપનાં લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. કોરોના વાઇરસની જેમ, HMPV પણ બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે.


HMPV સંક્રમણને કેવી રીતે અટકાવવો?
HMPVના સંક્રમણથી બચવા માટે, આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે. હાથ ધોયા વગર આંખો, નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવાં લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવાં લક્ષણો હોય તેમણે માસ્ક પહેરવું જોઈએ. છીંક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાકને ઢાંકો અને હાથ ધોવા અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરો.


HMPV સંક્રમણ માટે સારવાર અથવા વેક્સિન
હાલમાં, HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટિવાઇરલ સારવાર નથી. કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી. જો કોઈ વ્યક્તિને HMPV ચેપનાં લક્ષણો હોય, તો તેને પોતાને આઈસોલેટ કરવા અને સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે.


શું ભારત HMPV સાથે લડવા તૈયાર છે?
​​​​​​​નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) એ ભારતમાં માનવ મેટાપ્યુમોવાઇરસ (HMPV)ના કોઈ કેસની પુષ્ટિ કરી નથી. NCDCના ડિરેક્ટર ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે HMPV સામાન્ય શરદીના વાઇરસ જેવું લાગે છે, જે બાળકો અને વૃદ્ધોમાં ફલૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. તેમણે લોકોને પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી, જેમ કે શરદી, ઉધરસ અને તાવ જેવાં લક્ષણો ધરાવતા કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો. તેમણે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી અને નિયમિત શરદી કે તાવ માટે દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે.

ડો.ગોયલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી. હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં પથારી અને અન્ય જરૂરી સાધનો અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, સતર્કતા મહત્ત્વપૂર્ણ છે. નિષ્ણાતો સહમત છે કે ભારતમાં HMPVથી હાલમાં કોઈ તાત્કાલિક જોખમ નથી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application