રાજકોટ મનપાનો પૂર્વ ટાઉન પ્લાનર વેગડ બે નંબરી આવકનું પરિવારના નામે રોકાણ કરતો, બેંક એકાઉન્ટમાં બેલેન્સ વધી જાય તો મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરતો

  • April 03, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અગ્નિકાંડની ઘટના બાદ ભ્રષ્ટાચાર આચરી લાખો કરોડોની મિકલત વસાવી લેનાર અધિકારીઓ એસીબીની રડારમાં આવી ગયા છે. ત્યારે રાજકોટ મનપાના તત્કાલીન આસીટન્ટ ટાઉન પ્લાનર અને હાલમાં બાંધકામ શખામાં ઇજનેર તરીક ફરજ બજાવનાર અજય વેગડ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે.આસી.એટીપીઓ પાસે આવક કરતા ૩૮.૭૬ ટકા વધુ રૂ. ૭૫.૨૧ લાખની સંપત્તી મળી આવી હતી. જેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.તત્કાલીન આસી. એટીપીઓ સામે એસીબીએ કાર્યવાહી કરતા કોર્પોરેશનના કર્મચારી અને અધિકારીઓમાં સોપો પડી ગયો હતો. એટીઓપીઓની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં આ ભ્રષ્ટ અધિકારી જે કાળી કમાણી કરતો હતો તે પત્નીના બેંક એકાઉન્ટમાં જમા કરતો હતો.સાત વર્ષથી તેણે પત્નીના ખાતામાં આ રકમ જમા કરી રહ્યો છે.એટલું જ નહીં તેના બે સંતાનો પુખ્ત થાય બાદ તેના એકાઉન્ટમાં રકમ જમા કરવાનું શરૂ કર્યું હતું.


પરિવારજનો નામે મિલકત વસાવી હોવાનું સ્પષ્ટ થયું

રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન આસીટન્ટ ટાઉન પ્લાનર ટી.પી યુનીટ અજય વેગડ સામે આવક કરતા વધુ સંપત્તી હોવાની દીશામાં એસીબીના રાજકોટ એકમના મદદનીશ નીયામક કે.એચ.ગોહિલના સુપરવીઝનમાં કાર્યવાહી શરૂ કરી હતી. જેથી એસીબીની ટીમે તા.૧-૪-૨૦૧૪ થી ૩-૬-૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન મેળવવામાં આવેલા દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાની વિગતો અને વિવિધ સરકારી કચેરીમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી ચેક કરતા આરોપીએ હોદાનો દુરપયોગ કરી પોતાના તથા પરિવારજનો નામે મિલકત વસાવી હોવાનું સ્પષ્ટ થયું હતું.


તપાસ પી.આઇ જે.એમ.આલ ચલાવી રહ્યા છે

એસીબીની તપાસ દરમિયાન તત્કાલીન આસી.એટીપી અને હાલ આરએમસીમાં બાંધકામ શાખામાં ફરજ બજાવતા કાર્યપાલક ઇજનેર વર્ગ-2 અજય મનસુખભાઇ વેગડ પાસે કુલ રૂ.૭૫,૨૧,૦૯૩ ની મિલકત મળી આવી હતી.જે તેમની આવક કરતા ૩૮.૭૬ ટકા વધુ હોય જેથી તેમની સામે એસીબી રાજકોટ એકમના પીઆઇ પી.એ.દેકાવાડીયાએ ફરિયાદી બની અપ્રમાણસર મિલકત અંગેનો ગુનો દાખલ કર્યો છે.જે અંગેની વધુ તપાસ પી.આઇ જે.એમ.આલ ચલાવી રહ્યા છે.


