200 કરોડના ડ્રગ્સ કેસમાં ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઇને નલિયા કોર્ટમાં રજૂ કરાયો

  • April 25, 2023 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પ્રસિદ્ધ ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી તેમજ ડ્રગ્સ-દારૂ-હથિયારોની હેરાફેરી સહિતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલા ખૂંખાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને આજે સઘન સુરક્ષા વચ્ચે નલિયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. એક વર્ષ પહેલાં કચ્છમાંથી 500 કરોડ રૂપિયાની કિંમતનું 39 કિલો હેરોઈન મળી આવ્યું હતું જેને લાવનારા પાંચ જેટલા પાકિસ્તાની શખ્સો પકડાયા હતા તેમની સાથે લોરેન્સ બિશ્નોઈનું કનેક્શન ખુલ્યું હોવાથી એટીએસ દ્વારા તેની પૂછપરછ કરવા માટે નલિયા કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવ્યા છે.




લોરેન્સ બિશ્નોઈ પટિયાલા હાઉસમાં કેદ હતો જ્યાંથી ગુજરાત એટીએસે તેની કસ્ટડી મેળવી છે. તેને દિલ્હીથી અમદાવાદ પ્લેન મારફતે લાવવામાં આવ્યો હતો જ્યારે અમદાવાદથી નલિયા સુધી તેને બાય રોડ લવાયો હતો. નલિયા લાવતી વખતે કોઈ દૂર્ઘટના ન બને કે કોઈ પ્રકારનો હુમલો ન થાય તે માટે એટીએસ એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા છે. એટીએસનો મોટો કાફલો બિશ્નોઈને લઈને નલિયા કોર્ટમાં પહોંચ્યો હતો. નલિયા કોર્ટમાં રજૂ કરાયા બાદ એટીએસ દ્વારા તેના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી.




ઉલ્લેખનીય છે કે, પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત એટીએસની ટ્રાન્ઝીટ રિમાન્ડની અરજી મંજૂર કરતાં કમાન્ડોની ટીમ લોરેન્સને ગુજરાત લાવવા માટે રવાના થઈ હતી. એક સપ્તાહ પહેલાં એનઆઈએએ લોરેન્સ બિશ્નોઈને સાત દિવસના રિમાન્ડ પર મેળવ્યો હતો અને પટિયાલા હાઉસ કોર્ટે આ રિમાન્ડ મંજૂર કર્યા હતા. એનઆઈએએ કોર્ટ પાસેથી આ કેસમાં રિમાન્ડની માંગણી કરી હતી. આ કેસ ગત ડિસેમ્બર મહિનામાં દાખલ કરવામાં આવ્યો હતો.




તે શિવસેના નેતા સંજય રાઉત, વિવાદાસ્પદ અભિનેત્રી રાખી સાવંત સહિતનાને પણ તે ધમકાવી ચૂક્યો છે. હવે એટીએસ દ્વારા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે ત્યારે કોર્ટ તેના કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે તેના પર સમગ્ર ગુજરાતની મીટ મંડાયેલી છે. બીજી બાજુ બિશ્નોઈને નલિયા કોર્ટમાં લાવવામાં આવી રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં જ મોટી સંખ્યામાં કોર્ટ બહાર લોકો એકઠા થઈ ગયા હતા જેને ધ્યાનમાં રાખી સ્થાનિક પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application