એચ.એમ. આંગડિયામાં જીએસટી અધિકારી અને ઇન્સ્પેકર પર હુમલા

  • February 15, 2024 04:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના યુનિવર્સિટી રોડ પર પુષ્કરધામ મંદિર પાસે આવેલા શિવાલીક-1 કોમ્પલેક્ષમાં પહેલા માળે આવેલા એચ.એમ આંગડીયાની ઓફિસમાં તપાસ માટે ગયેલા જીએસઅટી અધિકારી અને ઇન્સ્પકેટર પર હુમલો કરાયો હતો.આટલું જ નહીં આગડિયા પેઢીનો સંચાલક અને તેનો કર્મી અહીંથી મહત્વનું સાહિત્ય લઇ નાસી ગયા હતાં.આ અંગે જીએસટી અધિકારીની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે બંને સામે ફરજમાં રૂકાવટ અને મારમારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.જીએસટી અધિકારી પર હુમલો કરતા અહીં આંગડિયા પેઢીમાં મોટાપાયે ગોલમાલ ચાલતી હોવાની શંકા સેવાઇ રહી છે ત્યારે બા બાબતે જીએસટીની ટીમ પણ હવે ઉંડાણપૂર્વક તપાસ ચલાવશે.

જાણવા મળતી વિગતો મુજબ,જુનાગઢમાં ઝાંઝરડા રોડ પર રહેતા રાજય વેરા અધિકારી સમીરભાઈ મહેન્દ્રભાઈ જયસ્વાલ(ઉ.વ 35) દ્વારા આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એમ.એચ.આંગડિયા પેઢીના સંચાલક મયુરસિંહ ગોહિલ અને તેના કર્મી તજસ સોલંકીના નામ આપ્યા છે. અધિકારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,નાયબ રાજયવેરા કમિશનરની કચેરી અન્વેષણ વિભાગ-2 અમદાવાદ ખાતે રાજયવેરા અધિકારી-1 શામળાજી મોબાઇલ સ્કોડમાં છેલ્લા એક વર્ષથી ફરજ બજાવેલ અને હાલ નાયબ રાજયવેરા કમિશનરની કચેરી અન્વેષણ વિભાગ બહુમાળી ભવન જુનાગઢ ખાતે છેલ્લા પંદર દિવસથી ફરજ બજાવે છે.
ગઇકાલે સંયુકત રાજય વેરા કમિશનરની કચેરી તરફથી રાજકોટ સ્થિતિ એચ.એમ.આંગડિયામાં તપાસની કામગીરી સોંપવામાં આવી હતી.જેથી ફરિયાદી તથા જીએસટી ઇન્સ્પેકટર (નિરીક્ષક) કેવલભાઈ દિલીપભાઈ ટાંક (ઉ.વ.29 રહે.ટીંબાવાડી જૂનાગઢ )સાથે રાજકોટમાં પુષ્કરધામ મંદિરની બાજુમાં શિવાલિક-1 કોમ્પલેકસમાં પહેલા માળે આવેલી એચ.એમ.આંગડિયા પેઢીની ઓફિસમાં તપાસ માટે આવ્યા હતાં.

અહીં આવ્યા બાદ અહીં તેજસ બેઠો હોય તેને ઓળખ આપી પુછપરછ કરતા પોતે એક માસથી જ નોકરી કરતો હોવાનું અને આંગડિયા પેઢીના વ્યવહારને લગતી વધુ માહિતી સંચાલક મયુરસિંહને હોવાનું કહી ફોન કરી બોલાવ્યો હતો.અંદાજિત પોણો કલાક બાદ મયુરસિંહે ત્યાં આવતા તેણે ઉશ્કેરાઈ બુમો પાડી તમે કયા અધિકારથી મારા ધંધાના સ્થળે આવેલા છો,તમને મારા ધંધાના સ્થળે આવવાનો અધીકાર કોણે આપ્યો? કહી ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. તેમજ સમીરભાઈ સાથે મારામારી કરવા લાગતા સાથે આવેલા કેવલભાઈ વચ્ચે પડતા તેને પણ ધકકો મારી પછાડી દીધા હતા.
આ સમયે આરોપી તેજસ તેને ગાળો આપતો હતો. બાદમાં મયુરસિંહ તેજસને સી.સી.ટીવી. બંધ કરી દો, અંદરથી ધોકા કાઢો આ લોકો અહીંથી બહાર ન જવા જોઈએ. કહી બંને પોતાનું ધંધાકીય સાહિત્ય લઈ ત્યાંથી ભાગી ગયા હતા.આ અંગે ઉપરી અધીકારીઓને જાણ કરી હતી.આ બનાવમાં અધિકારી અને ઇન્સ્પેકટર બંનેને સામાન્ય ઇજા પહોંચી હતી.આ અંગે જીએસટી અધિકારીન ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે બંને આરોપીઓ સામે આઇપીસીની કલમ 323,353,504,114 મુજબ ગુનો નોંધ્યો હતો.જીએસટી અધિકારી પર હુમલો કરનાર આ બંને આરોપીઓ ઝડપી લેવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.આર.ભરવાડ ચલાવી રહ્યા છે.


આંગડિયા પેઢી સીલ કરાઈ

ગઈકાલે તપાસ અર્થે ગયેલી જીએસટીની ટીમના અધિકારી અને ઇન્સ્પેક્ટર પર થયેલા હુમલાના પ્રકરણમાં પુષ્કર ધામ રોડ પર આવેલી આંગડીયા પેઢીને અંતે સીલ કરી દેવામાં આવી છે. જીએસટીની પ્રિવેંશન વિંગમાં અધિકારી તરીકે ફરજ બજાવતા સમીર જયસ્વાલ અને ઇન્સ્પેક્ટર કેવલ ટાંક શિવાલિક કોમ્પ્લેક્સમાં એચ.એમ. આંગડિયા પેઢીમાં તપાસ માટે ગયા હતા તે દરમિયાન આ પેઢીના સંચાલક મયુરસિંહ ગોહિલ ને બોલાવીને રોફ જમાવ્યો હતો અને જીએસટી ની ટીમને ધક્કો મારી ધમકી પણ આપી હોવાની ફરિયાદ થઈ છે આ તપાસ દરમિયાન આ ઘટના બનતા તપાસ અટકી પડી છે અને જીએસટીની ટીમે આંગડિયા પેઢીને સીલ કરી દીધી છે.


બોગસ બિલિંગને કારણે તપાસ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલિંગ કૌભાંડ પગલે હાલમાં રાજ્યભરમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં રાજકોટની આ આંગડિયા પેઢી સુધી તપાસ પહોંચી હોવાનું સૂત્રો કહે છે. હજુ તો સીજીએસટી વિભાગની પ્રિવેન્શન વિંગ તપાસ શરૂ કરે તે પહેલા જ આ બનાવ બન્યો એના લીધે તપાસ હાલ પૂરતી અટકી ગઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદથી આ પેઢી પર તપાસ કરવા માટેનો ઓર્ડર આવ્યો હતો. જીએસટી અધિકારી તપાસ શરૂ કરે તે પહેલા જ આંગડિયા પેઢીના સંચાલક અને તેના નાગરિકો દ્વારા જીએસટીની ટીમ પર હુમલો થતા આ બનાવના જીએસટી વિભાગના કર્મચારીઓમાં ઘેરા પડઘા પડ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application