કેનેડાની ચૂંટણી જંગમાં પહેલીવાર ચાર ગુજરાતીએ ઝંપલાવ્યું, જાણો કોણ છે આ ચારેય ગુજરાતી જે કેનેડિયન નેતાઓને આપી રહ્યા છે ચૂંટણીમાં પડકાર

  • April 28, 2025 10:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડાની ચૂંટણીમાં આજે મતદાન છે. ત્યાં મુખ્ય બે પાર્ટી છે, લિબરલ પાર્ટી અને કન્ઝર્વેટિવ પાર્ટી. કેનેડાના રાજકારણના ઇતિહાસમાં પાર્લમેન્ટ ઇલેક્શનમાં પહેલી જ વાર ચાર-ચાર ગુજરાતી ઊભા રહ્યા છે. હવે ગુજરાતીઓ કેનેડિયન સંસદમાં પોતાનો અવાજ ઉઠાવવા માંગે છે. આ ચારેય ગુજરાતી ઉમેદવારમાં જયેશભાઈ બ્રહ્મભટ્ટ, અશોકભાઈ પટેલ, મિનેશભાઈ પટેલ તથા સંજીવભાઈ રાવલનો સમાવેશ થાય છે.  


જયેશભાઈ બ્રહ્મભટ્ટ 

જયેશભાઈ બ્રહ્મભટ્ટ ખંભાતના જલસણ ગામના વતની છે. પિતા એક્સાઇઝ કસ્ટમર સુપરિન્ટેન્ડન્ટ હોવાને કારણે ગુજરાતમાં અલગ-અલગ જગ્યાએ રહ્યા અને છેલ્લે નડિયાદમાં સેટલ થયા. 1987માં બીઇ ઇન સિવિલ વડોદરામાંથી પાસઆઉટ થનારા જયેશભાઈએ 13 વર્ષ મુંબઈ અને અમદાવાદમાં જોબ કરીને 2001માં પરિવાર સાથે કેનેડાના બ્રામ્પ્ટન આવ્યા. પીપલ્સ પાર્ટી ઓફ કેનેડાની ટિકિટ પરથી બ્રામ્પ્ટનના ચિંગકૌસી પાર્કથી ચૂંટણી લડી રહ્યા છે. જયેશભાઈએ કેનેડામાં શરૂઆતના ત્રણ વર્ષ સુધી નાની નાની નોકરી કરી. ત્યારબાદ પાર્ટનરશિપમાં સ્ટોર કર્યો અને પછી 2005ના અંતમાં રિયલ એસ્ટેટના સેલ્સ પર્સન તરીકે કામ શરૂ કર્યું. દીકરો આઇટીમાં સોફ્ટવેર એન્જિનિયર, મોટી દીકરીએ એકાઉન્ટિંગનો કોર્સ કર્યો છે અને નાની દીકરી રજિસ્ટર્ડ નર્સ છે.


અશોકભાઈ પટેલ 

અશોકભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામના વતની છે. તેઓ આલ્બર્ટા એડમન્ટન ગેટવે પરથી ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેન્ટ (અપક્ષ ઉમેદવાર) તરીકે ચૂંટણી લડી રહ્યા છે. અશોકભાઈ મિકેનિકલ એન્જિનિયર તરીકે સુરતમાં લાર્સન એન્ડ ટુબ્રોમાં કામ કરતા હતા. તેઓ 2002માં પરિવાર સાથે કેનેડાના ટોરન્ટો આવ્યા અને 2007માં આલ્બર્ટા એડમન્ટન સિટીમાં સેટલ થયા હતા. અશોકભાઈ જ્યારે કેનેડા ગયા ત્યારે મોટાભાગના ઇમિગ્રન્ટ્સ મજૂરી જ કરતા અને તેમાં તેઓ પણ બાકાત નહોતા. શરૂઆતના એક વર્ષ સુધી મજૂર તરીકે કારના પાર્ટ્સ બનાવતી ફેક્ટરીમાં પાર્ટ્સ ઉઠાવીને એક જગ્યાએથી બીજે જગ્યાએ મૂકતા હતા. પછી મિકેનિકલ ડિઝાઇનરની નોકરી કરી. 2009માં નોકરી છોડીને અઢી વર્ષ સંઘર્ષ કર્યા બાદ પોતાની કંપની ઓમ એન્ટરપ્રાઇઝિંગ ઓપરેટિંગ એપ્ટેક ટેક્નિકલ સર્વિસ શરૂ કરી. ત્યારબાદ અલગ અલગ બિઝનેસ સાથે જોડાયા.


મિનેશભાઈ પટેલ

મિનેશભાઈ પટેલ મૂળ આણંદના પેટલાદના વતની છે. તેઓ બીએના સેકન્ડ યરમાં હતા ત્યારે પરિવાર સાથે 2002માં કેનેડાના આલ્બર્ટાના કેલગરીમાં આવ્યા. મિનેશભાઈ અપક્ષ ઉમેદવાર તરીકે કેલગરી સ્કાયવ્યૂ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પરિવારની જવાબદારી આવતાં આગળ ભણી શક્યા નહીં. કેલગરીમાં એ સમયે ગુજરાતીઓની સંખ્યા ખાસ ના હોવાથી ટોરન્ટો રહેવા ગયા ને ત્યાં સર્કિટ બોર્ડ ફેક્ટરીમાં નોકરી કરી. ત્રણેક વર્ષ બાદ ટોરન્ટોમાં જ પોતાનું ઘર લીધું. ત્યારબાદ 2007માં કેલગરીમાં ગવર્નમેન્ટ ટ્રાન્ઝિટમાં (બસ મેઇન્ટેનન્સના કામમાં) જોબ મળી. જોબની સાથે સાથે ગુજરાતી મંડળમાં જોડાયા અને પાંચ વર્ષ સુધી પ્રેસિડન્ટ રહ્યા.


સંજીવ રાવલ

સંજીવ રાવલ લિબરલ પાર્ટી ઓફ કેનેડાના કેલગરી મિદનાપોરના ઉમેદવાર છે. સંજીવ રાવલ મૂળ ગુજરાતી અને આફ્રિકાના ટાન્ઝાનિયાથી કેનેડા શિફ્ટ થયા. તેઓ બિઝનેસ ઇમિગ્રન્ટ તરીકે 2001માં કેનેડાના આલ્બર્ટા આવ્યા અને ચાર વર્ષ સુધી રિટેલ શોપ ચલાવી. છેલ્લાં દસેક વર્ષથી હોટલ છે. પરિવારમાં પત્ની અને બે દીકરા છે. ગુજરાતી સમાજ તથા હિંદુ કોમ્યુનિટીનાં અલગ-અલગ કામો ખાસ્સા સમયથી કરતા આવ્યા છે. આ દરમિયાન તેઓ ઇલેક્શનમાં કેમ્પેન પણ કરતા અને છેલ્લાં ચાર વર્ષથી લિબરલ પાર્ટીમાં છે. કોમ્યુનિટીમાં ચેરપર્સન થયા અને પછી પાર્લામેન્ટ ઇલેક્શનમાં નોમિનેશન મળ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application