દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર વ્યક્તિના આપઘાત-અપમૃત્યુ નોંધાયા

  • November 18, 2024 09:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભંડારીયાના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી: ઓખાના દરિયામાં અકસ્માતે પડી જતા માછીમાર તેમજ અન્ય એક અજાણ્યા યુવાનના મોત: ઓખામાં બોટમાં સૂતેલા માછીમાર વૃદ્ધ અને હૃદયરોગનો જીવલેણ હુમલો



દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયાના ભંડારીયા ગામના યુવાને અકળ કારણોસર ગળાફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી લીધી હતી, જ્યારે ઓખાના દરિયામાં અકસ્માતે પડી જતા એક માચ્છીમાર તેમજ અન્ય એક અજાણ્યા યુવાનના મોત નિપજ્યું હતું, તેમજ ઓખામાં બોટમાં સૂતેલા માછીમાર વૃદ્ધ અને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતાં મોત નિપજ્યું હતું, આ ચારેય બનાવની જાણ પોલીસમાં કરાતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


ખંભાળિયા તાલુકાના ભંડારીયા ગામે રહેતા રમેશભાઈ મેયાભાઈ ગમારા નામના 30 વર્ષના યુવાને શનિવારે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગેની જાણ મૃતકના પિતા મેયાભાઈ કુંભાભાઈ ગમારા (ઉ.વ. 56) એ ખંભાળિયા પોલીસને કરતા પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાર્યવાહી કરી હતી.


ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં હાલ રહેતા અને મૂળ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની નિર્મલભાઈ જમનાદાસ વંશ નામના માછીમાર યુવાન ગત તારીખ 13 ના રોજ રાત્રિના સમયે ઓખાના દરિયામાં માછીમારી કરી રહ્યા હતા. તે દરમિયાન બોટ પર શૌચ માટે જતા તેઓ અકસ્માતે દરિયાના પાણીમાં પડી ગયા હતા. જેના કારણે ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ વેલજીભાઈ રાજાભાઈ રાઠોડએ ઓખા મરીન પોલીસને કરી છે.


અન્ય એક બનાવમાં ઓખામાં આવેલી મોહનભાઈ બારાઈ જેટી પાસેથી શનિવારે આશરે 65 થી 70 વર્ષના એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પ્રકરણમાં ઉપરોક્ત અજાણ્યા વૃદ્ધનું કોઈ અગમ્ય કારણોસર દરિયાના પાણીમાં ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ સ્થાનિક રહીશ આરીફભાઈ મકવાણાએ ઓખા મરીન પોલીસને કરતા પોલીસે હાલ અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, મૃતકના વાલી-વારસની શોધખોળ હાથ ધરી છે.


વલસાડ તાલુકાના જોરાવાસણ વિસ્તારના મૂળ રહીશ અને હાલ ઓખામાં આર.કે. બંદર વિસ્તારમાં રહેતા ગાંડાભાઈ ભીખાભાઈ પટેલ નામના 62 વર્ષના માછીમાર વૃદ્ધ રવિવારે પારસમણિ નામની બોટમાં સુતા હતા. ત્યારે નિંદ્રાધીન અવસ્થામાં હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રાજેશભાઈ છોટુભાઈ ટંડેલ (ઉ.વ. 45)એ ઓખા મરીન પોલીસને કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News