સૌરાષ્ટ્રમાં સામાન્ય ઝાપટાં: દક્ષિણ ગુજરાતમાં ચાર ઇંચ સુધીનો વરસાદ

  • October 10, 2024 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અરબી સમુદ્રમાં ઈસ્ટ સેન્ટ્રલ દિશામાં લક્ષદ્વીપ નજીક સર્જાયેલા લો પ્રેસર ની અસરના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં એકાએક જોરદાર પલટો આવ્યો છે. આકાશ વાદળોથી ઘેરાયું છે અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય જાપટાથી ચાર ઇંચ વરસાદ પડ્યો છે.
સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ઉના અમરેલી જિલ્લામાં સાવરકુંડલા અને ભાવનગર જિલ્લામાં ઘોઘા ખાતે સામાન્ય ઝાપટા પડ્યા છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ડાંગ સુરત ભરૂચ નર્મદા વલસાડ નવસારી અને તાપી જિલ્લામાં સામાન્યથી ચાર ઇંચ સુધીનો વરસાદ છે. ડાંગ જિલ્લાના આહવામાં ચાર સુરત જિલ્લાના ઉમરપાડામાં ત્રણ ભરૂચ જિલ્લાના નેત્રંગ અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડમાં એક એક વલસાડ જિલ્લાના વાપીમાં પોણો નવસારી જિલ્લાના ચીખલી અને ગણદેવીમાં અડધો ઈંચ પાણી પડ્યું છે. આજે સવારે છ વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 54 તાલુકામાં વરસાદ પડ્યો છે અને સવારે 6 થી 8 ના પ્રથમ બે કલાકમાં ડાંગ જિલ્લાના વધાઈ સુરત જિલ્લાના મહુવા તાપી જિલ્લાના સોનગઢ અને દાહોદમાં વરસાદ શરૂ થઈ ગયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિ કલાકના 30 થી 40 કીલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ ઉપરાંત નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણમાં પણ તોફાની પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં લક્ષદીપ નજીક લો પ્રેસર સર્જાયું છે અને તે નોંર્થ વેસ્ટ દિશામાં આગળ વધી રહ્યું છે. આગામી ત્રણથી ચાર દિવસમાં તે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થશે.
એક બાજુ વરસાદી માહોલ જોવા મળે છે તો બીજી બાજુ બુધવારે ભુજમાં 40.1 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, જે સતત બીજા દિવસે સમગ્ર દેશમાં સૌથી ઊંચું તાપમાન રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 37 દ્વારકામાં 37.4 જામનગરમાં 38 કંડલામાં 38.3 નલિયામાં 39 પોરબંદરમાં 38 અને રાજકોટમાં 38.3 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application