સ્વાદ શોખીનોનું શહેર એવું રંગીલું રાજકોટ હવે ભેળસેળની રાજધાની બની રહ્યું છે, ગમે તેટલું ચેકીંગ કે સેમ્પલિંગ કરાય તો પણ ભેળસેળ કરનારાઓ સુધરવાનું નામ લેતા નથી. દરમિયાન આજથી પાંચથી છ વર્ષ પૂર્વે નાના મવા રોડ ઉપરના જીજે ૩ ઢોસા કોર્નરમાંથી લેવાયેલ સાંભાર અને યુનિવર્સિટી રોડ ઉપર આકાશવાણી ચોકની જય દ્વારકાધીશ હોટલમાંથી લેવાયેલ લસણની ચટણીનું સેમ્પલ ફૂડ લેબમાં મોકલતા બન્ને સેમ્પલ ફાઇલ ગયા હતા અને તેમાં પ્રતિબંધિત અખાધ કલરની ભેળસેળ મળી હતી. આ બન્ને સામે કેસ ચાલી જતાં ઢોસા કોર્નરને રૂ.૫૦ હજારનો દંડ અને પેઢી માલિક રવિ મેઘાણીને છ માસની કેદ તેમજ જય દ્વારકાધીશ હોટલને રૂ.બે લાખનો દંડ અને પેઢી માલિકને કે.એન.બાંભવાને છ માસની કેદ ફટકારવા જેએમએફસી કમલેશકુમાર ગાગનાણીએ ચુકાદો આપ્યો હતો.
રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા તા.૧૨-૧૨-૨૦૧૯ના રોજ જીજે-૩ ઢોસા કોર્નર સ્થળ: સિલ્વર ગોલ્ડ મેઇન રોડ અંબિકા ટાઉનશીપ મેઇન રોડ, રંગ ઉપવનની સામે, નાના મવા રોડ, રાજકોટ મુકામેથી સાંભાર (લુઝ)નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત પિંક કલર નોન પરમીટેડ - ઓઇલ સોલ્યુબલ કલર ની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર કે.જે.સરવૈયા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ ચાલી જતાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ-મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા નામદાર જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુની) કમલેશકુમાર આર. ગાગનાણીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ની કલમ-૩(૧)(ઝેડ ઝેડ) અન્વયે અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજને કલમ-૫૯ હેઠળ તકસીરવાન ઠરાવી રવિભાઈ પ્રવીણભાઈ મેઘાણી (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર-પેઢીના માલિક)ને છ માસની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે તેમજ જો દંડ ન ભરવામાં આવે તો વધુ બે માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો છે.
આ ઉપરાંત અન્ય કિસ્સામાં રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી. વાઘેલા દ્વારા તા.૨૩-૧૧-૨૦૨૧ના રોજ જય દ્વારકાધીશ હોટલ સ્થળ: એફએસએલ લેબોરેટરી સામે, કિડની હોસ્પિટલ પાસે, યુનિવર્સિટી રોડ રાજકોટ મુકામેથી લસણ મરચાંની ચટણી (લુઝ)નો નમુનો સાક્ષીપંચની હાજરીમાં લેવામાં આવ્યો હતો.ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરાના ફૂડ એનાલિસ્ટ દ્વારા આપયેલા રિપોર્ટમાં સદરહુ નમૂનામાં કાયદાથી પ્રતિબંધિત નોન પરમીટેડ-પિન્ક એન્ડ ઓરેન્જ કલર ઓઇલ સોલ્યુબલ ડાઈની હાજરી મળી આવેલ હોવાથી નમૂનો અનસેફ ફૂડ જાહેર કરવામાં આવ્યો હતો. જેથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ અને તે હેઠળના નિયમાનુસાર કાર્યવાહી કરી મ્યુનિસિપલ કોર્ટ રાજકોટ સમક્ષ રાજકોટ મહાનગરપાલિકા તરફે ફૂડ સેફ્ટી ઓફિસર સી.ડી.વાઘેલા દ્વારા ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કેસ ચાલી જતાં જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ -મ્યુનિસિપલ કોર્ટ દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા તથા રજૂઆતને ધ્યાને લઈ રાજકોટ મહાનગરપાલિકા તરફે ચુકાદો આપતા જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (મ્યુની) કમલેશકુમાર આર. ગાગનાણીએ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ની કલમ-૩(૧)(ઝેડઝેડ) અન્વયે અનસેફ જાહેર થયેલ ખાદ્યચીજને કલમ-૫૯ હેઠળ તકસીરવાન ઠરાવી કનુભાઈ નાગજીભાઇ બાંભવા (નમૂનો આપનાર ફૂડ બિઝનેશ ઓપરેટર-પેઢીના માલિક) ને છ માસની સખત કેદની સજા તથા રૂપિયા બે લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. જો દંડ ન ભરવામાં આવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.