BREAKING NEWS

જામનગર : મગફળીના ટેકાના ભાવ યથાવત, માવઠાના મારથી બેહાલ ખેડૂતોની મશ્કરી..!

  • November 06, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહીત રાજયભરમાં કમોસમી વરસાદથી મગફળી સહીતના પાકનો સોથ વળી જતા ન ભરી શકાય તેવી આર્થિક પાયમાલીથી ખેડૂતોમાં પ્રચંડ આક્રોશ સાથે ભારે દેકારો બોલી ગયો છે. ત્યારે ખેડૂતોનો રોષ ઠારવા રાજય સરકારે બુધવારે સાંજે ટેકાના ભાવે મગફળી, સોયાબીન, અડદ અને મગની ખરીદીનો નિર્ણય કર્યો છે. પરંતુ મગફળીના ટેકાના ભાવમાં કોઇ વધારો ન કરી માવઠાના મારથી બેહાલ ખેડૂતોમાં દેકારો બોલી ગયો છે. બીજી બાજુ જામનગર અને દ્રારકા જિલ્લમાં ટેકાના ભાવે વેંચાણ માટે નોંધણી કરાવનાર ઘણા ખેડૂતોની પલળેલી મગફળીની ખરીદી થશે કે રીજેકટ થશે તે સો મણનો સવાલ છે. 


જામનગર સહીત રાજયભરમાં મોન્થા વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનના પગલે કમોસમી વરસાદના કહેરથી ખેતરોમાં રાખેલા અને ઉભા મગફળી અને કપાસ સહીતના પાકનો સોથ બોલી ગયો છે. આથી ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ કપરી સ્થિતિમાં રાજય સરકારે દિવાળી તહેવાર બાદ લાભપાંચમ પછી પણ મગફળી અને અન્ય ૩ પાકની ટેકાના ભાવે ખરીદી શરૂ ન કરતા દાઝયા પર ડામની સ્થિતિથી ખેડૂતોમાં ઉહાપોહ મચી ગયો હતો. આટલું જ નહીં રાહત પેકેજ પણ જાહેર કરવામાં ન આવતા ખેડૂતોમાં ઉગ્ર રોષની લાગણી ફેલાઇ છે. આથી ખેડૂતોનો રોષ ઠારવા રાજય સરકાર દ્રારા બુધવારે સાંજે ૯ નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી, અડદ, સોયાબીન અને મગની ખરીદી કરવાની જાહેરાત કરી છે. પરંતુ મગફળીના ટેકાના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવાઇની વાત એ છે કે, ગત વર્ષની સરખામણીએ મગફળીના ટેકાના ભાવમાં પ્રતિ કવીન્ટલ રૂ.૪૮૦ વધારો કરાયો છે. પરંતુ જામનગર અને દેવભૂમિ દ્રારકા તેમજ રાજયના અન્ય જિલ્લામાં મુખ્ય પાક મગફળી હોવા છતાં ટેકાના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. 


કારણ કે, રાજય સરકાર દ્રારા રૂ.૭૨૬૦ કવીન્ટલ દીઠ મગફળીનો ટેકાનો ભાવ  જાહેર કરાયો છે. ૧ કવીન્ટલ એટલે ૧૦૦ કીલો થાય. આથી ૧ કીલો મગફળીનો ભાવ રૂ.૭૨.૬૦ થાય. જયારે માવઠા પહેલા એટલે કે મગફળીની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત ટાંકણે આ જ ભાવ જાહેર કરાયા હતાં. આ ભાવ પ્રમાણે ૨૦ કીલો મગફળીના ટેકાના ભાવ રૂ.૧૪૫૦ જાહેર કરાયા હતાં. ૨૦ કીલો મગફળીના આ ભાવ પ્રમાણે ૧ કીલો મગફળીના રૂ.૭૨.૬૦ ભાવ થાય. આમ કમોસમી વરસાદથી મગફળીના પાકને પારવાર નુકસાની બાદ પણ ટેકાના ભાવમાં કોઇ ફેરફાર કરાયો નથી. આથી ઉંધા ચશ્મા પહેરાવી મશ્કરી કરવામાં આવી હોવાની ફરિયાદો ખેડૂતોમાં ઉઠી છે. આટલું જ નહીં સૌથી મહત્વની બાબત તો એ છે કે, જામનગર અને દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ટેકાન ભાવે નોંધણી કરાવનાર ઘણા ખેડૂતોની મગફળી પલળી ગઇ છે તો તૈયાર મગફળીમાં ભેજ સહીતની સમસ્યા સર્જાઇ છે ત્યારે ટેકાના ભાવે ખરીદીમાં આ મગફળીની ખરીદી થશે કે રીજેકટ થશે તે સો મણનો સવાલ છે.


ગત વર્ષે પ્રતિ ખેડૂત ૨૦૦ મણ મગફળીની ખરીદી, ચાલુ વર્ષે ૧૨૫ મણ, આ તે કેવો નિર્ણય?
રાજય સરકાર દ્રારા ગત વર્ષે જામનગર સહીત રાજયભરમાં પ્રત્યેક ખેડૂત દીઠ ૨૦૦ મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. જયારે ચાલુ વર્ષે મગફળીનું મબલખ વાવેતર અને ઉત્પાદન થયું છે. પરંતુ માવઠાના મારના કારણે મગફળીના પાકને પારવાર નુકસાન થયું છે. ત્યારે રાજય સરકાર દ્રારા પ્રત્યેક ખેડૂત દીઠ ૧૨૫ મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનું જાહેર કરાયું છે. મબલખ ઉત્પાદન બાદ માવઠાના મારથી ખેડૂતોને સહારો આપી ગતવર્ષ કરતા વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદીના બદલે પ્રત્યેક ખેડૂત દીઠ ૭૫ મણ ઓછી મગફળી ખરીદી કરવાનો રાજય સરકારનો આ તે કેવો નિર્ણય છે કે પછી સરકાર હાથ ખંખેરવામાં માંગે છે તે સવાલ ખેડૂતોમાં ઉઠ્યો છે. ​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application