જામનગરના જુના સ્ટેશન પાસેથી એલસીબીની ટુકડીએ બે શખ્સોને વિદેશી દારૂના ૯૨ ચપટા અને કાર મળી ૪.૧૯ લાખના મુદામાલ સાથે પકડી લીધા હતા, જયારે શંકરટેકરી વિસ્તારમાં એક મકાનમાંથી ૫૭૬ ચપટા સાથે એક શખ્સની અટક કરી હતી જેમાં સપ્લાયરનું નામ ખુલ્યુ હતું, ઉપરાંત શેઠવડાળા ગામમાં દારૂના ૭૦ ચપટાઓ સાથે એક શખ્સ ઝપટમાં આવ્યો હતો જેમાં રાજકોટના શખ્સની સંડોવણી સામે આવી હતી.
જામનગર એલસીબીની ટુકડી પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલ બાતમીના આધારે શહેરના જુના રેલ્વે સ્ટેશન પાસેથી ચંગા ગામ ડેમની બાજુમાં રહેતા સંદીપસિંહ દિલીપસિંહ પિંગળ તથા રણજીતનગર શાક માર્કેટ પાછળ રહેતા બ્રિજરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના બંને શખ્સોને ઇંગ્લીશ દારૂના ૯૨ ચપટા, ૧ મોબાઇલ અને ફોરવ્હીલ કાર મળી કુલ ૪.૧૯.૨૦૦ના મુદામાલ સાથે પકડી લીધા હતા, આરોપીઓ શરાબની હેરાફેરી કરી વેચાણ અર્થે પોતાના કબ્જામાં રાખતા ઝપટમાં આવ્યા હતા, બંનેની સામે સીટી-બીમાં ફરીયાદ કરવામાં આવી છે.
અન્ય દરોડામાં જામનગરના શંકરટેકરીમાં આવેલ સિઘ્ધાર્થ કોલોની શેરી નં. ૨૩માં રહેતા જીતેન્દ્ર ઉર્ફે પિન્ટુ દેવજી પરમારના રહેણાંક મકાને બાતમીના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડી અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂના ૫૭૬ ચપટા, કિ. ૧.૧૫.૨૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો, તપાસ દરમ્યાન દારૂનો જથ્થો જામનગરના પ્રેમ ભદ્રા નામના શખ્સે પુરો પાડયો હતો જેને ફરાર જાહેર કરાયો છે.
આ ઉપરાંત શેઠવડાળા ગામના જમાઇપરા સોસાયટી વિસ્તારમાં રહેતા આરીફ હનીફ નોતીયારને અંગ્રેજી દારૂના ૭૦ ચપટા સાથે સ્થાનીક પોલીસે પકડી લીધો હતો, આ જથ્થો રાજકોટના મામદ હાસમ રાવકરડાએ પુરો પાડયો હતો જેને ફરાર જાહેર કરી બંનેની સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.