જામનગરના મેયર સહિતના પદાધિકારીઓની વરણી માટે તા. ૧રના રોજ મળશે સામાન્ય સભા

  • September 02, 2023 02:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મેયર, ડે. મેયર, નેતા, દંડકના નામ સામાન્ય સભામાં જાહેર થયા બાદ ચેરમેનની વરણી તરત જ થશે: રાજકીય સળવળાટ શરુ

જામનગરના મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિતના પાંચ પદાધિકારીઓની વરણી માટે તા. ૧ર સપ્ટેમ્બરના રોજ સામાન્ય સભા મળશે, આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, હજુ ગઇકાલે જ સેન્સની પ્રક્રિયા પૂર્ણ થઇ છે, તમામ પદો માટે દાવેદારો વધુ હોવાથી સ્વાભાવિક રીતે ઉત્તેજના છવાયેલી છે અને હવે સામાન્ય સભા માટેની તારીખ જાહેર થઇ હોવાથી આ ઉત્તેજનામાં વધારો થશે, રાજકીય દાવપેચ ચરમસીમાએ પહોંચશે.
છેલ્લા ૩-૪ દિવસથી જામનગર કોર્પોરેશનનું રાજકારણ ભારે ગરમાયું છે, કોના ગળામાં મેયર અને ચેરમેનના હોદ્દાની વરમાળા પહેરાવવામાં આવશે તે અંગે હજુ સસ્પેન્સ છે ત્યારે ખાસ કરીને ચેરમેન પદ માટે ઘણા બધાં દાવેદાર હોય, મહત્વનું પદ કોને મળશે ? તે માટે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે.
હજુ શુક્રવારે જ શહેર ભાજપ કાર્યાલયે તમામ પ૦ નગરસેવકો અને ધારાસભ્યો સહિતના પદાધિકારીઓની સેન્સ પણ લેવામાં આવી હતી અને પ્રદેશ નિરીક્ષકોએ પોતાનો અહેવાલ રજૂ કરવા માટેની તૈયારી કરી દીધી છે.
સેન્સની પ્રક્રિયા બાદ સામાન્ય રીતે પેનલો તૈયાર કરવામાં આવતી હોય છે અને આ પછી ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળે છે, જ્યાં દાવેદારોના નામ પર ચર્ચા થાય છે, આ પછી કોને કયાં પદ પર બેસાડવા, એ ચહેરો નક્કી કરવામાં આવતો હોય છે.
સેન્સ લેવાઇ ગઇ છે અને હવે સામાન્ય સભાની તારીખ પણ નક્કી થઇ ગઇ છે, એટલે આગામી બે-ત્રણ દિવસમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પણ મળી શકે છે અને તેમાં જામનગરના મુરતીયાઓ અંગે ચર્ચા થઇ શકે છે.
જામનગરના મેયર પદે અને ચેરમેન પદે કોણ આવશે ? તે અંગે રાજકીય હલચલ શરુ થઇ ચૂકી છે, દાવેદારો પોતપોતાના દાવા કરી રહ્યા છે અને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પોતાના રાજકીય નેતાઓને પોતાના નામની ભલામણ કરવાની વાત કરી રહ્યા છે, કોર્પોરેશનમાં પણ વાતાવરણ ખૂબ જ ઉત્તેજનાભર્યું રહે છે, હવે તા. ૧ર ના રોજ સામાન્ય સભા નક્કી થઇ ગઇ છે ત્યારે ઉત્તેજના વધી રહી છે.
નિયમ મુજબ જ્યારે પણ પદાધિકારીઓની વરણી થવાની હોય છે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જે નામ નક્કી થાય છે તે બંધ કવરમાં પહોંચાડવામાં આવે છે અને સામાન્ય સભામાં નામોની જાહેરાત કરવામાં આવતી હોય છે, રાજ્યના અન્ય મહાનગરો માટે જુદી જુદી તારીખો જાહેર થઇ છે, જામનગર માટે કઈ તારીખ જાહેર થાય છે, તેનો ઇન્તેજાર હતો ત્યારે આજે બપોરે ઉપરોક્ત અહેવાલ આવી જતા હવે તા. ૧ર મીએ સામાન્ય સભામાં કવર ખૂલ્યા બાદ નક્કી થશે કે કઇ ખુરશીનો તાજ કોના માથા પર જાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application