ગુજરાત એટીએસે કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર શંકાસ્પદની ધરપકડ

  • May 24, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
પાકિસ્તાન માટે જાસૂસીના આરોપમાં ગુજરાત એટીએસે નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કર્યા બાદ કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે. તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર (કોન્ટ્રાક્ટ) પર કામ કરતો હતો.


પોલીસને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને બીએસએફ અને ભારતીય નેવીની કેટલીક સિક્રેટ ઇન્ફોર્મેશન શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા થતાં તેને 1 મેના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ બોલાવ્યો હતો.


વર્ષ 2023ના જૂન-જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને બીએસએફની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા.


સહદેવે પોતાના આધારકાર્ડથી એક સીમ કાર્ડ લઈ, તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરી ઓટીપી દ્વારા અદિતિને આપ્યું હતું. તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો. સહદેવે ત્રણ-ચાર વીડિયો અને ફોટો શેર કર્યા હતા, કેટલાક ડિલીટ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસૂસીનું આ કામ શરૂ કર્યું હતું. આ કામ માટે તેને એક વખત 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે. હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે.


પીએમ મોદીની ગુજરાત મુલાકાતના 2 દિવસ પહેલા જ કચ્છથી પાકિસ્તાન માટે જાસૂસી કરનાર ઝડપાયો છે. પીએમ મોદી પોતાના 2 દિવસના કાર્યક્રમ દરમિયાન કચ્છમાં પણ વિવિધ જગ્યાએ જવાના છે. જેમાં સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પહેલાં 26મી તારીખે માતાના મઢ, ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લેવાના હતા. તથા 27મીએ ભુજના મિરઝાપુર રોડ પર જાહેરસભાને સંબોધિત કરવાના હતા. પરંતુ બાદમાં પીએમનો ઓફિશિયલ કાર્યક્રમ આવ્યો તેમાં પીએમ બપોરે 2 વાગ્યે ભુજમાં રોડ શો અને જાહેર સભા સંબોધન કરવાના છે. તથા માતાના મઢ જશે નહીં અને માતાના મઢના 33 કરોડના વિકાસ કાર્યોનું ભુજથી જ ઈ-લોકાર્પણ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application