આરોપીને ઝડપી લેવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી

આ અંગે એસીબીના સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ ભ્રષ્ટ પૂર્વ એટીપીઓ કાળી કમાણી કરી આ રકમ છેલ્લા સાત વર્ષથી પત્નીના બેંક એકાઉન્ટમાં જમા કરતો હતો.બાદમાં તેના બે સંતાનો પુખ્ત થતા તેમના એકાઉન્ટમાં રકમ જમા કરવાનું શરૂ કર્યું હતું.જો એકાઉન્ટમાં બેલેન્સ વધી જાય તો તે આ રકમ મ્યુચ્યુઅલ ફંડમાં ટ્રાન્સફર કરતો હતો. પોલીસે દ્વારા હાલ અધિકારીના નાણાકીય વ્યવહાર સહિતના દસ્તાવેજની ચકાસણી અને આરોપીને ઝડપી લેવાની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.​​​​​​​


મહિને દોઢ લાખનો વહીવટ કરતો હોવાની આશંકા

આસી.એટીપી અજય વેગડે તા. ૧-૪-૨૦૧૪ થી ૩-૬-૨૦૨૪ સુધીના સમયગાળા દરમિયાન પોતાના તથા પરિવારના સભ્યોના અલગ અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૬૫.૯૭ લાખ રોકડ જમા કરાવી હોવાનું સામે આવ્યું હતું.અજય વેગડે અલગ અલગ બેંકમાં પોતાનું, પોતાના પરિવારનું સંયુક્ત ખાતું તેમજ પોતાની પત્ની, પુત્રી અને પુત્રનું અલગ અલગ ખાતું ખોલાવ્યું હતું. આ તમામ બેંક ખાતામાં દર મહિને અજય વેગડ રૂ.30 હજારથી માંડી રૂ.50 હજાર જમા કરાવતો હતો. આમ પાંચ બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા રૂ.30 હજાર પણ દર મહિને જમા કરાવતો હોય જેથી દર મહિને રૂ.1.50 લાખની કાળી કમાણી કરતો હોવાની શંકા ઊઠી હતી.આ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


અગ્નિકાંડ બાદ વેગડ વિરૂધ્ધ એસીબીમાં બે અરજી થઇ હતી

સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ, રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટન બાદ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારી વિરૂધ્ધ એસીબીએ તવાઇ ઉતારી હતી.જેમાં ટી.પી ઓફિસર મનસુખ સાગઠીયા અને ડે.ફાયર ઓફિસર ઠેબા સામે એસીબીએ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યા બાદ તત્કાલીની એટીપીઓ અજય વેગડ પણ વહીવટીમાં માહેર હોવાની અને તેની પાસે બેનામી સંપત્તી હોય તે અંગે તપાસ કરવા એસીબીને ગત વર્ષે જુન માસમાં બે અલગ અલગ અરજી મળી હતી.


નાનામવા મલ્ટી એકિટિવીટી સેન્ટરમાં બેસતો, ચેમ્બરમાં ભાગ્યે જ જોવા મળતો

કાળી કમાણી કરનાર અજય વેગડ નાના માવા મલ્ટી એક્ટિવિટી સેન્ટરમાં બેસતો હતો. જ્યાં સામાન્ય રીતે અરજદારોની અવરજવર ખૂબ ઓછા પ્રમાણમાં રહેતી એટલું જ નહીં અધિકારી મોહદય ચેમ્બરમાં ભાગ્યે જ જોવા મળતો હોવાની પણ વિગતો જાણવા મળી છે.


નોટિસ આપી બેસી રહેતો, સાગઠિયાના ઇશારે કામ કરતો હોવાની ચર્ચા

ટી.પી શાખામાં ભ્રષ્ટાચારોના આક્ષેપો વારંવાર થતા રહે છે. દરમ્યાન ટી.પી. શાખાના પૂર્વ એટીપી અજય વેગડ એસીબીની રડારમાં આવ્યા બાદ એવી વાત સામે આવી રહી છે કે, વેગડ ગેરકાયદે બાંધકામની અરજી આવ્યા બાદ આ મામલે માત્ર નોટિસ આપી બેસી રહેતો હતો. અરજદારો સાથે ચોક્કસ પ્રકારના વહીવટમાં માહેર વેગડ સાગઠીયાના ઇશારે કામ કરતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application