સમગ્ર દેશમાં ૪૦% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે :મેરિટાઇમ સેક્ટરમાં ગુજરાતની સિદ્ધિઓની પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

  • March 03, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 •    સમગ્ર દેશમાં ૪૦% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે.
•    અલંગની શિપ રિસાયક્લિંગ કેપેસિટી ૪.૫ મિલિયન એલ.ડી.ટી.થી ૯ મિલિયન એલ.ડી.ટી. સુધી લઈ જવાશે
•    ગુજરાત રાજ્ય દ્વારા વિશ્વસ્તરીય મેરિટાઇમ ક્લસ્ટરનું નિર્માણ કરાઇ રહ્યું છે
•    ગુજરાત મેરિટાઇમ બોર્ડે ૮૦ હજાર કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન્સ મેળવ્યા
•    સમગ્ર મેરિટાઇમ સેક્ટરમાં ૧.૫૦ લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન્સ 
•    કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં ૬ બંદર વિકાસ પ્રોજેક્ટ કાર્યરત 
•    મેરિટાઇમ યુનિવર્સિટી દ્વારા ગુજરાત મેરિટાઇમ ક્ષેત્રે માનવ સંસાધન બળ પૂરું પાડવા સજ્જ 
 


મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે, ૧૬૦૦ કિલોમીટર લાંબો વ્યૂહાત્મક સમુદ્ર કિનારો ધરાવતું ગુજરાત સમગ્ર દેશના ૪૦ ટકાથી વધુ કાર્ગો હેન્ડલિંગથી ગેટવે ઓફ ઇન્ડિયા બન્યું છે અને વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં દેશના અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે. નવી દિલ્હીમાં યોજાઈ રહેલી ‘મેરિટાઇમ ઇન્ડિયા સમિટ-૨૦૨૧’ના પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદી દ્વારા થયેલ વર્ચ્યુઅલ પ્રારંભ અવસરે ગુજરાતના મેરિટાઇમ સેક્ટરની સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ સંબોધનથી કરી હતી.

 


ભારત સરકારના પોર્ટસ શિપિંગ એન્ડ વોટરવેઝ પ્રભાગના કેન્દ્રીય મંત્રી   મનસુખભાઈ માંડવીયા, પેટ્રોલીયમ મંત્રી   ધર્મેન્દ્ર પ્રધાન તેમજ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી   જગનમોહન રેડ્ડી, ડેનમાર્કના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર  યુત બેની એંગલ બ્રિસ્ટ, ડી.પી. વર્લ્ડના ગ્રુપ ચેરમેન  યુત સુલતાન અહેમદ બિન સુલેયમાન, તેમજ મેરિટાઇમ, શીપીંગ અને પોર્ટસ સેક્ટરના તજજ્ઞ, અગ્રણી સંચાલકો આ ત્રિદિવસીય સમિટના ઉદ્ઘાટનમાં સહભાગી થયા હતા.

 


ભારત સરકારના શિપિંગ પોર્ટ્સ મંત્રાલય દ્વારા આયોજિત આ સમિટમાં ૮ રાષ્ટ્રોના મંત્રી ઓ  ૫૦ ગ્લોબલ સી.ઈ.ઓ અને ૨૪ રાષ્ટ્રના સ્પીકર્સ-વક્તાઓ ભાગ લેવાના છે
મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ આ સમિટના ઉદ્ઘાટન સત્ર દરમિયાન વિડીયો સંબોધન કરતા કહ્યું કે, સૌના સહિયારા પ્રયાસોથી મેરિટાઇમ સેકટરને વૈશ્વિક અર્થતંત્ર સાથે જોડવા અને આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરવા આ સમિટનું આયોજન ઉપયુક્ત બનશે.

