ગાંધીનગરઃ વિધાનસભામાં 'અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023' બહુમતીથી કરાયું પસાર

  • February 28, 2023 12:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

Aajkaalteam

ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનો વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામા આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈમ્પેક્ટ ફી સંદર્ભે વધુ 4 માસનો સમય લંબાવવામાં આવ્યો છે. એક ઓક્ટોબર 2022 સુધીના તમામ અનધિકૃત બાંધકામોને નિયમિત કરાશે.


ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા વિધેયક-2023 વિધાનસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા, સત્તામંડળો અને નગરપાલિકાઓ તેમજ પ્રજાજનો દ્વારા સમયમર્યાદા વધારવાની લેખિત-મૌખિક રજૂઆતોના આધારે વિધેયકમાં સુધારો કરાયો હોવાનું ગૃહમાં જણાવતા મંત્રીએ કહ્યું હતુ કે, ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટેના ભવિષ્યમાં સંજોગો ઉભા થાય તો નાગરિકોના હિતમાં તેમને યોગ્ય તક અને પુરતો સમય મળી રહે તે માટે મુળ વિધેયકની કલમ 5(2) માં 4 મહિનાની જે સમયમર્યાદા હતી તેમાં 5(2-અ) ઉમેરી શરતોને આધીન મુદ્દતમાં વધારો કરવા રાજ્ય સરકાર જાહેરનામું પ્રસિધ્ધ કરી શકે તેવી જોગવાઇ આ સુધારા વિધેયકમાં ઉમેરવામાં આવી છે. 


કોઇના ઘરનું સ્વપ્ન રોળાય નહીં અને કોઇની નાની રોજગારી છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી નાના માણસના હિતમાં વિધેયકમાં સુધારો લઇને આવ્યા છીએ તેમ સુધારા વિધેયક અંગે વિધાનસભામાં જણાવતા મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ કે, 17/10/2022 અમલમાં આવેલ આ વિધેયકથી રાજ્યની તમામ 8 મહાનગરપાલિકા, નગરપાલિકાઓ અને તમામ સત્તામંડળો હેઠળના શહેરી વિસ્તારમાં રહેતા અંદાજે 50% રહેવાસીઓને આ સુધારા વિધેયકનો લાભ મળશે.


14 ફેબ્રુઆરીની સ્થિતિએ રાજ્યભરમાંથી કુલ 57 હજારથી વધુ અરજીઓ બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવા માટે મળી હોવાનું મંત્રીએ જણાવ્યું હતુ. મંત્રીએ સુધારા વિધેયક અંગે વધુ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, RERA કાયદા હેઠળ જે અનઅધિકૃત બાંધકામોને નોટીસ મળી હોય તેવા બાંધકામોને આ વિધેયક અંતર્ગતની જોગવાઇ હેઠળ કાયદેસર કરવામાં આવશે નહીં. 01/10/2022 પહેલાની મિલકત જે બિનઅધિકૃત હોય અને વપરાશમાં આવી ગઇ હોય તેવી જ મિલકતોને આ સુધારા વિધેયક અંતર્ગત કાયદેસર કરવામાં આવશે. આ કાયદા અંતર્ગત અનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટેની ફી પણ સામાન્ય વ્યક્તિને પોષાય તેવી નજીવી રાખવામાં આવી છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application