ભાણવડના નવાગામ ખાતે પટેલ યુવાનની થયેલી નિર્મમ હત્યા પ્રકરણના ચાર આરોપીઓ ઝડપાયા

  • June 01, 2021 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગાઉ થયેલી મારામારીનું મનદુઃખ રાખી, નિપજાવાઇ હતી નિર્મમ હત્યા

ભાણવડ તાલુકાના નવાગામ ખાતે વાડી વિસ્તારમાં રહેતા 39 વર્ષીય એક પટેલ યુવાનને શનિવારે રાત્રિના સમયે ચાર શખ્સોએ આવી અને લાકડી જેવા બોથડ પદાર્થ વડે બેફામ માર મારી, નિર્મમ હત્યા નિપજાવ્યા બાદ નાસી છુટેલા આ આરોપીઓને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે દબોચી લીધા હતા.

    સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણની વિગત મુજબ ભાણવડ તાલુકાના નવાગામ ખાતે વાડી વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ ગોરધનભાઈ જાવીયા નામના 39 વર્ષના પટેલ યુવાન શનિવારે રાત્રે વાળુ-પાણી કરીને પોતાના વાડીમાં આવેલા રહેણાક મકાનમાં સુતા હતા, ત્યારે રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાના સમયે બુકાનીધારી ચાર શખ્સો લાકડી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ સૌપ્રથમ વાડીમાં રહેલા હરેશભાઈ જાવીયાના ભાગીયા રાધુભાઈ શંભુભાઈને લાકડી વડે દબાવી, મારી નાખવાની ધમકી આપી ચૂપ કરી દીધા બાદ અન્ય ત્રણ શખ્સો હરેશભાઈ ઉપર લાકડી વડે તૂટી પડયા હતા અને તેમની નિર્મમ હત્યા નીપજાવી નાસી છૂટયા હતા.

    આ પ્રકરણ અંગે રવિવારે જ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડા, પી.એસ.આઈ. એસ.વી. ગળચર તેમજ ભાણવડના પી.એસ.આઈ. એન.એચ. જોષી સહિતના સ્ટાફ દ્વારા ડોગ સ્કવોડ સહિતના નિષ્ણાંતોને સાથે રાખીને આ ગંભીર ગુના સંદર્ભે વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કરી અને શંકાસ્પદ જણાતા કેટલાક શખ્સોની અટકાયત કરી આગવીઢબે પૂછપરછ કરી હતી.

    પોલીસ દ્વારા આ તપાસ અંતે હત્યા પ્રકરણમાં નવાગામ ટીંબાના રહીશ સગર ચના વેજાભાઈ પિપરોતર (ઉ.વ. 50), તેમના અભ્યાસ કરતા પુત્ર દિવ્યેશ (ઉ.વ. 22), ઢેબર ગામના રહીશ સંધી બાવા નુરમામદ હિંગોરા (ઉ.વ. 55) અને નવાગામના રહીશ અને ગેરેજનું તથા છૂટક ડ્રાઇવિંગ કામ કરતા મેર મિલન વિરમભાઈ ઓડેદરા (ઉ.વ. 23) નમના ચાર શખ્સોની અટકાયત કરી હતી.

    આ અંગે પોલીસ દ્વારા વધુમાં જાણવા મળતી વિગત મુજબ મૃતક હરેશભાઈ જાવીયાને અગાઉ ચનાભાઈ પિપરોતરના અન્ય એક પુત્ર સાથે બોલાચાલી તથા મારામારી થઈ હતી તેનું મનદુઃખ રાખી, પિતા- પુત્ર તથા અન્ય બે શખ્સોએ મળી હરેશભાઈની હત્યા નિપજાવી હતી.

    આ સમગ્ર પ્રકરણમાં પોલીસે ઉપરોક્ત ચારેય શખ્સોને કબજામાં લઈ, કોરોના ટેસ્ટ અંગેની કાર્યવાહી કરી હતી. તેઓના રિપોર્ટ નેગેટિવ આવ્યેથી તેઓના રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. જોશીએ જણાવ્યું હતું.

    હત્યાના આ બનાવના ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી લેવા માટે ડી.વાય.એસ.પી. હિરેન્દ્ર ચૌધરીના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એલ.સી.બી. પી.આઈ. ચાવડા, પી.એસ.આઈ. ગળચર, તેમજ એલસીબી સ્ટાફ સાથે ભાણવડના પી.એસ.આઈ. જોશી, એ.એસ.આઈ. રામશીભાઈ ચાવડા, દુદાભાઈ લુણા, સર્વેલન્સ સ્કવોડના એ.એસ.આઈ. એલ.એલ. ગઢવી, જયદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા આ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS