સોનું સસ્તું થતા રક્ષાબંધન, ધનતેરસ, દિવાળી અને લગ્નની સિઝન માટે અત્યારથી બુકિંગ શરુ

  • July 25, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી ગ્રાહકો લગ્નની સિઝન પહેલા જ ઝવેરાતની દુકાનો પર ઉમટી પડ્યા છે. બજેટના દિવસથી સોના-ચાંદીની ખરીદીમાં વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવ 74,000 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ ગ્રાહકોએ ખરીદી કરવાનું ટાળવાનું શરૂ કર્યું હતું, પરંતુ ડ્યૂટી ઘટાડા પછી, વિશ્વના બીજા સૌથી મોટા બુલિયન બજાર, ઝવેરી બજારમાં દૈનિક માંગમાં હવે 20%નો વધારો થયો છે.


પ્રાપ્ત માહિતી અનુસાર, કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડા પછી દૈનિક માંગમાં 20% વધારો થવાને કારણે જ્વેલરીના વિક્રેતાઓએ કારીગરોની રજાઓ રદ કરી દીધી છે. તેમને આશા છે કે આ તહેવારોની સિઝનમાં પણ માંગમાં આ વધારો ચાલુ રહેશે.


મુંબઈના ઝવેરી બજારના રિટેલ સેલરએ જણાવ્યું હતું કે, માગમાં અચાનક થયેલા વધારાને પહોંચી વળવા અમે અમારા કારીગરોની  રજા આગામી સાત દિવસ માટે રદ કરી છે. તેમણે કહ્યું કે મંગળવારે સોનાની કિંમત 72,609 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી ઘટીને બુધવારે 69,194 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ હતી. બજેટમાં મોદી સરકારે સોનાની આયાત પરની ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી દીધી છે. આ પછી બે દિવસમાં સોનું લગભગ 4000 રૂપિયા સસ્તું થઈ ગયું છે.



સોના-ચાંદીમાં ઘટાડા બાદ હવે જ્વેલરી વેચનાર ગ્રાહકોને મેસેજ મોકલી રહ્યા છે. તેઓ ભાવમાં થતા ફેરફારોથી વાકેફ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છે. રક્ષાબંધનના તહેવાર માટે ઓગસ્ટના બીજા સપ્તાહમાં પ્રથમ મોટી ખરીદી આવવાની સાથે જ્વેલર્સને આ ક્વાર્ટરમાં માંગમાં 20% વૃદ્ધિની અપેક્ષા છે.


રેકોર્ડ ભાવને કારણે જૂન ક્વાર્ટરમાં સોનાની માંગ 15% ઘટી છે. હવે ભાવ ઘટવાને કારણે ગ્રાહકો નવેમ્બર અને ડિસેમ્બરમાં યોજાનાર લગ્નો માટે ભારે જ્વેલરીનો ઓર્ડર આપી રહ્યા છે. કેટલાક લોકો આગામી ધનતેરસ અને દિવાળી માટે ઓર્ડર આપી રહ્યા છે. આ સાથે જ ડ્યૂટીમાં ઘટાડા બાદ જ્વેલર્સ સોના માટે એડવાન્સ બુકિંગ સ્કીમ લઈને આવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application