વન મંત્રીના હસ્તે જામનગરના લાલવાડી વિસ્તારમાં વનકવચનું લોકાર્પણ

  • April 30, 2025 12:50 PM 


રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં સિલ્વર સ્કાઈ રોડ પર વનકવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની પ્રેરણાથી ગુજરાતને વધુ હરિયાળું બનાવવાના હેતુથી, જાપાની વનસ્પતિ શાસ્ત્રી અકીરા મીયાવાન્કીની વનીકરણ પદ્ધતિને લક્ષ્યમાં રાખી ગુજરાત વન વિભાગ દ્વારા વનકવચ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. વનકવચએ મુખ્યત્વે શહેરી વિસ્તારમાં અને અન્ય વિસ્તારમાં આવેલ પડતર જમીનમાં હરિયાળી વધારવા માટે એકઝડપથી નાનું વન બનાવવાની પદ્ધતિ છે. એક નાનકડી જગ્યામાં પણ ઘનિષ્ટ વાવેતર કરી નાનું વન ઉભું કરી શકાય. 


અંદાજીત રૂ.૨૫ લાખના ખર્ચે વર્ષ ૨૦૨૩-૨૪માં જામનગર શહેરમાં જામનગર - કાલાવડ રોડ પર આવેલ જાડા ટી.પી.સ્કિમ નં.૮૪ માં ગુજરાત વન વિભાગ તથા જામનગર મહાનગર પાલિકાના સંયુકત ઉપક્રમે ૧ હેકટર જેટલા વિસ્તારમાં મિયાવાકી પધ્ધતિથી વનકવચનું નિર્માણ કરવામાં આવેલ છે. વનકવચનો હેતુ લોકોમાં વન પ્રત્યે જાગૃતિ અને અભિરૂચી વધારવાનો છે.


જેમાં જમીનમાં કુલ સાતસ્તરમાં ક્રમશ : કોકોપીટ, માટી, ઘઉંની ફોતરી, વર્મી કમ્પોસ્ટ, માટી, ઘાંસ બાજરીના પુળાનું મલ્ચીંગના સ્તર બનાવી વિવિધ રોપાઓ જેમાં નિમ્નસ્તર, મધ્યમસ્તર તેમજ ઉચ્ચસ્તરિય રોપાઓની ૧સ૧મીટરના અંતરે વાવેતર કરવામાં આવેલ છે. કુલ ૩૮ જાતના કુલ ૧૦,૦૦૦ રોપાઓ વાવેતર કરવામાં આવેલ છે. મિયાવાકી પધ્ધતિ દ્વારા તૈયાર કરાયેલા આ વનની વૃદ્ધિ ખુબજ ઝડપથી થઇ ૨૦ માસના ટુંકા ગાળામાં લગભગ ૧૦ થી ૧૫ ફુટ જેટલી વૃક્ષોની ઉંચાઇ થયેલ છે.


આ સિવાય વનકવચમાં નાના બાળકોને રમવામાટે બાલ ક્રિડાંગણ બનાવવામાં આવેલ છે. મુલાકાતીઓને વનમાં વિહાર કરવા વનકવચની ફરતે ખુબજ સરસ પાથ-વે બનાવવામાં આવેલ છે. જેમાં વિહાર કરતા મુલાકાતીઓને પ્રકૃતિના ખોળે ફરતાં હોય તેવો આહલાદક અનુભવ માણવા મળે છે. મુલાકાતીઓને આરામ કરવા માટે વનકુટિરનું નિર્માણ કરવામાં આવેલ છે જેમાં બેસવા માટે બાંકડાઓની વ્યવસ્થા તથા સેલ્ફી પોઇન્ટનું નિર્માણ પણ કરવામાં આવેલ છે.
​​​​​​​

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશ્નર ડી.એન.મોદી, અગ્રણીઓ વિનોદભાઈ ભંડેરી અને બીનાબેન કોઠારી, ચીફ ક્ધઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.રામ રતન નાલા, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, રેન્જ ફોરેસ્ટ ઓફિસરો હર્ષાબેન પંપાણીયા અને દક્ષાબેન વઘાસીયા, વન વિભાગના અધિકારીઓ, કોર્પોરેટરો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application