કોલેજોમાં પ્રવેશ માટે સરકાર 1838 ફ્રી ફોર્મ ફિલિંગ- વેરિફિકેશન સેન્ટર શરૂ કરશે

  • April 10, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચાલુ શૈક્ષણીક સત્રથી ગુજરાતભરની તમામ 11 સરકારી કોલેજોમાં ગુજરાત કોમન એડમિશન સિસ્ટમ (જીકાસ) મારફત રજીસ્ટ્રેશન અને એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમાં અનેક પ્રશ્નો ઊભા થયા હતા. ચાલુ શૈક્ષણિક સત્રમાં મોટાભાગની કોલેજોમાં હજારોની સંખ્યામાં સીટ ખાલી રહી છે. આગામી 2025- 26ના નવા શૈક્ષણિક સત્રમાં આવું ન બને તે માટે સરકાર અને તેમાં પણ ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ વિભાગ જાગૃત બની ગયો છે.

જીકાસ પોર્ટલને વધુ સક્ષમ અને મજબૂત કેવી રીતે બનાવી શકાય ?તે માટે કોલેજોના શિક્ષકો યુનિવર્સિટીના અધ્યાપકો કુલપતિઓ અને વિદ્યાર્થીઓ તથા વાલીઓ પાસેથી સૂચનો મેળવ્યા પછી સરકારે આ દિશામાં ઝડપભેર અમલવારી શરૂ કરી છે. અને નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ફ્રી ફોર્મ ફિલિંગ અને વેરિફિકેશન માટે અહીંતહી અથડાવું ન પડે તે માટે સરકારે 1838 સેન્ટરો શરૂ કરવા માટેની જાહેરાત કરી છે. 1796 વેરિફિકેશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે રાજ્યભરની સરકારી યુનિવર્સિટીના કુલપતિઓ અને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી અને તેમાં 12 થી 14 જેટલા માપદંડો અને એડમિશન પોર્ટલ સંલગ્ન કામગીરીનો રિવ્યુ કરી આ અંગેની તમામ કામગીરી 15 એપ્રિલ સુધીમાં પૂરી કરવા માટે સૂચના આપી છે. પોર્ટલ મારફતે એડમિશનમાં મુશ્કેલીઓ નિવારવા માટે રાજ્ય કક્ષાએ અને યુનિવર્સિટી સ્તરે હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવનાર છે.

ચાલુ શૈક્ષણિક વર્ષે પોર્ટલ મારફત અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં માત્ર 4.55 લાખ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા હતા. બોર્ડની પરીક્ષામાં પાસ થયેલા અને ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં આ આંકડાકીય માહિતી ઘણી ઓછી છે અને ભવિષ્યમાં આવું ન બને તે માટે આ સમગ્ર વ્યવસ્થા ને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે.

ચાલુ શૈક્ષણિક સત્રમાં એડમિશનની પ્રક્રિયા અન્ય ખાનગી યુનિવર્સિટીઓની સરખામણીએ ઘણી મોડી શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે બોર્ડનું પરિણામ જાહેર થતાંની સાથે તુરંત જ જીકાસ મારફત એડમિશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application