BREAKING NEWS

ગોંડલ રોડ પર બોલેરોમાં મહિલાના થેલમાંથી સોનાનો કાઠલો સેરવી લેનાર બેલડી ઝડપાઇ

  • October 14, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોંડલ ચોકડીએથી બીલીયાળા જવા માટે બોલેરોમાં બેઠલા મહિલાની નજર ચૂકવી તેમના થેલામાંથી રૂ.૧ લાખની કિંમતના સોનાનો ભરવાડી કાઠલો સેરવી લેવામાં આવ્યો હતો. આ અંગે ફરિયાદ નોંધાયા બાદ આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી બેલડીને પકડી પાડી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ, પડધરીમાં ભરવાડ વાસ પ્રગટેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતાં મધુબેન રઘુભાઈ બાંભવા (ઉ.વ.૪૦) એ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગઇ તા.૧૨/૦૯ ના તેઓને બીલીયાળા ગામ પીયર પીતાના ઘરે જવાનુ હોય જેથી સવારના સાડા દસેક વાગ્યા આસપાસ તેઓ તેમના નાનો દીકરો વિવેક સાથે પડધરીથી એસટી બસમા બેસી રાજકોટ આવેલ અને રૈયા ચોકડીથી સીટી બસ મારફતે ગોંડલ ચોકડી ગયેલ હતા. ગોંડલ ચોકડીથી બીલીયાળા જવા માટે બપોરના સમયે એક સફેદ રંગની બોલેરો ગાડીમાં બેસેલ, જે બોલેરો ગાડીમા એક ડ્રાઇવર તથા ડ્રાઇવરની બાજુમા અન્ય એક માણસ બેઠો હતો.


દરમિયાન મહિલાની નજર ચૂકવી તેમના થેલામાંથી બોલેરોમાં બેઠેલા શખસે રૂ.૧ લાખની કિંમતનો ભરવાડી કાઠલો કાઢી લીધો હતો. બાદમાં પાર્સલનું બહાનું કહી મહિલાની ઉતારી દીધા હતાં. કાઠલો ચોરી થયાની જાણ થયા બાદ તેમણે આ અંગે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


બનાવને લઇ આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ જે.જી.રાણા અને ટીમે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સીસ અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ પીયુષ ચીરોડીયા, ભરત જોગીયા અને કોન્સ્ટેબલ ગોપાલભાઇ બોળીયાને મળેલ ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા ગામથી આગળ ગુજરાત સી.એન.જી પંપ પાસેથી રાહુલ રમેશ પરમાર (ઉવ.૨૫, રહે. ગામ રાજુલા વાવેરા રોડ વાઘરીવાસ બાપાસીતારામની મઢુલી પાસે, રાજુલા) અને અનીલ રામા સોંલકી (ઉવ.રર, રહે. લાખનો બંગલો જીવંતીકાનગર મેઇન રોડ સમાજની વાડીની બાજુમાં) ને ઝડપી લઇ ગુન્હાના કામે ઉપયોગમાં લીધેલ બોલેરો પીકપ ગાડી તથા ચોરી થયેલ સોનાનો ભરવાડી કાઠલો મળી રૂ.૯.૦૯ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application