ગુજરાતના હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે ગત મોડી રાત્રે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાંગાણી ગામના પાટિયા પાસે ખાનગી લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં ચાર નિર્દોષ મુસાફરો બસની અંદર જ જીવતા સળગી જતાં તેમના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને હોસ્પિટલ ખસેડાયા હતા. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કર ચાલક અને બસના સંચાલકો સામે તપાસ તેજ કરી છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કરુણ અકસ્માત મોડી રાત્રે અંદાજે 1:30 વાગ્યાના સુમારે સર્જાયો હતો. અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી મધુરમ ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ જ્યારે સાંગાણી ગામ નજીક પહોંચી, ત્યારે આગળ જઈ રહેલા ડામર ભરેલા ટેન્કરનું અચાનક ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટવાના કારણે ટેન્કરની ગતિ ખોરવાઈ જતા પાછળથી પૂરઝડપે આવી રહેલી બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ટેન્કરના પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
અથડામણ એટલી પ્રચંડ હતી કે ટક્કર લાગતાની સાથે જ બસમાં શોર્ટ સર્કિટ થયો હતો. ટેન્કરમાં જ્વલનશીલ ડામર હોવાથી અને બસમાં વાયરિંગમાં થયેલા સ્પાર્કને કારણે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી. રાત્રિનો સમય હોવાથી મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. મુસાફરો કંઈ સમજે કે બહાર નીકળવાનો માર્ગ શોધે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઈજાગ્રસ્તોમાં વિધિ પટોડીયા (18 વર્ષ, મેંદરડા,), નરેન્દ્ર રાઠોડ ( 50 વર્ષ, લીમડી), નાગરાજ રાણા (30 વર્ષ, તાલાળા) સહિત 10 મુસાફરોને ઈજા પહોંચી હતી.
મૃતકોના સગાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાઈવે પર અનેક ટેન્કરો અને ટ્રકો બંધ હાલતમાં ઉભા હોય છે, જેની પાછળ કોઈ રેડિયમ પટ્ટી કે સૂચક લાઈટો હોતી નથી. રાત્રિના અંધારામાં વાહન ચાલકોને આ વાહનો દેખાતા નથી, જેના કારણે આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે હાઈવે પર આવા જોખમી રીતે ઉભેલા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
સ્થાનિકોએ બસના કાચ ફોડી 25 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા
ઘટનાસ્થળની નજીક પેટ્રોલ પંપ ધરાવતા પ્રત્યક્ષદર્શી અજય મેવાડાએ જણાવ્યું કે, અકસ્માતનો અવાજ સાંભળી તેઓ તુરંત જ ફાયર સેફ્ટીના બાટલા લઈને દોડી ગયા હતા. જોકે, ટેન્કરમાંથી ડામર ઢોળાતો હોવાથી આગ સતત પ્રસરી રહી હતી અને કાબૂમાં આવતી નહોતી. આવી ભયાનક સ્થિતિમાં પણ સ્થાનિકોએ હિંમત હારી નહીં. તેમણે પાઈપ અને લાકડાના ધોકા વડે બસના કાચ તોડીને અંદાજે 20થી 25 મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જોકે, ચાર કમનસીબ મુસાફરો બસના પાછળના ભાગે ફસાઈ ગયા હતા અને જોતજોતામાં ભડથું થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોમાં કોઈના હાથ સળગ્યા હતા તો કોઈના પગ સળગ્યા છે.
મૃતકોની ઓળખ કરવી મુશ્કેલ, ડીએનએ ટેસ્ટ કરાશે
ઘટનાની જાણ થતા જ ચોટીલા અને આસપાસના વિસ્તારના ફાયર ફાઈટરો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ચોટીલા એસડીએમ એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, બસમાં અંદાજે 35 થી 40 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગનાને બચાવી લેવાયા છે. મૃતકોના મૃતદેહો એટલી હદે સળગી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે, આથી હવે ડીએનએ ટેસ્ટ દ્વારા જ તેમની ઓળખ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
બીએસએફ જવાનનો હાથ દાઝી ગયો
આ અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોમાં લીંબડીના રહેવાસી અને હાલ આસામ-મણિપુરમાં બીએસએફમાં ફરજ બજાવતા નરેન્દ્રભાઈ રાઠોડનો પણ સમાવેશ થાય છે. નરેન્દ્રભાઈ રજા પર આવ્યા હતા અને તાલાલા દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત સમયે તેમણે બારીનો કાચ તોડી કૂદકો મારીને પોતાનો જીવ બચાવ્યો હતો અને અન્ય લોકોને પણ બચાવવામાં મદદ કરી હતી. હાલ તેમનો હાથ દાઝી જવાથી તેઓ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
જીવ બચાવવા અનેક લોકોએ કુદકા માર્યા
આ ભીષણ અકસ્માતમાં બસમાં આગ લાગતા મુસાફરોમાં નાસભાગ મચી હતી. જીવ બચાવવા અનેક મુસાફરોએ બારીના કાચ તોડી બહાર કૂદકા માર્યા હતા, જેમાં કેટલાકને ફ્રેક્ચર જેવી ઈજાઓ થઈ હતી. સ્થાનિકો અને રાહદારીઓએ ભારે જહેમત ઉઠાવી કાચ તોડીને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, જ્યારે 4 કમનસીબ મુસાફરો અંદર ફસાઈ જતા ભડથું થયા હતા.