પાકિસ્તાનીઓ સામે ગુજરાત સરકાર એક્શન મોડમાં, તાત્કાલિક રાજ્ય છોડવા આપ્યો આદેશ

  • April 25, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. ભારત જ નહીં પણ દુનિયાના દેશો પણ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. આ હુમલામાં 26 લોકોના મોત થયા હતા જેમાં 3 ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. આ હુમલાની જવાબી કાર્યવાહીમાં ભારતે પાકિસ્તાનના નાગરિકોના વિઝા રદ કરી 48 કલાકમાં દેશ છોડવાનો આદેશ કર્યો હતો. જેને લઈને ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને ગુજરાતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.


હિન્દુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે 

મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી આવેલા નાગરિકોને તાત્કાલિક ધોરણે પરત મોકલવા તમામ જિલ્લાઓના કલેક્ટર અને એસપીને સૂચના આપી દીધી છે. પાકિસ્તાની નાગરિકો પાકિસ્તાન મોકલવાની ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ છે. જ્યારે જે હિન્દુ શરણાર્થીઓ પાકિસ્તાનથી આવ્યા છે તેમની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે.


ભારતે ગુરુવારે જી-20 દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી

પહેલગામમાં આતંકી હુમલા પછી ભારતે પાકિસ્તાનને આકરો સંદેશો આપતા બુધવારે સાર્ક વિઝા હેઠળ આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કર્યો હતો. ભારત સરકારે હવે ગુરુવારે પાકિસ્તાની નાગરિકોના મેડિકલ સહિત તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે અને તેમને 29 એપ્રિલ સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. બીજીબાજુ પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરતા ભારતે ગુરુવારે જી-20 દેશોના રાજદૂતોની બેઠક બોલાવી હતી અને પહેલગામ આતંકી હુમલા અંગે વિસ્તારથી માહિતી આપી હતી.


પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા ચોખ્ખી ના પાડી

કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાં રહેતાં અને પ્રવાસે ગયેલા ભારતીયોને તુરંત જ સ્વદેશ પરત ફરવા સલાહ આપવામાં આવી છે. સરકારનું આ પગલું જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યું છે. આ હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતના ત્રણ અને બે વિદેશી સામેલ છે. આ ક્રૂર આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર પાકિસ્તાનનો બહિષ્કાર કરતાં વિવિધ પ્રતિબંધો મૂકી રહી છે. વિદેશી બાબતોના મંત્રાલયે ભારતીયોને પાકિસ્તાનનો પ્રવાસ ન કરવા ચોખ્ખી ના પાડી છે.

બેઠકમાં અટારી-વાઘા બોર્ડર પણ તાત્કાલિક ધોરણે બંધ કરવાની જાહેરાત થઈ હતી. જે લોકો કાયદેસર વિઝા સાથે પાકિસ્તાન ગયા છે, તે તમામ ભારતીયો 1 મે પહેલાં આ માર્ગે પરત ફરી શકે છે. આજે સવારે અનેક પાકિસ્તાની પરિવાર અટારી-વાઘા બોર્ડરથી સ્વદેશ પરત ફરવા અમૃતસર સ્થિત આઈસીપી પહોંચ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application