 


તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ભારતના મેરિટાઇમ સેક્ટરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા માટે સક્ષમ બનાવવા વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં અનેક પહેલ કરી છે જેના સુખદ પરિણામો મળ્યા છે. મુખ્યમંત્રી એ જણાવ્યું કે, ભૂતકાળમાં ભારત સોનાની ચીડીયા કહેવાતું હતું. ભારતના મેરિટાઇમ સેક્ટરનું દેશની ભવ્યતા પાછળ મોટું યોગદાન હતું. ગુજરાતનું લોથલ એ ભારતનું પ્રાચિનતમ સમુદ્રી બંદર છે.  લોથલ, ઘોઘા, ભરૂચ અને સુરત વર્ષો પહેલા ગુજરાતના મુખ્ય સમુદ્રી બંદર હતા જેના થકી  લંકા, જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા અને મધ્યપૂર્વના દેશો સાથે તેજાના, મસાલા, લાકડું અને અન્ય ઘણા ઉત્પાદનો માટે વેપાર થતો હતો. મેરિટાઇમ સેક્ટરનો ૫૦૦૦ વર્ષ જુનો આ વારસો અમારા માટે પ્રેરણારૂપ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે ઉમેર્યું કે,  ગુજરાત પાસે ભારતનો સૌથી લાંબો દરિયાકાંઠો છે.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ ગુજરાતને મળેલી આ કુદરતી ભેટ સમા દરિયાકાંઠાના વિકાસથી રાજ્યના પોર્ટ લેડ ડેવલોપમેન્ટની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી આપી હતી. આજે ગુજરાતની આ ભૌગોલિક સ્થિતિનો ફાયદો જનકલ્યાણ માટે ઉઠાવવાની દિશામાં કાર્ય કરી રહ્યા છીએ.

 


મુખ્યમંત્રી એ ગુજરાતના મેરિટાઇમ સેક્ટરને નવી ઊંચાઈએ લઈ જવા માટે વડાપ્રધાન નો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેમની દૂરદર્શિતાને કારણે જ ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીની સ્થાપના થઇ છે. રાજ્યના યુવાનો મેરિટાઇમ યુનિવર્સિટી થકી વ્યાવસાયિક જ્ઞાન મેળવી રહ્યા છે. ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટીએ નેધરલેન્ડની એસ.ટી.સી. ઇન્ટરનેશનલ ઇરાસ્મસ યુનિવર્સિટી અને ડેનમાર્કની કોપનહેગન બિઝનેસ સ્કૂલ સાથે સ્ટ્રેટિજીક પાર્ટનરશિપ કરી છે. ગુજરાત મેરિટાઇમ ક્ષેત્રે કુશળ માનવ સંસાધન પુરૂ પાડવા આ મેરિટાઇમ યુનિવર્સિટીથી સજ્જ છે એમ તેમણે ઉમેર્યું હતું.   

 

મુખ્યમંત્રી એ ગુજરાતમાં અલંગ શિપ રિસાઈકલિંગ યાર્ડ દેશની કુલ રિસાયક્લિંગ એક્ટિવિટીમાં ૯૮ ટકા હિસ્સો ધરાવતું અગ્રેસર યાર્ડ છે તેનું ગૌરવ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે અલંગની શિપ રિસાયક્લિંગ કેપેસિટી ૪.૫ મિલિયન એલ.ડી.ટી.થી ૯ મિલિયન એલ.ડી.ટી. સુધી લઈ જવાશે. એટલું જ નહીં ગુજરાતમાં વિશ્વસ્તરીય મેરિટાઇમ ક્લસ્ટરનું નિર્માણ થઇ રહ્યું છે તેનો લાભ પણ રાજ્યમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વૃદ્ધિ સાથે એક જ સ્થળે મેરિટાઇમ સેવાઓ પૂરી પાડવામાં મળી રહેશે.
મુખ્યમંત્રી એ જણાવ્યું કે ગુજરાતમાં ૪૮ નોન મેજર અને ૧ મેજર પોર્ટ પરથી કાર્ગો હેન્ડલિંગ થાય છે.
 

 

રાજ્ય સરકારના સાહસ ગુજરાત મેરિટાઇમ બોર્ડે ૮૦ હજાર કરોડથી વધુના ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન્સ મેળવ્યા છે. પંડિત દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ સાથે સમગ્રતયા મેરિટાઇમ બોર્ડે ૧.૫૦ લાખ કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઈન્ટેન્શન્સ મેળવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું. વિજયભાઈ રૂપાણીએ ભાવનગરમાં રૂ. ૧૯૦૦ કરોડના રોકાણ સાથે વિશ્વનું સૌપ્રથમ સી.એન.જી. ટર્મિનલ બનવા જઈ રહ્યું છે તેનો ઉલ્લેખ કરતાં કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ અન્વયે રાજ્યના ૬ બંદરના વિકાસકાર્યો ચાલી રહ્યા છે તેની પણ ભૂમિકા આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS