ગુજરાતમાં જનસંઘના પાયાના પથ્થર ગણાતા સ્વ.ચીમનભાઈ શુક્લના ધર્મપત્ની અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ માટે વાત્સલ્ય મૂર્તિ સમા સ્વ.મધુબેન શુક્લનું આજે 97 વર્ષની વયે નિધન થયું હતું. આથી શુક્લ, ભારદ્વાજ અને નથવાણી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો. સદગતની સ્મશાનયાત્રા કશ્યપભાઈ શુક્લના નિવાસ્થાન રાજગૃહી, નૂતનનગર શેરી નં.૨, કાલાવડ રોડ ખાતેથી નીકળી હતી. જેમાં ભાજપના નેતાઓ, આગેવાનો, કાર્યકર્તાઓ જોડાયા હતા. અંતિમયાત્રા ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં આવ્યો હતો. અંતિમસંસ્કાર મોટા મવા સ્મશાનગૃહ ખાતે કરવામાં આવનાર છે.
મધુબેન કૌશિકભાઈ શુક્લ, કશ્યપભાઈ શુક્લ અને કાશ્મીરાબેન નથવાણી અને નેહલભાઈ શુક્લના માતુશ્રી તથા સ્વ.અભયભાઈ ભારદ્વાજ અને નીતિનભાઈ ભારદ્વાજના કૌટુંબિક મોટાબેન થાય છે.
વાત્સલ્ય મૂર્તિ એવા મધુબેન ચીમનભાઈ શુક્લ પોતાને ઘરે આવતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દરેક સ્વયં સેવક અને તત્કાલીન સમયના જનસંઘના કાર્યકર્તાઓને અચૂક ચા પાણી નાસ્તો અને ભોજન કરાવ્યા વિના ક્યારેય જવા દેતા ન હતા. તત્કાલિન સમયે ભાજપ વિરોધ પક્ષમાં હતો અને હાલ જેવી કોઈ સુખ સાહેબી ભાજપના નેતાઓને મળતી ન હતી. ભાજપના મોટા નેતાઓ જ્યારે પણ રાજકોટ કે સૌરાષ્ટ્ર આવે ત્યારે તેમનો મુકામ ચીમનભાઈ શુક્લના ઘરે જ રહેતો હતો. મધુબેન શુક્લની બનાવેલી રસોઇ ગુરુજી, અટલજી અને અડવાણીજી સહિતના નેતાઓ અનેક વખત જમ્યા હતા.
સ્વ.મધુબેન શુક્લએ અગાઉ મુંબઇ ખાતે શિક્ષિકા તરીકે પણ ફરજ બજાવેલી હતી ત્યારબાદ રાજકોટ ખાતે ચીમનભાઈ શુક્લના જીવનસંગિની તરીકે ઘર સંભાળવાની સાથે સાથે જાહેરજીવનમાં પ્રવેશીને તત્કાલિન સમયે જનસંઘ અને ભાજપની કામગીરી પણ સંભાળી હતી. દીકરી બે કુળને તારે તે કહેવતને સાર્થક કરતા સ્વ.મધુબેનએ ભારદ્વાજ (ભટ્ટ) પરિવાર અને શુક્લ પરિવારની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. શુક્લ અને ભારદ્વાજ ( ભટ્ટ) પરિવારને દીપાવનાર મધુબેનના અવસાનથી બન્ને પરિવારોએ ઉંડા આઘાતની લાગણી અનુભવી હતી.