તું હોટલમાં યુવતી સાથે ગયો હતો અને સંબંધ બાંધ્યો હતો કહી મિત્રએ જ જેતપુરના કારખાનેદાર પાસેથી રૂપિયા પડાવવાનો ખેલ પાડ્યો

  • March 26, 2025 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરના સાડીના કારખાનેદારને તેના મિત્રે ફોન કરી તું હોટલમાં યુવતી સાથે ગયો હતો તેની સાથે સંબંધ બાંધ્યા હતાં અને તેની પાસેથી ૫૦ હજાર રોકડ અને સોનાનું બ્રેસલેટ પડાવી લીધું હતું. હોટલના સીસીટીવી ફૂટેજમાં પણ તું દેખાશ આ યુવતી તારા વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવાની છે તેવી ધમકી આપી ડરાવી કારખાનેદાર પાસેથી રૂ.૫૦ હજાર પડાવી લીધા હતાં.જે અંગે જેતપુર સિટી પોલીસ મથકમાં યુવાને તેના મિત્ર, તીર્થ હોટલના સંચાલક, યુવતી તેના પતિ સહિત પાંચ શખસો સામે ફરિયાદ નોંધાવી છે.


બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં નવાગઢમાં રામજીમંદિર પાસે સર્વોદય સ્કૂલની સામે રહેતા અંકિત જીતેન્દ્રભાઇ રાદડીયા(ઉ.વ. ૩૦) નામના યુવાને જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાના મિત્ર ભાવિન આંબલીયા(રહે. શ્રીજી સ્કુલ પાસે અમરનગર), ઉદય પંડયા, કિશન રાદડીયા( અંકુર ટ્રેડીંગના માલિક,માર્કેટીંગ યાર્ડ,જેતપુર), રેશ્મા ધવલભાઇ વેકરીયા અને ધવલ વેકરીયા(રહે. બંને સરદાર ચોક,જેતપુર) ના નામ આપ્યા છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેને ગઢની રાંગ પાસે નંદગોપાલ પ્રીંટ નામે સાડીનું કારખાનું આવેલું છે.


મારી પાસે તારી એક મેટર આવી છે
ગત તા. ૨૦/૩ ના સાંજના તેને મિત્ર ભાવિનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મારી પાસે તારી એક મેટર આવી છે જેથી યુવાને કહ્યું હતું કે શું મેટર છે.જેથી તેણે કહ્યું હતું કે, જેતપુરની તિર્થ હોટલમાં તું તા. ૧/૩ ના રેશ્મા નામની છોકરીને લઇ ગયેલ છો અને તે તારા વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરવાની છે.જેથી યુવાને કહ્યું હતું કે, હું કોઇ છોકરી સાથે નહીં પણ એકલો પણ તિર્થ હોટલમાં ગયો નથી તમે છોકરીને કહી દો ફરિયાદ કરી દે.બાદ ભાવિનનો પાછો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે હોટલના સીસીટીવી ફૂટેજમાં તું ચોખ્ખો દેખાશ. ત્યાર બાદ યુવાનને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને આ વ્યકિતએ કહ્યું હતું કે, ઉદયભાઇ પંડયા તિર્થ હોટલવાળુ બોલું છું મારી પાસેથી ભાવીનભાઇ આવી સીસીટીવી ફૂટેજ લઇ ગયા છે.તમે તેની સાથે સમજી લેજો. યુવાને તેને પણ કહ્યું હતું કે હું હોટલમાં આવ્યો જ નથી તો સીસીટીવીમાં કયાંથી દેખાવ છતા આ શખસે કહ્યું હતું કે તું હોટલમાં સીસીટીવીમાં ચોખ્ખો દેખાશ.


સોનાનું બ્રેસલેટ પડાવી લીધું હતું
બાદમાં યુવાને આ ભાવીનને ફોન કરતા તેણે કહ્યું હતું કે, તું છોકરીને હોટલમાં લઇ ગયો હતો અને તેની પાસેથી રોકડ રૂ.૫૦ હજાર અને સોનાનું બ્રેસલેટ પડાવી લીધું હતું તથા તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.અને આ છોકરી હાલ પ્રેગનેન્ટ છે. આથી યુવાન ગભરાઇ ગયો હતો અને મેટર પતાવવાનું કહેતા તેને મેટર પાસે જ છે ચિંતા ન કર જે કંઇ લીધુ છે તે પાછી આપી દે.બાદમાં તા.૨૫/૩ ના સાંજે જુનાગઢ રોડ માર્કેટીંગ યાર્ડમાં અંકુર ટ્રેડીંગમાં પૈસા અને સોનું આપવા જવાનું નક્કી થયું હતું.બાદમાં યુવાને આ અંગે તેના કાકા પરેશભાઇ રાદડીયાને વાત કરી હતી.


પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
બાદમાં ગઇકાલે રાત્રીના યુવાન અહીં યાર્ડમાં અંકુર ટ્રેડીંગમાં પૈસા આપવા માટે જતા અહીં યુવતી સહિતના આરોપીઓ હાજર હોય બાદમાં યુવાને પાસેથી રૂ.૫૦ હજાર લઇ લીધા હતાં અને ભાવિને કહ્યું હતું કે તમારી મેટર પુરી.બાદમાં યુવાને હોટલના સીસીટીવી ફૂટેજ જોવ માંગતા આપ્યા ન હતાં.જેથી યુવાન અને તેના કાકા અહીંથી નિકળી ગયા હતાં.આ ષડયંત્ર રચ્યુ હોવાનો ખ્યાલ આવતા તેઓ અહીંથી સીધા જ જેતપુર સિટી પોલીસ મથકે પહોંચ્યા હતાં અને આખી વાત કરી હતી.બાદમાં એક ટીમ અહીં તાકીદે યાર્ડમાં મોકલી દેવામાં આવી હતી.આ અંગે પોલીસે યુવતી સહિત પાંચેય આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application