રહેણાંક-ઔધોગિક ઝોનમાં ૧૯૨ હેકટરમાં બનશે ઘંટેશ્વર ટાઉન પ્લાનિંગ સ્કિમ નં.૪૬

  • May 13, 2025 03:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ શહેરમાં નવા ભળેલા ઘંટેશ્વર, માધાપર, મનહરપુર-૧ (પાર્ટ) સહિતના વિસ્તારો ઉપરાંત જેટ ઝડપે વિકસતા જામનગર રોડ ઉપર રાજકોટના માસ્ટર ડેવલપમેન્ટ પ્લાન-૨૦૩૧માં જ્યાં રહેણાંક અને ઔદ્યોગિક ઝોન સુચવવામાં આવ્યો છે તેવા ઘંટેશ્વર વિસ્તારના વિકાસ માટે નવી ટીપી સ્કિમ નં.૪૬ બનાવવા ઇરાદો જાહેર કરાયો છે. આગામી તા.૨૦ના રોજ રાજકોટ મહાનગરપાલિકામાં મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં આ અંગેની દરખાસ્ત રજૂ થશે.

રાજકોટ શહેરના વિકસતા વિસ્તારને ધ્યાને રાખીને સૈધ્ધાંતિક રીતે રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા ઠરાવ નં.૧૯ તા.૧૯-૭-૨૦૨૨થી મહાપાલિકાની હદમાં સૂચિત નગર રચના યોજનાઓ તૈયાર કરવાનું તેમજ ગુજરાત રાજ્યના મુખ્ય નગર નિયોજકનો પરામર્શ મેળવવાનું ઠરાવવામાં આવ્યું છે, તબક્કાવાર રાજકોટના હદ વિસ્તારમાં કુલ ૬૫ નગર રચના યોજનાઓ તૈયાર કરવામાં આવી છે.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારનો સમાવેશ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તારમાં થાય છે તે ધ્યાને લેતા ધી ગુજરાત ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એકટ-૧૯૭૬ની ધારાકીય જોગવાઈઓ મુજબ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી વિસ્તાર માટે યોજના બનાવવાની સતા ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ને છે, પરંતુ સરકારના હુકમ અને તે અન્વયેના રૂડાના તા.૨૨-૨-૧૯૭૮ના ઠરાવ નં.૩ થી રાજકોટ મહાનગરપાલિકા વિસ્તાર માટે નગર રચના યોજનાઓ બનાવવાની સત્તા મહાનગરપાલિકાને તબદીલ કરાઇ છે.

રાજકોટ શહેરની ઉતરે બાજુની હદ તરફે ઘંટેશ્વર વિસ્તારમાં રાજકોટ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની મંજુર વિકાસ યોજના-૨૦૩૧માં આ વિસ્તારમાં રહેણાક તથા ઓદ્યોગિક ઝોન સૂચવવામાં આવ્યા છે, જે વિકાસશીલ વિસ્તાર હોય ટીપી સ્કિમ નં.૪૬(ઘંટેશ્વર) બનાવવી આવશ્યક છે. તેનું અંદાજીત ક્ષેત્રફળ ૧૯,૨૫,૬૮૬ ચોરસ મીટર (૧૯૨.૫૬ હેક્ટર) થાય છે.

નગર રચના યોજના બનાવવા માટે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ની કલમ-૪૧(૧) મુજબ નગર રચના યોજના બનાવતા પહેલા મુખ્ય નગર નિયોજક, ગુજરાત રાજ્યનો પરામર્શ મેળવવો જરૂરી હોય સૂચિત મુસદારૂપ મગર રચના યોજના નં.૪૬ (ઘંટેશ્વર) બનાવવા માટે મુખ્ય નગર નિયોજકનો પરામર્શ- મંજુરી માંગવામાં આવતા તેમના દ્વારા શરતી પરામર્શ આપવામાં આવ્યો છે.

મુખ્ય નગર નિયોજકનો પરામર્શ મળી ગયેલ હોય નવી સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૪૬(ઘંટેશ્વર) બનાવવા માટે અધિનિયમની કલમ-૪૧ મુજબ જરૂરી ઈરાદો જાહેર કરવા તેમજ તેને આનુસાંગિક અધિનિયમની જોગવાઈ મુજબની જાહેર પ્રસિધ્ધિ તથા સરકારમાં મંજુરી અર્થે સાદર કરવા સુધીની આગળની તમામ કાર્યવાહી કરવા માટે મ્યુ.કમિશનરને અધિકૃત કરવા જરૂરી ઠરાવ અર્થે પ્લાનિંગ કમિટી મારફત સામાન્ય સભામાં દરખાસ્ત રજૂ કરાઇ છે.


ઘંટેશ્વર ટીપી સ્કિમ નં.૪૬ની ચર્તુસીમા

-ઉત્તરે: રૂડાની પ્રપોઝડ ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૭૬/૨ પરા પીપળીયાની હદ આવેલ છે.

-દક્ષિણે: પ્રપોઝડ ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૪૭ ઘંટેશ્વર તથા પ્રપોઝડ ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૪૮ ઘંટેશ્વરની હદ આવેલ છે.

-પૂર્વે: માધાપરની હદ આવેલ છે તથા ડ્રાફ્ટ ટીપી સ્કિમ નં.૩૮/૧ની હદ આવેલ છે.

-પશ્ચિમે: રૂડા વિસ્તારમાં સમાવિષ્ટ પરાપીપળિયા ગામની હદ આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application