ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય સભા સંપન્ન: જમ્બો એજન્ડાના તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર

  • June 15, 2021 10:49 AM 

નગરપાલિકાની ભાડાપટ્ટાની જમીન ચાર આસામીઓને વેચાણથી અપાશે

ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીની ત્રીજી સામાન્ય સભા ગઈકાલે સોમવારે સાંજે નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં એજન્ડા મુજબના જ ઠરાવોને રજુ કરાતા આ તમામ ઠરાવ સર્વાનુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા. પ્રમુખ સ્થાનેથી એક પણ ઠરાવ રજૂ કરાયો ન હતો.

28 પૈકી 26 સભ્યો સાથે ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકાની અગાઉ બજેટ બેઠક બાદ ઓન-લાઈન સામાન્ય સભા પછીની આ ત્રીજી જાહેર જનરલ બોર્ડની બેઠક ગઈકાલે સોમવારે સૌપ્રથમ વખત ખંભાળિયા નગરપાલિકાના ગાર્ડનમાં આવેલા યોગ કેન્દ્ર ખાતે સાંજે ચાર વાગ્યે નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જીગ્નેશભાઈ પરમારના અઘ્યક્ષ સ્થાને યોજાઇ હતી. જેમાં કુલ 28 પૈકી 25 સભ્યો હાજર રહ્યા હતા. મહંમદ હનીફ અબુ ભોકલ, રશ્મિબેન ગોકાણી, અને વિજયભાઈ કણજારીયા નામના ભાજપના ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા.

બોર્ડની બેઠકના પ્રારંભે અહીંના પૂર્વ ધારાસભ્ય તથા તત્કાલીન જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઈ ચાવડાના તાજેતરમાં થયેલા દુઃખદ નિધન સંદર્ભે ઉપસ્થિત સભ્યો, કર્મચારીઓ વિગેરે દ્વારા બે મિનિટનું મૌન પાળી તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

જનરલ બોર્ડની બેઠકના એજન્ડામાં રજૂ કરવામાં આવેલા જુદા જુદા 52 મુદ્દાઓ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં શહેરના જુદા-જુદા ચાર આસામીઓને ભાડાપટ્ટાની લગત જમીન વેચાણ આપવા માટેનો ઠરાવ, ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલી ભાડાપટ્ટાની જગ્યાના ચાલુ વર્ષ 2020-2021ના પૈસા વસૂલવા તથા વર્તમાન ભાડામાં વધારો કરવાનું આ બેઠકમાં મંજૂર રાખવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શહેરમાં નવી ટીપી સ્કીમ લાગુ કરવા, શહેર માટે આગવી ઓળખ સમાન રીવરફ્રન્ટ યોજના કે જે સંભવીત રીતે કરોડો રૂપિયાના ખર્ચે થનાર છે તેને ડેવલપ કરવા, શહેરમાં હાલ ખાસ કંઈ હરવા- ફરવાનું સ્થળ નથી તેથી ઘી ડેમ પાસેનો બગીચો લોકભાગીદારીથી રિનોવેટ કરવા, દર વર્ષે ચોમાસામાં જ્યાં મોટા પ્રમાણમાં પાણી ભરાય છે તે ગોવિંદ તળાવના બ્યુટીફીકેશનનો ઠરાવ, શહેર માટે વાહન- મશીનરી વિગેરે જુદી-જુદી ચીજ વસ્તુઓની ખરીદી, અહીંના વર્તમાન ગાર્ડનની જાળવણીનો અગાઉનો કોન્ટ્રાક્ટ હવે નગરપાલિકાને મોંઘો પડતો હોવાથી આ કોન્ટ્રાક્ટ રદ કરવા, જુદા જુદા વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે સીસી રોડ બનાવવા, તથા ગ્રાન્ટના ખર્ચનું આયોજન કરવા સહિતના જુદા જુદા ઠરાવો ઉપર ચીફ ઓફિસર એ.એચ. સિંહાની ઉપસ્થિતિમાં મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આ બેઠકના એજન્ડામાં પાલિકા સદસ્યો દ્વારા સૂચવવામાં આવેલા કામો મંજૂર કરાયા હતા. જ્યારે પ્રમુખ સ્થાનેથી એક પણ ઠરાવ લેવામાં આવ્યો ન હતો. આમ, એકંદરે તોતિંગ વિકાસકાર્યો તથા નવા મુદ્દાઓ સાથેની આ જનરલ બોર્ડ શિસ્તબદ્ધ રીતે અને નવા વરાયેલા તરવરિયા  સભ્યોની ઉપસ્થિતિમાં અપેક્ષા મુજબ એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ ગઈ હતી. જેનું સંચાલન કમિટી ક્લાર્ક રાજુભાઈ વ્યાસે કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS