ખંભાળિયામાં પોણા ચાર ઈંચ વરસાદ ખાબક્યો

  • June 24, 2024 10:29 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાને રી-એન્ટ્રી: ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ



દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના મેઘ વિરામ બાદ ગઈકાલથી પુનઃ મેઘરાજાના મંડાણ થયા છે અને ગઈકાલે રાત્રે ખંભાળિયામાં ધોધમાર ત્રણ ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આ સાથે આજે પણ વધુ પણ કેટલો વરસાદ વરસતા ખંભાળિયામાં કુલ પોણા ચાર ઈંચ વરસાદ તેમજ ભાણવડમાં દોઢ ઇંચ વરસાદ થવા પામ્યો છે. ત્યારે અન્યત્ર હળવા તથા ભારે ઝાપટા જ વરસ્યા હતા.


ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ ભર્યો માહોલ બની રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે રવિવારે સાંજે અહીંના વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાત્રીના નવેક વાગ્યાથી છવાયેલા ઘટાટોપ વરસાદી વાદળો અને વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને માત્ર એકાદ કલાકના સમયગાળા દરમિયાન બે ઈંચ જેટલું પાણી પડી ગયું હતું. આ પછી પણ અવિરત રીતે ઝાપટા ચાલુ રહેતા ગતરાત્રિના ખંભાળિયા તાલુકામાં કુલ 71 મિલીમીટર પાણી પડી ગયું હતું. આ પછી આજરોજ સવારે પણ સવારે 9 થી 10 દરમિયાન વધુ 21 મિલીમીટર સાથે કુલ 92 મિલીમીટર વરસાદ વરસી ચુક્યો છે.


આ સાથે ગત રાત્રિના ભાણવડ તાલુકામાં 7 તેમજ આજે સવારે પણ વધુ 31 મિલીમીટર સાથે કુલ 38 મિલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં કુલ 11 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકા પંથકમાં માત્ર ઝાપટા સ્વરૂપે 2 મિલીમીટર પાણી પડી ગયું હતું.


ખંભાળિયા તાલુકામાં ગતરાત્રે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો લાંબો સમય ખોવાઈ જતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આજે સવારથી પણ ખંભાળિયા પંથકમાં વરસાદી વાદળોની જમાવટ રહી હતી. અને સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. હવામાન વિભાગની આગાહી સાથે આજે પણ મેઘરાજા જોરદાર વરસે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.


આજે સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં સૌથી વધુ 333 મિલીમીટર, ભાણવડ તાલુકામાં 98 મિલીમીટર, દ્વારકા તાલુકામાં 39 મિલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં 16 મિલીમીટર મોસમનો કુલ વરસાદ નોંધાયો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં ખંભાળિયા શહેર તથા નજીકના વિસ્તારમાં 8 થી 10 ઈંચ જેટલો સરકારી ચોપડે વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ ન હતો. અહીંના ભાણવડ તેમજ પોરબંદર રોડ પર કેશોદ ગામ સુધી જ વરસાદ વરસ્યો હતો. પરંતુ મોટાભાગના વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પછી આજના આ ચાર ઈંચ સુધીના વરસાદથી વાવણીના બાકી રહેલા વિસ્તારોમાં વાવણી કાર્ય પ્રારંભ થશે. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા અને ભાણવડ પંથકના અડધાથી વધુ વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે.


ગઈકાલે રાત્રે ખંભાળિયા પંથકમાં સાર્વત્રિક વરસાદ હતો. જેમાં અહીંના ધરમપુર, હર્ષદપુર, શક્તિનગર, હરીપર, સિંહણ, કેશોદ, વિંઝલપર, ભાડથર, શેરડી, વિસોત્રી, કુવાડીયા, હંસ્થળ, વિરમદળ, રામનગર વિગેરે ગામોમાં 2 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસતા સ્થાનિક જળસ્ત્રોતોમાં નવા નીરની આવક થવા પામી છે. આજે સવારેથી ઘટાટોપ વરસાદી વાતાવરણ અને બફારો હોવાથી હજુ વધુ વરસાદ વરસે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application