જય જલીયાણના નાદ સાથે જામનગર સહિત હાલારમાં જલારામ જયંતિની ભવ્ય ઉજવણી

  • November 08, 2024 10:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા, ખંભાળીયા, સલાયા, ભાણવડ સહિતના ગામોમાં મહાઆરતી, ઘ્વજારોહણ, જ્ઞાતિ ભોજન, શોભાયાત્રાનું આયોજન: જામનગરમાં એમ.પી.શાહ કોલેજના મેદાનમાં જ્ઞાતિ ભોજન અને થેલેસેમીયા પરીક્ષણ કેમ્પ: હાપા અને સાધના કોલોનીમાં આવેલા જલારામ મંદિરમાં સાંજે મહાઆરતી


જલારામ બાપાની 225મી જન્મજયંતિની આજે જામનગર સહિત સમગ્ર હાલારમાં હરખભેર ઉજવણી થઇ રહી છે, ઠેર-ઠેર જ્ઞાતિભોજન, ઘ્વજારોહણ, મહાઆરતી, થેલેસેમીયા કેમ્પ, શોભાયાત્રા, અન્નકુટ દર્શન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે, હાપા અને સાધનાકોલોનીમાં આવેલા જલારામ મંદિરમાં સાંજે મહાઆરતીના કાર્યક્રમ યોજાયા હતાં જયારે જામનગરમાં એમ.પી.શાહ કોલેજના મેદાનમાં ઉભા કરાયેલા જલારામનગરના સમીયાણામાં સવારે 11 વાગ્‌યે સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનો ભોજન સમારંભ અને ત્યારબાદ લોહાણા જ્ઞાતિના સમુહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, જલાબાપાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઇ રહી છે.


જામનગરમાં જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ આજે સવારે 7:30 વાગ્યે લીમડા લાઇનમાં આવેલા પાંજરાપોળમાં ગૌ માતાને લાડુ અને ઘાસચારો ધરવામાં આવ્‌યા હતાં અને ત્યારબાદ 11 વાગ્યા આસપાસ એમ.પી.શાહ કોમર્સ કોલેજના મેદાનમાં સમુહ ભોજનનું આયોજન કરાયું હતું. જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક અને અખિલ ગુજરાત લોહાણા પરીષદના પ્રમુખ જીતુભાઇ લાલ સહિતના અગ્રણીઓએ નવી બનેલી ટીમનો ઉત્સાહ વધાર્યો હતો, હાપામાં આવેલ જલારામ મંદિરમાં સાંજે મહાઆરતી તેમજ સાધનાકોલોનીમાં આવેલ રઘુવીર યુવક મંડળ સંચાલીત જલારામ મંદિરમાં સાંજે 6 વાગ્‌યે અન્નકુટ દર્શન અને ત્યારબાદ જલારામ ભકતો માટે સમુહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 11:30 વાગ્યે નૂતન ઘ્વજારોહણ કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત લોહાણા જ્ઞાતિજનો માટે સમુહ ભોજનના સ્થળે ખાસ ઇ-કેવાયસી કેમ્પ અને થેલેસેમીયા પરીક્ષણ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ ડો.દિપક ભગદે અને તેમની ટીમ તથા ડોકટરોએ સેવા આપી હતી, લોહાણા મહાજન વાડીએ સારસ્વત મહાસ્થાન, સમસ્ત બ્રહ્મસમાજ, રાજગોર સમાજ, સાધુ સમાજ તેમજ સમસ્ત હિન્દુ સમાજના સમુહ ભોજનનું આયોજન કરાયું હતું જયારે દ્વારકામાં જલારામ મંદિરે આજે સવારે 8 વાગ્યે અભિષેક પુજા, સવારે 9 વાગ્યે નૂતન ઘ્વજા રોહણ, બપોરે 12 વાગ્‌યે બ્રહ્મ ભોજનના કાર્યક્રમ યોજાયા હતાં, સાંજે 4 થી 7 અન્નકુટ દર્શન અને બપોર બાદ ઘ્વજાજીનું પુજન કરાશે, સાંજે 5 વાગ્યે લોહાણા મહાજન વાડીથી શોભાયાત્રા નિકળશે જે દ્વારકાના વિવિધ રાજમાર્ગો ઉપર ફરીને ફરીથી મહાજન વાડીએ આવશે અને ત્યારબાદ સાંજે 7 થી 10 સમસ્ત લોહાણા સમાજ માટે સમુહ ભોજનના કાર્યક્રમ યોજાયા છે.


સલાયામાં પણ ઘ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા છે, ખંભાળીયા જલારામમયી બની ગયું છે, રઘુવંશીઓ માટે થેલેસેમીયા કેમ્પનું આયોજન કરાયું છે, દર વર્ષની જેમ સાંજે 4 વાગ્યે જોધપુર ગેઇટ વિસ્તારમાં આવેલા જલારામ મંદિરથી વિશાળ શોભાયાત્રા નિકળશે જે જુદા-જુદા રાજમાર્ગો ઉપર ફરી નવી લોહાણા મહાજન વાડી ખાતે પહોંચશે. સવારે 8 વાગ્‌યે જલારામ મંદિર ખાતે આરતી, 9:30 વાગ્યે અન્નકુટ દર્શન અને ઘ્વજા રોહણના કાર્યક્રમો યોજાયા હતાં, જયારે આજે સાંજે 6:30 થી 8:30 દરમ્યાન સમુહ ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો છે. બારાડી બેરાજા ખાતે આવેલા જલારામ મંદિરમાં આજે સવારે 10:30 વાગ્યે શોભાયાત્રા નિકળી હતી, ત્યારબાદ 11:30 વાગ્યે નૂતન ઘ્વજારોહણ, 12 વાગ્યે બટુક ભોજન અને 1 વાગ્યે મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતાં. ભરાણાના મંદિરમાં પણ ઘ્વજારોહણ અને સમુહ ભોજન, સલાયામાં જલારામ મંદિરમાં બપોરે 12 વાગ્‌યે નૂતન ઘ્વજારોહણ અને ત્‌યારબાદ 1 વાગ્યે સમુહભોજનના કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં ભકતોએ ભાગ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News