BREAKING NEWS

રાજકોટિયન્સો હોટલ-રેસ્ટોરન્ટમાં જમતા પહેલા સાવધાન....પનીરના નામે 'એનાલોગ' પિરસતા એકમો પર ત્રાટક્યું ફૂડ વિભાગ, 59 પેઢીઓને દંડ

  • May 01, 2026 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં શુદ્ધ પનીરના નામે ગ્રાહકોને વનસ્પતિજન્ય ફેટ ધરાવતું 'એનાલોગ' પિરસતી હોટલ અને રેસ્ટોરન્ટ્સ સામે ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન ચેકિંગ ડ્રાઈવમાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.


શું છે આ સમગ્ર મામલો?

શહેરમાં આવેલી જાણીતી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને કેટરર્સમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અનેક એકમો શુદ્ધ દૂધમાંથી બનતા પનીર કે ચીઝના બદલે સસ્તું અને સ્વાસ્થ્ય માટે હાનિકારક એવું 'ડેરી એનાલોગ' વાપરી રહ્યા હતા. આ એનાલોગમાં દૂધના ફેટને બદલે વનસ્પતિજન્ય ફેટ (તેલ) નો ઉપયોગ કરવામાં આવે છે, જે ગ્રાહકો માટે છેતરપિંડી સમાન છે.


તંત્રની કડક કાર્યવાહી

ફૂડ વિભાગે આ ડ્રાઈવ દરમિયાન કુલ 59 પેઢીઓ સામે કાર્યવાહી કરી છે. આ પેઢીઓ પાસેથી નિયમોના ઉલ્લંઘન બદલ અંદાજે રૂ. 30,700નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. તદુપરાંત, આરોગ્ય સાથે ચેડાં કરતા 71 કિલો જેટલા વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે.


નવા નિયમોનું પાલન ફરજિયાત

હવેથી દરેક ખાણી-પીણીના એકમો માટે નવા નિયમોનું પાલન કરવું અનિવાર્ય બન્યું છે. મેનુ કાર્ડમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવો પડશે કે વાનગીમાં 'પનીર' વપરાયું છે કે 'એનાલોગ'. વાનગી બનાવવા માટે કયા પ્રકારના તેલ કે બટરનો ઉપયોગ થયો છે, તેની પણ જાહેરાત કરવી પડશે. વધુમાં, શંકાસ્પદ ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે મસાલા અને દૂધના કુલ 38 નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહીને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News